News Continuous Bureau | Mumbai
Maharashtra Weather Today। મહારાષ્ટ્રમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કાળઝાળ ગરમીની સાથે સાથે હવે કમોસમી વરસાદનું સંકટ પણ તોળાઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી કેટલાક દિવસો માટે રાજ્યના વિવિધ ભાગોમાં ‘ડબલ સંકટ’ ની ચેતવણી આપી છે. વિદર્ભ અને મુંબઈ સહિતના વિસ્તારોમાં ગરમીનો પારો આસમાને પહોંચવાની શક્યતા છે.
આકરો ઉનાળો અને હીટવેવની ચેતવણી
મહારાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. વિદર્ભમાં પારો 44 ડિગ્રી સુધી પહોંચ્યો છે, જ્યારે જળગાંવ અને ભંડારા જિલ્લામાં પણ 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મુંબઈમાં પણ આજથી આગામી 4 દિવસ સુધી હીટવેવ (ઉષ્ણ લહેર) રહેવાની શક્યતા છે. પ્રશાસને નાગરિકોને બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન બિનજરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. જળગાંવમાં ગરમીને કારણે એક યુવાન ફળ વિક્રેતાનું મોત થતા ગભરાટ ફેલાયો છે.
વિદર્ભમાં માવઠાની આફત
ગરમીની વચ્ચે હવામાન વિભાગે વિદર્ભમાં કમોસમી વરસાદની આગાહી પણ કરી છે. 2 મે થી આગામી 3 દિવસ સુધી વિદર્ભના કેટલાક ભાગોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડી શકે છે. ખાસ કરીને વર્ધા, યવતમાળ, ચંદ્રપુર અને ગઢચિરોલી જિલ્લાઓને વરસાદ માટે ‘યલો એલર્ટ’ આપવામાં આવ્યો છે. આ વિસ્તારોમાં ગરમીની સાથે સાથે અચાનક વાતાવરણ પલટાતા ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ
હવામાનશાસ્ત્રી એસ. ડી. સાનપે નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર તાપમાન અને હવામાન વિશે ફેલાતા ખોટા મેસેજ પર વિશ્વાસ ન કરવો. માત્ર હવામાન વિભાગની સત્તાવાર વેબસાઈટ અને અહેવાલો પર જ ભરોસો રાખવો. આગામી 24 કલાકમાં ગરમીનો પ્રકોપ વધુ તીવ્ર બની શકે છે, તેથી ખાસ સાવચેતી રાખવી જરૂરી છે.
👉 આ સમાચાર વાચો:
USIran War| યુદ્ધની આશંકા? ઈરાનના શાસકો પર ડોનાલ્ડ ટ્રમ્પનો કટાક્ષ, જાણો પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિએ કેમ કરી આવી ટિપ્પણી