News Continuous Bureau | Mumbai
India-China Steel Dispute ભારત સરકારે ચીન વિરુદ્ધ કડક આર્થિક પગલું ભરતા ત્યાંથી આયાત થતા ચોક્કસ સ્ટીલ ઉત્પાદનો પર આગામી ૫ વર્ષ માટે એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાદવાની જાહેરાત કરી છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝ (DGTR) ના રિપોર્ટ બાદ લેવાયેલા આ નિર્ણયથી સ્થાનિક સ્ટીલ ઉદ્યોગોને સસ્તી આયાત સામે રક્ષણ મળશે અને ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને વેગ મળશે.
શું છે CRNO સ્ટીલ અને તેનો ઉપયોગ?
ભારત સરકાર દ્વારા લેવાયેલો આ નિર્ણય ઇલેક્ટ્રિકલ ક્ષેત્ર માટે અત્યંત મહત્વનો સાબિત થશે, કારણ કે આ ખાસ પ્રકારના સ્ટીલનો ઉપયોગ મુખ્યત્વે મોટર્સ, જનરેટર અને નાના ટ્રાન્સફોર્મર જેવા આવશ્યક સાધનો બનાવવામાં થાય છે. જોકે, સરકારે ઉદ્યોગોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ‘કોલ્ડ રોલ્ડ ફૂલ હાર્ડ સિલિકોન ઇલેક્ટ્રિકલ સ્ટીલ’ (CRFH) ને હાલ પૂરતી આ એન્ટી-ડમ્પિંગ ડ્યુટીમાંથી મુક્તિ આપી છે, જેથી ચોક્કસ ટેકનિકલ ઉત્પાદનોના ઉત્પાદન ખર્ચમાં અચાનક મોટો વધારો ન થાય.
શા માટે લેવો પડ્યો આ નિર્ણય?
આ કડક નિર્ણય પાછળનું મુખ્ય કારણ ચીન દ્વારા કરવામાં આવતું ‘ડમ્પિંગ’ છે, જેના લીધે ભારતીય બજારમાં મોટી અસ્થિરતા ઊભી થઈ રહી હતી. ચીન પોતાના ઉત્પાદનોને ભારતીય બજારમાં ઉત્પાદન ખર્ચ કરતાં પણ ઓછી કિંમતે વેચી રહ્યું હતું, જેના કારણે ટાટા સ્ટીલ અને જેએસડબ્લ્યુ (JSW) જેવી સ્થાનિક દિગ્ગજ કંપનીઓના નફા અને અસ્તિત્વ પર ખતરો મંડરાઈ રહ્યો હતો. સસ્તી આયાતને કારણે ભારતીય કંપનીઓનો માર્કેટ શેર સતત ઘટી રહ્યો હતો, જેને રોકવા અને સ્થાનિક ઉદ્યોગોના રક્ષણ માટે સરકારે આ પગલું ભર્યું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ભારતે વિયેતનામથી થતી સ્ટીલની આયાત પર પણ આવી જ રીતે ડ્યુટી લગાવીને ચીની ચાલબાજી સામે રક્ષણાત્મક વલણ અપનાવ્યું હતું.
શું હોય છે એન્ટી-ડમ્પિંગ ડ્યુટી?
જ્યારે કોઈ દેશ તેના ઘરેલું બજારની કિંમત કરતા પણ ઓછી કિંમતે બીજા દેશમાં માલની નિકાસ કરે છે, ત્યારે તેને ‘ડમ્પિંગ’ કહેવામાં આવે છે. DGTR આવી ડમ્પિંગની તપાસ કરે છે અને ભલામણ કરે છે.નાણા મંત્રાલય આ ભલામણના ત્રણ મહિનાની અંદર તેના પર અંતિમ મહોર મારે છે. આ વધારાના શુલ્કથી આયાતી માલની કિંમત વધી જાય છે અને તે સ્થાનિક માલની સમકક્ષ બને છે.
આ સમાચાર પણ વાંચો : Kingfisher Airlines employee salary: EDનો મોટો ધડાકો: કિંગફિશર એરલાઇન્સના કર્મચારીઓને મળશે હકનો પગાર, ₹311 કરોડના ફંડને મળી લીલી ઝંડી
સ્ટીલ આયાતના ચોંકાવનારા આંકડા
રેટિંગ એજન્સી ICRA ના મતે, ૨૦૨૫ના પ્રથમ નવ મહિનામાં ચીનની સ્ટીલ નિકાસ ૮૮ મિલિયન ટનના રેકોર્ડ સ્તર પર પહોંચી છે. આ કારણે વૈશ્વિક બજારમાં સ્ટીલના ભાવ ઘટી રહ્યા છે, જેનાથી ભારત જેવા વિકાસશીલ દેશોના સ્ટીલ ઉદ્યોગને જોખમ ઊભું થયું છે. ભારતે ૨૦૨૫માં ૧.૭૩ મિલિયન ટન સ્ટેનલેસ સ્ટીલની આયાત કરી છે.
