News Continuous Bureau | Mumbai
Stock Market Crash: ભારતીય શેરબજારમાં આજે ગુરુવારે હાહાકાર મચી ગયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન યુદ્ધ પરના તાજેતરના નિવેદને રોકાણકારોમાં ફાળ પાડી દીધી છે. બજાર ખૂલતાની સાથે જ સેન્સેક્સમાં 1500 પોઈન્ટ અને નિફ્ટીમાં 500 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. ટ્રમ્પે આગામી 2 થી 3 અઠવાડિયામાં ઈરાન પર ભીષણ હુમલાના સંકેત આપ્યા છે, જેનાથી વૈશ્વિક બજારમાં તેલની કિંમતોમાં આગ લાગી છે અને તેની સીધી અસર દલાલ સ્ટ્રીટ પર જોવા મળી રહી છે.
સેન્સેક્સ અને નિફ્ટીમાં 2% થી વધુનો મોટો ઘટાડો
સવારે 9.25 વાગ્યે સેન્સેક્સ 1478 પોઈન્ટ ઘટીને 71,600 ના સ્તરે આવી ગયો હતો. નિફ્ટી પણ 2% ના ઘટાડા સાથે 22,250 ની નીચે ટ્રેડ કરી રહ્યો હતો. બેંક નિફ્ટીમાં પણ 1500 પોઈન્ટનો કડાકો બોલ્યો હતો. BSE ના ટોચના 30 શેરોમાંથી HCL ટેક સિવાયના તમામ શેરો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. બજારમાં આટલા મોટા ઘટાડાને કારણે રોકાણકારોની સંપત્તિમાં લાખો કરોડોનો ઘટાડો થયો છે.
આ સમાચાર પણ વાંચો: Custom Duty Cut: ઈરાન સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ખાતર અને પેટ્રોકેમિકલ ક્ષેત્રને મળી મોટી રાહત.
આ શેરોમાં જોવા મળી સૌથી વધુ વેચવાલી
બજારમાં સૌથી વધુ પ્રહાર ફાર્મા અને લોજિસ્ટિક્સ સેક્ટર પર થયો છે. સૌથી વધુ ઘટાડો આ શેરોમાં જોવા મળ્યો:
સનફાર્મા: 4.59% નો ઘટાડો
ઈન્ડિગો (IndiGo): 4% નો ઘટાડો (ઈંધણના ભાવ વધવાને કારણે)
અદાણી પોર્ટ્સ: 3.60% નો ઘટાડો
ટાટા મોટર્સ અને SBI: 2% થી વધુનો ઘટાડો
BSE ના 3,506 શેરોમાંથી 2,561 શેરોમાં ઘટાડો રહ્યો હતો, જ્યારે માત્ર 803 શેરોમાં જ તેજી જોવા મળી હતી. અંદાજે 84 શેરોમાં લોઅર સર્કિટ લાગી હતી.
તેલના ભાવ અને ટ્રમ્પનું અલ્ટીમેટમ
ક્રૂડ ઓઈલના ભાવમાં એક જ દિવસમાં $8 નો ઉછાળો આવ્યો છે અને તે $106 પ્રતિ બેરલ ને પાર કરી ગયો છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઈરાનને કોઈપણ કિંમતે પરમાણુ શક્તિ બનવા દેશે નહીં અને હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા અન્ય દેશોએ પોતે કરવી પડશે. આ નિવેદને યુદ્ધની અનિશ્ચિતતા વધારી દીધી છે, જેના કારણે રોકાણકારો સલામત વિકલ્પો તરફ વળી રહ્યા છે અને શેરબજારમાંથી મોટાપાયે નાણાં ખેંચી રહ્યા છે.