પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે મથુરા ( Mathura ) અને મધુરા એક જ છે. આ મધથી માનવ શરીરને સાચવે, તેનું શરીર મથુરા બને છે. મધ બે જગ્યાએ રાખ્યું છે, કામસુખમાં અને સંપત્તિમાં. આ બે વસ્તુમાં મન ફસાયું છે. આ બે વસ્તુમાંથી મનને હઠાવવાનું છે.
અનેક વાર મનુષ્ય તનથી કામનો ત્યાગ કરે છે, પણ મનથી કરતો નથી. તનથી ત્યાગ કરે, પણ મનથી ત્યાગ ન કરે તો એ દંભ
છે. આ બે વસ્તુમાં માયા છે. આ બે વસ્તુથી મનને સાચવજો.
પ્રભુએ બે વસ્તુઓમાં માયા રાખી છે:-સ્ત્રી અને ધન. આ બેમાં આસક્તિ રૂપી મધ રહેલું છે. આ બેથી બચવાનું છે.
સંપત્તિ છે, શક્તિ છે, ભોગો પ્રાપ્ત થયા છે, છતાં જેનું મન વિષયોમાં ન જાય એ સંયમી છે. બાકી, ધાતુષુ ક્ષીયમાણેષુ
શમ કસ્ય ન જાયતે।
જુવાનીમાં જે મનને અંકુશમાં રાખે તે ડાહ્યો છે. ઘડપણમાં આંખ બગડી હોય, પૂરું દેખાતું ન હોય અને પછી ડોસો
સિનેમા જોવાનું છોડે તેમાં શું ધાડ મારી? યૌવનને ભોગવિલાસમાં ન બગાડો.
એક મહાત્મા ( Mahatma ) કહેતા હતા:-કેટલાક લોકોના પૈસા પથ્થરામાં ગયા. વાણિયાના પૈસા પ્રમાદમાં અને પટેલ લોકોના પૈસા
લગ્નોમાં જાય છે.
ભક્તિ સહેલી નથી. પરસ્ત્રી-પરસંપત્તિની આસક્તિ છૂટયા વગર ભક્તિનો આરંભ થતો નથી. સવારે બેસી સેવા કરો
એટલે ભક્તિ થઈ ગઈ તેમ ન સમજો. ભેદબુદ્ધિ છે ત્યાં સુધી ઇશ્ર્વરની ભક્તિ શી રીતે થશે? ભક્તિમાં ભોગ અતિશય બાધક છે.
મનને ધીરે ધીરે વિવેકથી પ્રભુના માર્ગમાં વાળો.
દ્રવ્યનું બહુ ચિંતન કરવાથી કાંઈ પૈસો મળતો નથી. દ્રવ્યનું ચિંતન અને કામસુખનું ચિંતન છોડશો તો તમારી કાયા
પવિત્ર મથુરા જેવી થશે. આ શરીરને મથુરા બનાવવું હશે તો, તેને યમુનાને કિનારે રાખવું પડશે, યમુના ( Yamuna ) એ ભક્તિનું સ્વરૂપ છે.
યમુના કિનારો તે ભક્તિનો કિનારો છે. ભક્તિનો કિનારો છોડશો નહિ. યમુનાને છોડશો નહિ. ચોવીસ કલાક ભક્તિના કિનારે
રહેશો તો, તમારું શરીર જ મથુરા થઈ જશે.
મનમાં મત્સર હશે, ત્યાં સુધી શરીર મથુરા થશે નહિ. મત્સર વિદ્વાનને અને ધનિકને બંનેને ત્રાસ
આપે છે.
પરમાત્માના રાજ્યમાં અન્યાય નથી. જે થઈ રહ્યું છે તે બરાબર છે. મનુષ્યના રાજ્યમાં પાપ છે. ઈશ્વરના રાજ્યમાં પાપ
નથી.
આજકાલ લોકો શરીરથી પાપ કરે છે, તેના કરતાં મનથી વધારે પાપ કરે છે.
આ શરીરને મથુરા બનાવો. ઉપર કહેલા મધથી મનને જે સાચવે છે, તેનું શરીર મથુરા બને છે. મધથી મનને
સાચવવાનો ઉપાય શો? મથુરા શબ્દને ઊલટાવો તો થશે રાથુમ, વચમાંથી થુ કાઢી નાંખો, એટલે રહેશે રામ. જેના મુખમાં હંમેશા
રામ રહે છે, તેનું શરીર મથુરા બને છે. પરમાત્માનું સતત્ અનુસંધાન હોય, તો રામ રહે અને ન હોય તો, રહે છે અને
યમદૂતો તેના ઉપર થુ થુ કરે છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૦૦
આપણે તીર્થમાં જઈએ છીએ, એ સારી વાત છે. પણ શરીરને તીર્થ જેવું પવિત્ર બનાવો. શરીરને મથુરા બનાવો અને
હ્રદયને ગોકુલ ( Gokul ) બનાવો. ગો શબ્દના ઘણાં અર્થ થાય છે. ગો એટલે ઈન્દ્રિય, ગો એટલે ભક્તિ, ગો એટલે ગાય, ગો એટલે
ઉપનિષદ્. ઇન્દ્રિયોને વિષયો તરફ ન જવા દેતાં, પ્રભુ તરફ વાળો. કારણ તેના માલિક પ્રભુ છે. ભક્તિ આંખથી અને કાનથી પણ
થાય છે. આંખથી ભક્તિ કરો, એટલે આંખમાં પ્રભુને રાખી જગતને જુઓ. એવી રીતે જે જોશે તેને જગત કૃષ્ણરૂપ દેખાશે.
તુલસીદાસજી ( Tulsidas ) અને હનુમાનજીને ( Hanuman ) સીતારામ વગર કાંઇ જ દેખાતું નથી. મનથી ભગવદ્સ્મરણ ચાલુ રાખજો. હ્રદય ગોકુળ બનશે એટલે કનૈયો જલદી આવશે. એક એક ઇન્દ્રિયને ભક્તિરસમાં તરબોળ બનાવો. પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ કરે તેનું હ્રદય ગોકુળ બની જાય છે. ઘણાં કાનથી ભક્તિ કરે છે, પણ આંખથી કરતાં નથી. ઘણાં આંખથી ભક્તિ કરે છે પણ મનથી કરતા નથી. પ્રત્યેક
ઈન્દ્રિયથી શ્રીકૃષ્ણ રસનું પાન કરો. એક એક ઈન્દ્રિયને ભક્તિરસમાં તરબોળ બનાવશો, તો તમારું હ્રદય ગોકુળ બનશે અને તો
પરમાનંદ પ્રગટ થશે. જે ઈન્દ્રિય ભક્તિ ન કરે તે પાપ કરે છે. ગૌપિ: પિબતિ ભક્તિરસ: ઈતિ ગોપી:-પ્રત્યેક ઈન્દ્રિયથી શ્રીકૃષ્ણ ( Shri Krishna ) રસનું પાન કરે છે તે ગોપી.
પ્રત્યેક ઈન્દ્રિયથી ભક્તિ કરે તો જ હ્રદય પીગળે છે અને હ્રદય પીગળે તો બાલકૃષ્ણલાલ ( Bal Krishna Lal ) ત્યાં પ્રગટ થાય છે. કદાચ પ્રત્યક્ષ ભગવાન ન દેખાય પણ આનંદ જરૂર આવશે. આનંદ એ પરમાત્માનું સ્વરૂપ છે. પરમાત્મા ઋષિકેશ છે.
એક એક ઈન્દ્રિયનું લગ્ન શ્રીકૃષ્ણ સાથે કરો. જ્ઞાની ઇન્દ્રિયને રોકી પ્રાણને બ્રહ્મરંધ્રમાં સ્થિર કરે છે. જ્ઞાનીઓ લલાટમાં
બ્રહ્મજ્યોતિનાં દર્શન કરે છે.
વૈષ્ણવો હ્રદયસિંહાસન ઉપર બાલકૃષ્ણને પધરાવે છે. વૈષ્ણવ પરમાત્માના દિવ્ય પ્રકાશને હ્રદયમાં નિહાળે છે.
ઠાકોરજીનાં દર્શન કર્યા પછી આંખ બંધ કરી સ્વરૂપને અંદર જુઓ. શ્રીકૃષ્ણનાં સ્મરણમાં દેહનું કે સંસારનું ભાન ન રહે, તો
નંદમહોત્સવ સફળ છે. પરમાત્મા ઋષિકેશ છે. એક એક ઇન્દ્રિયનું લગ્ન શ્રીકૃષ્ણ સાથે કરો.