News Continuous Bureau | Mumbai
- વિદ્યાર્થીને ‘માણસ’ બનાવવો, સંસ્કારવાન અને સભ્ય બનાવવો એમાં જ શિક્ષણની સાર્થકતા સમાયેલી છે
- શાંતિ પમાડે તે સંત: સંતની સમીપ જતા શાંતિ અને પરમ ઉર્જાનો અનુભવ થાય એ ખરા અર્થમાં સંત છે
- ધર્મ અને શિક્ષણના સમન્વયની સાથે સદ્દકાર્યોની સુવાસ ફેલાવતા સ્વામિનારાયણ ગુરૂકુલ પરંપરાને દેશના અન્ય રાજ્યોમાં વ્યાપક બનાવવા અનુરોધ કરતા પૂર્વ રાષ્ટ્રપતિ
President Ram Nath Kovind: ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે સુરત શહેરના વેડરોડ ખાતે રાજકોટ ગુરૂકુળ સંસ્થા દ્વારા સંચાલિત સ્વામિનારાયણ ગુરૂકુલ અને સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે ભગવાન શ્રી સ્વામિનારાયણની મૂર્તિનું પૂજન-અર્ચન કરીને સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે ઉદ્યોગકાર અને ગુરૂકુલના ભુતપૂર્વ વિદ્યાર્થી રાકેશભાઈ દુધાતે શ્રી રામનાથ કોવિંદજીને આવકારતા જણાવ્યું કે, સંત શાસ્ત્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ સાંસ્કૃતિક વિરાસતના પુનઃસ્થાપન માટે ઈ.સ. ૧૯૪૮માં રાજકોટમાં પ્રથમ ગુરૂકુળની સ્થાપના કરી હતી. આજે સમગ્ર ભારતમાં ૬૦ ગુરૂકુળ સાથે ૪૦ હજાર વિદ્યાર્થીઓ સંસ્કારોની સાથે વિદ્યા ગ્રહણ કરી રહ્યા છે.
President Ram Nath Kovind: પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીને અભ્યાસ કરાવી ડોક્ટર, વકીલ, એન્જીનિયર બનાવવા એ સાચું શિક્ષણ નથી, પરંતુ ‘ઈન્સાન’-માણસ બનાવવો, સંસ્કારવાન અને સભ્ય બનાવવો એમાં જ શિક્ષણની સાર્થકતા સમાયેલી છે. તેમણે સુરત સ્વામિનારાયણ ગુરૂકુલમાં શિક્ષણ અને ધર્મનો સુભગ સમન્વય થયો છે એમ જણાવી શાંતિ પમાડે તેને સંત કહેવાય, સંતની સમીપ જતા શાંતિ અને પરમ ઉર્જાનો અનુભવ થાય એ ખરા અર્થમાં સંત છે. સાચા માર્ગે જીવન જીવતો વ્યવહારિક વ્યક્તિ પણ સંત છે એમ જણાવી સંતત્વ અને શિક્ષણમાં ધર્મ અને કર્મપરાયણતાનું મહત્વ સમજાવ્યું હતું. શ્રી રામનાથ કોવિંદે ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સેવાકાર્યો, ધર્મકાર્યોનો વ્યાપ જોવા મળ્યો છે, પરંતુ આવનારા સમયમાં અન્ય રાજ્યોમાં પણ આ સદ્દકાર્યોની સુવાસ પ્રસરે, ગુરૂકુલ પરંપરા જીવંત રહે ગૌરવપૂર્ણ, ઓજસ્વી એવી ભારતીય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર થાય અને અન્ય રાજ્યોના નાગરિકોને પણ સાચા સદ્દમાર્ગે વળવાની પ્રેરણા મળે એવી અપેક્ષા વ્યકત કરી હતી.
આ સમાચાર પણ વાંચો: Ministry of AYUSH: આયુષ મંત્રાલયે પ્રધાનમંત્રી યોગ પુરસ્કારો 2025 માટે નામાંકનો શરૂ કરવાની કરી જાહેરાત, આ તારીખ સુધી નામાંકન સબમિટ કરી શકાશે
President Ram Nath Kovind: પૂર્વ રાષ્ટ્રપતિશ્રીએ રાજકોટ ગુરૂકુળ સંસ્થા, અને તમામ ગુરૂકુળની સેવાભાવનાને બિરદાવી શુભકામનાઓ પાઠવી હતી વેડરોડ ગુરૂકુળના સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજીએ જણાવ્યું હતું કે, યુવાપેઢીમાં વિદ્યાની સાથે સંસ્કાર ભળે ત્યારે માનવથી મહામાનવ બને છે, આ સદ્દકાર્ય ગુરૂકુળના માધ્યમથી થઈ રહ્યું છે એમ જણાવી સર્વના કલ્યાણની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે રામનાથ કોવિંદના હસ્તે રમત ગમત, યોગ તથા અભ્યાસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનારા ગુરૂકુળના વિદ્યાર્થીઓ, હરિભકતોનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, ઉદ્યોગપતિ શ્રી લાલજીભાઈ પટેલ, ધીરૂભાઈ કોટડીયા, રામનાથ કોવિંદના ધર્મપત્ની સવિતાદેવી તથા પુત્રી સ્વાતિદેવી, સંતવર્ય પૂ.શ્રી પ્રભુસ્વામી, અખંડ સ્વામી તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

