પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
ઘરમાં ભક્તિ થતી નથી. અનેક પ્રકારના વિક્ષેપ, ઉપાધિ આવે છે. ઘર છોડીને તમે બધા ગંગાકિનારે જવાના નથી,
એટલે કહેવું પડે છે કે ઘરમાં રહી ભજન કરો. જીવ જ્યારે પ્રભુ સાથે એક થાય છે ત્યારે જ સાક્ષાત્કાર કરી શકે છે. એકાંતમાં
ઇશ્વરની આરાધનાથી આ શક્ય બને છે.
પ્રિયવ્રત રાજાને એવી ઇચ્છા થઈ કે એકાંતમાં બેસી ઈશ્વરનું આરાધન કરીશ. ત્યાં બ્રહ્માજી આવ્યા છે. બ્રહ્માજી પ્રિયવ્રત
રાજાને કહે છે:-પ્રારબ્ધ ભોગવ્યા વગર ચાલતું નથી. પરમાત્માની આજ્ઞામાં રહીને હું પણ પ્રારબ્ધ પૂરું કરું છું. મને પણ પ્રવૃત્તિ
કરવાની ઈચ્છા નથી. તમારે હજુ વનમાં જવાની જરૂર નથી. બહુ સાવધાનીથી વ્યવહાર કરજે.
ભયં પ્રમત્તસ્ય વનેષ્વપિ સ્યાદ્ યત: સ આસ્તે સહષટ્સપત્ન:।
જિતેન્દ્રિયસ્યાત્મરતેર્બુધસ્ય ગૃહાશ્રમ: કિં નુ કરોત્યવદ્યમ્ ।।
જે જિતેન્દ્રિય છે, તે ઘરમાં રહીને પણ ઈશ્વરનું આરાધન કરી શકે છે. જે જિતેન્દ્રિય નથી, તે વનમાં જાય તો પણ પ્રમાદ
કરે છે.
ભરત સ્ત્રી-પુત્ર વગેરેનો ત્યાગ કરી વનમાં ગયા તો, ત્યાં પણ તેમણે સંસાર ઊભો કર્યો. ભરતજી વનમાં ભૂલા પડયા.
પ્રહલાદ દૈત્યો વચ્ચે રહી અનેક પ્રકારનું દુ:ખ સહન કરી, ઘરમાં ભક્તિ કરી શકે છે.
ભાગવત સર્વને માટે છે. ઘર છોડી તપશ્ચર્યા કરનાર માટે અને ઘરમાં રહેનારા માટે.
ભાગવતની કથા એ માર્ગદર્શક છે. એવું નથી કે ઘર છોડનારને જ ભગવાન મળે. ઘરમાં રહીને જો પવિત્ર અને સદાચારી
જીવન ગાળે તેને ઘરમાં પણ, ભગવાન મળે છે. પ્રહલાદજીને ઘરમાં જ ભગવાનનાં દર્શન થયાં હતાં. ઘરનું વાતાવરણ પ્રતિકૂળ
હતું, તેમ છતાં પ્રહલાદ ઘરમાં જ ભજન કરી શક્યા છે. મનુષ્ય જીવનમાં લક્ષ્ય નક્કી કરવાની બહુ જરૂર છે. લક્ષ્યને ધ્યાનમાં રાખી
બધો વહેવાર કરો. માનવ જીવનનું લક્ષ્ય છે, પ્રભુની પ્રાપ્તિ. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પ્રહલાદ ભક્તિ કરી શકયા ત્યારે ઘર ભક્તિમાં
બાધક છે એમ માની ભરતજી ઘર છોડી, વનમાં ગયા તો ત્યાં પણ ભક્તિ કરી શકયા નહીં. જ્યાં જાવ ત્યાં આ પાંચ વિષયો સાથે
આવે છે. ઘરમાં રહીને ભક્તિ કરવી હોય તો પ્રહલાદનો આદર્શ નજર સમક્ષ રાખો, વનમાં રહીને ભક્તિ કરવી હોય તો ભરતનું
જીવન લક્ષમાં રાખો.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૫૩
જીવ જ્યાં જાય ત્યાં તેની પાછળ આ છ ચોરો પડેલા છે:- કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. આ વિકારો પાછળ આવે
છે. આ વિકારોને વશ ન થઈ, ઘરમાં રહે તો ઘર બાધક થતું નથી.
ગૃહસ્થાશ્રમ એ કિલ્લો છે. પ્રથમ તેમાં રહીને લડવું, એ ઉત્તમ છે. છ શત્રુ વનમાં જાવ તો પણ તમારી સાથે આવે છે, અને
પજવે છે. છ શત્રુઓ એટલે છ વિકારોને જીતવાના છે. કામ, ક્રોધ,લોભ, મોહ, મદ અને મત્સરને જીતવાના છે. આ છ શત્રુઓને
જેણે જીત્યા, છે એ ગૃહસ્થાશ્રમમાં રહે, તો પણ વનમાં રહ્યા સરખું છે. ગૃહસ્થાશ્રમમાં રહી આ છ વિકારોને દબાવવા સરળ છે.
સુખી થવું હોય તો તમારી ઉંમરના ચાલીસમાં વર્ષે-ચાલીસે ચાલવા લાગો એટલે કે સંસારને ધીરે ધીરે સંકેલવા લાગો
અને એકાવને વનમાં જાવ.
બ્રહ્માજી પ્રિયવ્રત રાજાને કહે છે:-તમે લગ્ન કરો, લગ્ન કર્યા વગર, આ વિકાર વાસનાનો નાશ થઈ શક્તો નથી.
થોડો વખત સંસાર ભોગવ્યા પછી, પરમાત્માનું આરાધન કરજો.
વ્યવહાર કરો, પણ એવી રીતે કરો કે પુનર્જન્મનું બીજારોપણ ન થાય, રાગદ્વેષ વગર કરેલો વ્યવહાર મનુષ્યને મુક્તિ
અપાવે છે.
પ્રિયવ્રતને લગ્ન માટે આજ્ઞા કરી. પ્રિયવ્રતે લગ્ન કર્યું. તેના ઘરે અનેક બાળકો થયા. તેના પછી આગ્નીધ્ર ગાદી ઉપર
આવ્યા છે. તે વનમાં તપ કરવા આવ્યા. તેમના તપમાં પૂર્વની વાસના પૂર્વચિત્તિ વિઘ્ન કરવા આવી. ચિત્તમાં રહેલી પૂર્વજન્મની
વાસના એ પૂર્વચિત્તિ છે. પૂર્વની વાસના જલદી છૂટતી નથી. ઈન્દ્રિયોને જે સુખ એક વાર આપ્યું તે સુખ ફરીથી માંગશે. એવી
વાસના જાગે ત્યારે મનને સમજાવજો. આજ સુધી કેટલું ખાધું? તૃપ્તિ થઈ છે? વિષયોમાં જ્યાં સુધી આકર્ષણ છે, ત્યાં સુધી
વિષયેચ્છાનો નાશ થતો નથી. પણ વિષયોનું આકર્ષણ ન રહે તો, વિષયેચ્છાનો નાશ થાય છે. સંસારના વિષયો જયાં સુધી ગમે
ત્યાં સુધી આ જીવ જ્ઞાનભક્તિમાં આગળ વધી શક્તો નથી. પૂર્વચિત્તિ બધાને પજવે છે. પૂર્વચિત્તિ એટલે પૂર્વના સંસ્કારો. નિવૃત્તિ
લઈને બેસે છતાં, પૂર્વની વાસનાનું સ્મરણ થાય એ પૂર્વચિત્તિ, આગ્નીધ્ર રાજા પૂર્વચિત્તિમાં ફસાયા છે.