News Continuous Bureau | Mumbai
Maharashtra Municipal Election મહારાષ્ટ્રમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણીઓનો જંગ જામ્યો છે. ભાજપ અને શિંદે જૂથની મજબૂત પ્રચાર મશીનરીને માત આપવા માટે ઉદ્ધવ ઠાકરેએ પોતાના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. રાજ્યની 29 મહાનગરપાલિકાઓ માટે 15 જાન્યુઆરીએ મતદાન થવાનું છે અને 16 જાન્યુઆરીએ પરિણામો જાહેર થશે. આ યાદીમાં ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેની સાથે પક્ષના વરિષ્ઠ નેતાઓ અને આક્રમક વક્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ શિવસેના (UBT) માટે મતદારોને રીઝવવાનું કામ કરશે.
સ્ટાર પ્રચારકોની યાદીમાં જાણીતા ચહેરાઓ અને ‘આદેશ ભાવજી’નો દબદબો
ઉદ્ધવ ઠાકરે દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં સંજય રાઉત, અરવિંદ સાવંત, અનિલ પરબ અને ભાસ્કર જાધવ જેવા કદાવર નેતાઓને સ્થાન મળ્યું છે. ખાસ કરીને મહારાષ્ટ્રના ઘરોમાં ‘આદેશ ભાવજી’ તરીકે લોકપ્રિય એવા આદેશ બાંદેકરને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત સુષમા અંધારે, વરુણ સરદેસાઈ અને અંબાદાસ દાનવે જેવા યુવા અને આક્રમક નેતાઓ પણ યાદીમાં સામેલ છે. મહિલા મતદારોને આકર્ષવા માટે પ્રિયંકા ચતુર્વેદી અને જ્યોતિ ઠાકરે જેવા નેતાઓ મેદાનમાં ઉતરશે.
મુંબઈમાં ઉદ્ધવ અને રાજ ઠાકરેની ઐતિહાસિક સંયુક્ત સભા
મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટો વળાંક જોવા મળી રહ્યો છે. મુંબઈ મહાનગરપાલિકા (BMC) ચૂંટણીના પ્રચાર માટે આજે વિક્રોલી ખાતે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની પ્રથમ સંયુક્ત સભા યોજાવા જઈ રહી છે. બંને ભાઈઓ આગામી દિવસોમાં કુલ 7 થી 8 સભાઓ ગજવશે. એટલું જ નહીં, શિવસેના અને મનસેના (MNS) કાર્યકર્તાઓમાં ઉત્સાહ ભરવા માટે બંને નેતાઓ સંયુક્ત રીતે શાખાઓની મુલાકાત પણ લેશે. આ ગઠબંધન વિરોધી છાવણી માટે મોટો પડકાર બની શકે છે.
આ સમાચાર પણ વાંચો : PMC Election 2026: પુણે મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપ-અજિત પવાર વચ્ચે ‘બ્રેકઅપ’: રાજ્યમાં સાથે પણ પુણેમાં કેમ અલગ? અજિત પવારે આપ્યો ચોંકાવનારો જવાબ.
નવી પેઢી પણ મેદાનમાં: આદિત્ય અને અમિત ઠાકરે સંભાળશે મોરચો
વડીલ નેતાઓની સાથે હવે ઠાકરે પરિવારની નવી પેઢી પણ પ્રચારમાં સક્રિય બની છે. આદિત્ય ઠાકરે અને અમિત ઠાકરે મુંબઈમાં બે મોટી સંયુક્ત સભાઓ કરવાના છે. આ યુવા નેતાઓની જુગલબંદી યુવા મતદારોને પોતાની તરફ ખેંચવા માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. ભાજપ-શિંદેની જોડીને રોકવા માટે ઠાકરે પરિવારે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે, જેના કારણે ચૂંટણી જંગ વધુ રસપ્રદ બન્યો છે.