News Continuous Bureau | Mumbai
Ajit Pawar Slams BJP મહારાષ્ટ્રની રાજનીતિમાં અત્યારે ‘મહાયુતિ’ (ભાજપ-NCP-સેના) ના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થયા છે. પિંપરી-ચિંચવડ મહાનગરપાલિકાની ચૂંટણીમાં અજિત પવારની NCP ભાજપથી અલગ થઈને ચૂંટણી લડી રહી છે.અજિત પવારે ભાજપ પર પ્રહારો કરતા કહ્યું કે, ભાજપના શાસનમાં PCMC માં ભ્રષ્ટાચારના નવા રેકોર્ડ બન્યા છે અને શહેરના સંસાધનોની લૂંટ ચલાવવામાં આવી છે.
PCMC ને દેવાના ડુંગરમાં ધકેલી દીધું
અજિત પવારે આક્ષેપ કર્યો કે એશિયાની સૌથી ધનિક ગણાતી આ મહાનગરપાલિકા ભાજપના શાસનમાં દેવાદાર બની ગઈ છે. પાલિકાની ડિપોઝિટ 4,844 કરોડ થી ઘટીને માત્ર 2,000 કરોડ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે વિકાસના નામે માત્ર ટેન્ડરોની ‘રિંગ’ બનાવીને જનતાના પૈસાની ઉચાપત કરવામાં આવી છે.
હપ્તાખોરી અને ગુંડાગીરીનો આરોપ
અજિત પવારે સૌથી ચોંકાવનારો આરોપ લગાવતા કહ્યું કે, “ભાજપના નેતાઓ શહેરમાં હપ્તા વસૂલી કરે છે અને મારી પાસે તેના પાકા પુરાવા છે. શહેરમાં લૂંટારાઓની ટોળકી દિવસ-દહાડે ફરી રહી છે અને સત્તાનો નશો આ નેતાઓના માથે ચઢી ગયો છે.”
નેતાઓની મિલકતની તપાસની માંગ
કોઈનું નામ લીધા વગર ભાજપના સ્થાનિક નેતાઓ પર નિશાન સાધતા તેમણે પૂછ્યું કે, “છેલ્લા કેટલાક વર્ષોમાં અમુક ખાસ લોકોની પ્રોપર્ટીમાં અચાનક આટલો મોટો વધારો કેવી રીતે થયો? આ બેહિસાબ પૈસા ક્યાંથી આવ્યા તેની તપાસ થવી જોઈએ.”
કેન્દ્રીય મંત્રી અને પાસપોર્ટ કાંડ
તેમણે કેન્દ્રીય મંત્રી મુરલીધર મોહોળ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. એક ગુનેગારના ફરાર થવાના મામલે તેમણે પૂછ્યું કે, “તેને પાસપોર્ટ કોના દબાણમાં અપાવવામાં આવ્યો? તેને વિદેશ ભાગવામાં કોણે મદદ કરી? સુરક્ષા એજન્સીઓને ચકમો આપીને તે કેવી રીતે ભાગ્યો?”
આ સમાચાર પણ વાંચો : Maharashtra: વિપક્ષના સૂપડા સાફ? મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા જ ભાજપ-શિવસેનાનો ડંકો; 68 બેઠકો બિનહરીફ જીતી વિપક્ષને આપ્યો મોટો આંચકો
જૂના આરોપો પર વળતો પ્રહાર
પોતાના પર લાગેલા 70 હજાર કરોડના સિંચાઈ કૌભાંડના આરોપો પર તંજ કસતા અજિત પવારે કહ્યું કે, “મારી પર આરોપ લગાવનારાઓ સાથે જ આજે હું સત્તામાં બેઠો છું, આ કેવી વિડંબના છે!” તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ હવે કોઈપણ દબાણને વશ થશે નહીં.
