News Continuous Bureau | Mumbai
Ladki Behen Yojana Tમહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ‘માઝી લાડકી બહેન યોજના’ હેઠળ મહિલાઓનું ઈ-કેવાયસી મોટા પાયે ચાલી રહ્યું હતું, ત્યારે તાજેતરમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આવેલી કુદરતી આપત્તિઓ અને મહિલાઓ દ્વારા રજૂ કરાયેલી તકનીકી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવારના નિર્દેશો અને માર્ગદર્શન હેઠળ, ઈ-કેવાયસી કરવાની અંતિમ તારીખ ૧૮ નવેમ્બર ૨૦૨૫ થી વધારીને હવે ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધી કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તટકરેએ આ માહિતી આપી હતી.
ઈ-કેવાયસી ન કરાવી શકનારી મહિલાઓને દિલાસો
‘લાડકી બહેન યોજના’ હેઠળ મહિલાઓ માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવાની સમયમર્યાદા ૧૮ નવેમ્બર સુધી જ હતી. પરંતુ, અનેક મહિલાઓ માટે સમયસર આ પ્રક્રિયા પૂરી કરવી શક્ય ન બનતાં, તેઓ યોજનાના લાભથી વંચિત રહી જશે કે કેમ તેવો મોટો પ્રશ્ન ઊભો થયો હતો. સરકારે આ સ્થિતિને ગંભીરતાથી ધ્યાનમાં લઈને મુદત વધારી આપતાં, જે મહિલાઓએ હજી સુધી કેવાયસી કરાવ્યું નથી તેમણે રાહતનો શ્વાસ લીધો છે. તાજેતરની કુદરતી આફતોમાં અનેક પરિવારોને ભારે નુકસાન થયું છે. તેમજ, કેટલીક મહિલાઓના પતિ કે પિતાના અવસાનને કારણે સંબંધિત આધાર નંબર પર ઓટીપી પ્રાપ્ત થવો પણ અશક્ય બની ગયો છે. આવી અનિવાર્ય પરિસ્થિતિઓમાં મુદત વધારવી જરૂરી હતી.
કોઈ પણ પાત્ર મહિલા વંચિત ન રહે તેવો સરકારનો ઉદ્દેશ્ય
સરકારની આ યોજના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ પાત્ર મહિલા તકનીકી અથવા અનિવાર્ય કારણોસર યોજનાના લાભથી વંચિત ન રહે. મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તટકરેએ જણાવ્યું હતું કે, જે પાત્ર મહિલાઓના પતિ અથવા પિતા હયાત નથી, અથવા જે મહિલાઓ છૂટાછેડા લીધેલા છે, તેમણે પોતાની ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની સાથે, સંબંધિત મૃત્યુ પ્રમાણપત્ર, છૂટાછેડા પ્રમાણપત્ર અથવા કોર્ટનો આદેશ જેવી સત્ય નકલો પણ રજૂ કરવી પડશે.
આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈમાં ‘ઓપરેશન ક્લીન’: ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર મહારાષ્ટ્રની સૌથી મોટી કાર્યવાહી! અત્યાર સુધીમાં આટલા ઘૂસણખોરોને દેશમાંથી હાંકી કઢાયા
વિસ્તૃત સમયગાળામાં ઈ-કેવાયસી પૂર્ણ કરવા અપીલ
મંત્રી અદિતિ તટકરેએ સ્પષ્ટ કર્યું હતું કે, પાત્ર મહિલાઓને ન્યાય મળે અને કોઈ પણ મહિલા યોજનાથી વંચિત ન રહે, તે સરકારની પ્રાથમિકતા છે. આ માટે જ મહિલાઓના હિતને ધ્યાનમાં રાખીને ઈ-કેવાયસીની પ્રક્રિયાને ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધી લંબાવવામાં આવી છે. તેમણે આ વિસ્તૃત સમયગાળામાં તમામ લાભાર્થીઓને પોતાની ઈ-કેવાયસી પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરવા માટે ખાસ અપીલ કરી છે, જેથી તેઓ આ મહત્વકાંક્ષી યોજનાનો લાભ મેળવી શકે.


