News Continuous Bureau | Mumbai
ટીઆરપી લિસ્ટમાં ટોચના સ્થાને રહેલા શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના મેકર્સ માટે મુશ્કેલી વધી છે.શોમાં જેઠાલાલ ગડાના બેસ્ટ ફ્રેન્ડ તારક મહેતા નો રોલ કરી રહેલા એક્ટર શૈલેષ લોઢાએ મેકર્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.વાસ્તવમાં શૈલેષ લોઢાએ શોના નિર્માતા અસિત મોદી સાથે મતભેદને કારણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડી દીધો હતો.તેણે ગયા વર્ષે એપ્રિલમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માટે છેલ્લું શૂટિંગ કર્યું હતું.તેણે આ શો છોડ્યાને એક વર્ષ થઈ ગયું છે તેમ છતાં બંને વચ્ચે છેલ્લા મહિનાઓથી વિવાદ ચાલી રહ્યો હતો અને હવે મામલો કોર્ટમાં પહોંચ્યો છે.
જાણો શું છે મામલો
શૈલેષ લોઢાનું કહેવું છે કે છેલ્લા છ મહિનાથી તેઓ તેમના પેમેન્ટની રાહ જોઈ રહ્યા છે અને તેમને ચૂકવણી કરવામાં આવી રહી નથી. તેણે શોના મેકર અસિત મોદી અને તેના પ્રોડક્શન હાઉસ પર પૈસા ન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે ધીરે ધીરે આ મામલાને એક વર્ષ થઈ જશે અને હવે આ જ કારણ છે કે શૈલેષ લોઢાએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.શૈલેષ લોઢાનું કહેવું છે કે હવે તેમને તેમના પૈસા કાયદેસર રીતે મળશે. શૈલેષ લોઢાએ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ સાથે સેક્શન 9 હેઠળ કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન શરૂ કર્યું છે, કારણ કે અસિત મોદીએ તેમનું દેવું ચૂકવ્યું ન હતું. આ કેસની સુનાવણી મે મહિનામાં થશે.
પ્રોડક્શન હાઉસે આપી પ્રતિક્રિયા
મીડિયા રિપોર્ટ અનુસાર શો ના પ્રોજેક્ટ હેડ સોહિલ રામાણીએ જણાવ્યું હતું કે, “શૈલેષ લોઢા અમારા માટે પરિવારના સભ્ય સમાન છે. અમે તેમને ઘણી વખત ઈમેલ અને ટેલિફોન દ્વારા વિનંતી કરી છે કે તેઓ ઓફિસે આવીને તમામ જરૂરી કાગળ પર સહી કરે અને તેમની બાકી રકમ લઈ જાય. અમે ક્યારેય તેમને તેમની બાકી ની રકમ ચૂકવવા માટે ના નથી પાડી.. દરેક કંપનીનો નિયમ છે કે જ્યારે કોઈ વ્યક્તિ કરાર સમાપ્ત કરે છે ત્યારે તેણે કાગળો પર સહી કરવી પડે છે. અહીં અને ત્યાં ફરિયાદ કરવાને બદલે, શું નિયમિત પ્રક્રિયાને અનુસરવું વધુ સારું નથી?”