News Continuous Bureau | Mumbai
Death Penalty In Qatar: કતાર કોર્ટે (Qatar Court) ઇન્ડિયન નેવી (Indian Navy) ના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને મૃત્યુદંડ (Death Penalty) ની સજા સંભળાવી છે. આ આઠ ભારતીયોની ગયા વર્ષે કથિત જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ભારત સરકારે આ નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, ‘કતારની કોર્ટે આજે અલ-દહરા કંપનીના આઠ ભારતીય કર્મચારીઓ સાથે સંબંધિત કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. મૃત્યુદંડના નિર્ણયથી અમે ચોંકી ગયા છીએ. અને નિર્ણયની વિગતવાર નકલની રાહ જોવાઈ રહી છે. પરિવારના દરેક સભ્ય અને કાનૂની ટીમ સંપર્કમાં છે. ભારતીય નાગરિકોની મુક્તિ માટે તમામ કાયદાકીય વિકલ્પો (Legal Option) ની શોધ કરવામાં આવી રહી છે.
વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે કતારની જેલમાં બંધ ભારતીય નાગરિકોને કોન્સ્યુલર એક્સેસ અને કાનૂની સહાય પૂરી પાડવામાં આવતી રહેશે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે તેમની વહેલી મુક્તિ માટે દરેક જરૂરી પ્રયત્નો કરવા જોઈએ. જો કે આ નિર્ણય બાદ ભારતીય વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું કે આ મામલો કતારના સત્તાવાળાઓ સમક્ષ પણ ઉઠાવવામાં આવશે.
આ અંગે વરિષ્ઠ વકીલ આનંદ ગ્રોવરે કહ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદા અને ICCPRની જોગવાઈઓ કહે છે કે કેટલાક કેસ સિવાય સામાન્ય રીતે મૃત્યુદંડની સજા ન આપવી જોઈએ.
આ સમાચાર પણ વાંચો : PM Modi : વડાપ્રધાન મોદી આજે મધ્યપ્રદેશના ચિત્રકૂટની મુલાકાત લેશે..
ભારત આ મામલાને ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં પણ લઈ જઈ શકે છે….
તેમણે કહ્યું કે ભારત(India) પાસે ઘણા રસ્તા છે. સૌપ્રથમ આ નિર્ણયને કતારની ઉચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે. જો યોગ્ય પ્રક્રિયાઓનું પાલન કરવામાં ન આવે અથવા અપીલની સુનાવણી ન થાય તો ભારત આ મામલાને ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં પણ લઈ જઈ શકે છે. આનંદ ગ્રોવરનું કહેવું છે કે મોતની સજા રોકવા માટે ભારત રાજદ્વારી સ્તરે પણ દબાણ લાવી શકે છે. એટલું જ નહીં એનજીઓ અને સિવિલ સોસાયટી પણ આ મુદ્દો વૈશ્વિક સ્તરે ઉઠાવી શકે છે. ભારત પાસે સંયુક્ત રાષ્ટ્રનો સંપર્ક કરવાનો પણ માર્ગ છે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, નેવીના આ આઠ ભૂતપૂર્વ અધિકારીઓને ગયા વર્ષે ઓગસ્ટમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
નેવીના જે પૂર્વ અધિકારીઓને મોતની સજા આપવામાં આવી છે તેમના નામ કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર સુગુનાકર પકાલા, કમાન્ડર સંજીવ ગુપ્તા, કમાન્ડર અમિત નાગપાલ અને રાજેશ. આ તમામ ભૂતપૂર્વ અધિકારીઓએ ભારતીય નૌકાદળમાં 20 વર્ષ સુધી સેવા આપી હતી. નૌકાદળમાં રહીને તેમનો કાર્યકાળ દોષરહિત રહ્યો છે અને તેઓ મહત્વના હોદ્દા પર રહ્યા છે.
ગયા વર્ષે 25 ઓક્ટોબરે મીતુ ભાર્ગવ નામની મહિલાએ ટ્વીટ કર્યું હતું કે ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓ કતારની રાજધાની દોહામાં 57 દિવસથી ગેરકાયદેસર અટકાયતમાં છે. મીતુ ભાર્ગવ કમાન્ડર પૂર્ણેન્દુ તિવારીની બહેન છે.
આ સમાચાર પણ વાંચો : Goa : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવામાં 37માં રાષ્ટ્રીય રમતોત્સવનું ઉદ્ઘાટન કર્યું..
શું છે આ સંપુર્ણ મામલો..
આ અધિકારીઓ પર ઈઝરાયલ માટે જાસૂસી કરવાનો આરોપ છે. કતારની ન્યૂઝ વેબસાઈટ અલ-ઝઝીરાના રિપોર્ટ અનુસાર, આ અધિકારીઓ પર ઈઝરાયલને કતારના સબમરીન પ્રોજેક્ટ સાથે જોડાયેલી માહિતી આપવાનો આરોપ છે. જો કે, કતાર સરકાર દ્વારા આ ભૂતપૂર્વ અધિકારીઓ પર લગાવવામાં આવેલા આરોપો અંગે ભારત સરકાર દ્વારા કોઈ ચોક્કસ માહિતી શેર કરવામાં આવી નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીના જણાવ્યા અનુસાર, આ પૂર્વ અધિકારીઓ વિરુદ્ધ આ વર્ષે 29 માર્ચે સુનાવણી શરૂ થઈ હતી. આ કેસની સાતમી સુનાવણી 3 ઓક્ટોબરે થઈ હતી.
નેવીમાંથી નિવૃત્ત થયેલા આ તમામ અધિકારીઓ દોહા સ્થિત અલ-દહરા કંપનીમાં કામ કરતા હતા. આ કંપની ટેક્નોલોજી અને કન્સલ્ટન્સી સેવાઓ પૂરી પાડતી હતી. તેણે કતારની નૌકાદળને તાલીમ અને સાધનસામગ્રી પણ પૂરી પાડે છે. આ કંપનીને ઓમાનની એરફોર્સમાંથી નિવૃત્ત સ્ક્વોડ્રન લીડર ખમીસ અલ આઝમી ચલાવે છે. ગયા વર્ષે આ ભારતીયોની સાથે તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી. જો કે નવેમ્બરમાં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.
આ કંપની આ વર્ષે 31 મેના રોજ બંધ થઈ ગઈ હતી. આ કંપનીમાં લગભગ 75 ભારતીય નાગરિકો કામ કરતા હતા, જેમાંથી મોટાભાગના ભૂતપૂર્વ નેવી ઓફિસર હતા. કંપની બંધ થયા બાદ આ તમામ ભારતીયોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.