ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 24 ડિસેમ્બર 2021
શુક્રવાર
દક્ષિણ આફ્રિકામાંથી મળી આવેલા કોરોનાના નવા વેરીયન્ટ ઓમિક્રોનના કેસ દેશમાં ઝડપથી વધી રહ્યા છે. જેના કારણે ૨૦ દિવસમાં કેન્દ્ર અને રાજય સરકારોની ઉંઘ ઉડી ગઈ છે. દિલ્હીથી મહારાષ્ટ્ર્ર સુધીના ૧૫ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ પ્રકારના કેસ જોવા મળ્યા છે. જેના કારણે ફરી એકવાર કોરોના વાયરસના કેસ વધી શકે છે. નવા વેરીએન્ટના પગલે કેન્દ્ર અને રાજય સરકારો એકશનમાં આવી ગઈ છે અને અલગ અલગ રાજ્યોમાં નિયંત્રણો લગાવવામાં આવી રહ્યા છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કોરોનાની ત્રીજી લહેર ટાળવા અંગે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ-19 અને ખાસ કરીને ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને ગુરુવારે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અધિકારીઓને ઝડપથી અને અસરકારક કોન્સટેક ટ્રેસિંગ અને કોવિડ-19ના પરીક્ષણો ઝડપ કરવા તેમજ વેક્સિનેશનમાં વધારા સાથે સાથે આરોગ્યના માળખાને મજબૂત બનાવવા નિર્દેશ આપ્યો હતો. તેમજ રાજ્યોને શક્ય હોય તેવી તમામ મદદ પૂરી પાડવા માટે વાત કહી હતી.
અયોધ્યામાં મહાજમીન કૌભાંડ: પાંચ મિનિટમા જમીનની કિંમતમાં થયો આટલા કરોડનો વધારો, કોંગ્રેસના આ નેતાએ કર્યો આરોપ
મહારાષ્ટ્રમાં આજે કોવિડ-19ની નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે. સીએમ ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં કોવિડ ટાસ્ક ફોર્સની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ આ વર્ષે નાતાલ અને નવા વર્ષની ઉજવણી પ્રતિબંધ મુકાય તેવી સંભાવના છે. આ સાથે હોટલ, રેસ્ટોરન્ટ, લગ્ન સમારંભ, પાર્ટીઓમાં ભીડ નિયંત્રિત કરવા માટે નવી માર્ગ દર્શિકા તૈયાર કરવામાં આવશે. મુંબઈ પોલીસે ક્રિસમસ અને નવા વર્ષને ધ્યાનમાં રાખીને શહેરમાં 31 ડિસેમ્બર સુધી કલમ 144 લાગુ કરી છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોરોના સંક્રમણના ફેલાવાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કડકાઈ વધારવાનો નિર્દેશ આપ્યો છે. તેમજ જાહેર સ્થળો જેવા કે મોલ, સિનેમાઘરો, હોટલો, કાફે અને ભીડભાડવાળા સ્થળોએ વધુ સતર્કતા જાળવવામાં આવશે. ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીમાં યોજાનારી પાર્ટીઓમાં કોવિડ પ્રોટોકોલ, સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ફરજિયાત રહેશે. કોરોના ડેલ્ટા અને ઓમિક્રોન વેરિયન્ટને ધ્યાનમાં રાખીને નોયડા અને લખનઉમાં યોગી સરકારે 31 ડિસેમ્બર સુધી કલમ 144 લગાવી દીધી છે.
મધ્યપ્રદેશમાં નાઇટ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં રાત્રે 11 થી 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ ચાલુ રહેશે. શિવરાજ સરકારે જાહેર કરેલી નવી ગાઈડ લાઈનમાં જે લોકો રસીના બંને ડોઝ પછી જ ક્લબ, કોચિંગ, જીમ, થિયેટરમાં પ્રવેશ આપવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે.માસ્ક ન પહેરવા બદલ દંડ લાદવાની જોગવાઈઓ પણ છે. આ સાથે જ ઓમીક્રોન્સની સંભવિત લહેરને ધ્યાનમાં રાખીને કર્ફ્યુ લાદનાર પ્રથમ રાજ્ય બન્યું છે.
મધ્ય રેલવેમાં એર કન્ડિશન લોકલ ટ્રેન ના ફેરા વધારવામાં આવશે. આ છે કારણ; જાણો વિગત.
ઓમિક્રોનના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને પાટનગર દિલ્હીમાં ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર પ્રતિબધં લગાવી દેવામાં આવ્યો છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના આદેશ અનુસાર આગામી આદેશો સુધી કોઈપણ હોટેલ, બાર અથવા રેસ્ટોરન્ટમાં ૫૦ ટકા બેઠક ક્ષમતાને મંજૂરી આપવામાં આવશે નહીં. કેજરીવાલ સરકારે ઓમિક્રોનને રોકવા માટે દરરોજ 3,00,000 પરીક્ષણો કરવાની ક્ષમતા બનાવી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ મીડિયાને જણાવ્યું હતું કે, દરરોજ 60થી 70,000 ટેસ્ટ થાય છે, પરંતુ જો દરરોજ 3 લાખ ટેસ્ટ કરવાની જરૂર હોય તો આપણે કરી શકીએ છીએ.
રાજસ્થાનમાં નવી ગાઈડ લાઈન હેઠળ લોકોને ટેસ્ટ ટ્રેક ટ્રીટ પ્રોટોકોલ અને રસીકરણ તેમજ માસ્કનો ફરજિયાત ઉપયોગ, સામાજિક અંતરનું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. આરટીપીસીઆર ટેસ્ટ અને રિપોર્ટ રજૂ ન થાય ત્યાં સુધી બહારથી શૈક્ષણિક સંસ્થાઓમાં આવતા વિદ્યાર્થીઓને ક્વોરેન્ટાઇન કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત જાહેર સ્થળોએ થૂંકવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
પંજાબમાં પણ કોરોનાના લઈને કડક નિયમો અમલમાં આવી રહ્યા છે. અહીં પંજાબ સરકારે આદેશ આપ્યો છે કે જે સરકારી કર્મચારીઓ રસીકરણ પ્રમાણપત્ર નહીં બતાવે તેમને તેમનો પગાર નહીં મળે. કર્મચારીઓને રાજય સરકારના માનવ સંસાધન પોર્ટલ પર તેમનું સંપૂર્ણ રસીકરણ અથવા કામચલાઉ રસીકરણ પ્રમાણપત્ર અપલોડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો તેઓએ રસી નથી લીધી અને સર્ટીફિકેટ નથી તો તેમને પગાર નહીં મળે.
આ ઉપરાંત હરિયાણામાં જે લોકોને બંને કોરોના રસી સામે રસી આપવામાં આવી નથી તેમને 1 જાન્યુઆરી, 2022થી જાહેર સ્થળોની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ પ્રતિબંધ મેરેજ હોલ, હોટેલ, બેંકો, સરકારી કચેરીઓ અને બસો જેવા સ્થળો પર લાગુ પડશે.
સ્વાસ્થ્ય જાણકારી: જાણો શિયાળા માં સંતરા ખાવાના ફાયદા વિશે