News Continuous Bureau | Mumbai
Maharashtra Weather Update: મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં છેલ્લા ૨૪ કલાકથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મંગળવારે વહેલી સવારે નવી મુંબઈ, ઠાણે અને રાયગઢ જિલ્લાના પેણ તાલુકામાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ કમોસમી વરસાદને કારણે શિયાળાની ગુલાબી ઠંડી લગભગ ગાયબ થઈ ગઈ છે અને હવામાં ભેજનું પ્રમાણ વધ્યું છે. હવામાન નિષ્ણાતોના મતે બંગાળની ખાડીમાં લો-પ્રેશર એરિયા સર્જાવાને કારણે બાષ્પયુક્ત પવનો સક્રિય થયા છે, જેની સીધી અસર મહારાષ્ટ્રના હવામાન પર પડી રહી છે.
કયા વિસ્તારોમાં થઈ વરસાદની એન્ટ્રી?
રાયગઢ (પેણ): વહેલી સવારે ૪ વાગ્યાની આસપાસ જોહે અને હમરાપુર વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. અહીં મોટી સંખ્યામાં ગણપતિની મૂર્તિઓના કારખાના અને ઈંટો ની ભઠ્ઠી આવેલી છે. અચાનક આવેલા વરસાદથી કાચી ઈંટો અને મૂર્તિઓ પલળી જવાથી લાખોનું નુકસાન થવાની ભીતિ છે.
ઠાણે અને ભીવંડી: ઠાણેના ઘોડબંદર રોડ અને ભીવંડીના ગ્રામીણ વિસ્તારોમાં જોરદાર ઝાપટાં પડ્યા હતા. સવારે સ્કૂલે જતા બાળકો અને ઓફિસ જતા લોકોની ભારે દોડધામ મચી ગઈ હતી.
નવી મુંબઈ: નવી મુંબઈના અનેક વિસ્તારોમાં સવારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેના કારણે વાતાવરણમાં સહેજ ગરમાવો અને બફારો અનુભવાઈ રહ્યો છે.
હવામાન વિભાગનું એલર્ટ
ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી ૨૪ કલાક માટે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો અને ઉત્તર મહારાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. નંદુરબાર અને જળગાંવ જિલ્લામાં પણ હળવા વરસાદની શક્યતા છે. આ કમોસમી વરસાદને કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે, એટલે કે હવે રાત્રિના સમયે પણ ઠંડી ઓછી અનુભવાશે.
આ સમાચાર પણ વાંચો : Bank Strike Today:આજે બેંકમાં કામ છે? તો આ સમાચાર વાંચી લેજો; દેશભરમાં હજારો બેંક કર્મચારીઓ હડતાળ પર, જાણો શું ખુલ્લું રહેશે અને શું બંધ.
સ્વાસ્થ્ય અને ખેતી પર અસર
વાતાવરણમાં વારંવાર આવતા આ બદલાવને કારણે વાયરલ ઇન્ફેક્શન અને શરદી-ખાંસીના કેસોમાં વધારો થઈ શકે છે. બીજી તરફ, આ વરસાદ કેરીના મોર (ફ્લાવરિંગ) અને રવી પાક માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને દ્રાક્ષ અને કાજુના પાકને જીવાત પડવાનો ભય વધી ગયો છે.