News Continuous Bureau | Mumbai
Viksit Gujarat 2047 :
- 12 ક્ષેત્ર માટેની વિશિષ્ટ ટાસ્ક ફોર્સ સમિતિઓ નીતિઓના આધુનિકીકરણ માટે કાર્ય કરશે
- ગુજરાત સરકારે અત્યાધુનિક ઔદ્યોગિક વ્યવસ્થાનું નિર્માણ કરવા માટે ઉદ્યોગ અને યુનિવર્સિટીઓ સાથે કર્યો સહયોગ
ગાંધીનગર, 22 મે: ભારતના ઔદ્યોગિક વિકાસના એન્જિન તરીકે ગુજરાતની ભૂમિકા વધુ મજબૂત થવા જઈ રહી છે. ગુજરાત સરકારે વિકસિત ભારત @2047ના સંદર્ભમાં તેની ઔદ્યોગિક નીતિની રૂપરેખાની સમીક્ષા અને તેમાં સુધારો કરવા માટે મહત્વની પહેલ હાથ ધરી છે, જે ભારતને 2047 સુધીમાં એક વિકસિત દેશ બનાવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનમાં નોંધપાત્ર યોગદાન આપશે.
આ પહેલનો ઉદ્દેશ એક ડેટા-આધારિત, અત્યાધુનિક પોલિસી ફ્રેમવર્ક (નીતિ માળખું) સ્થાપિત કરવાનો છે, જે રોકાણને અનુકૂળ હોય, નવીનતાને પ્રોત્સાહન આપે અને લાંબા ગાળાના સામાજિક અને આર્થિક વિકાસને વેગ આપે. આ લક્ષ્યને સાકાર કરવા માટે સરકારે 12 વિશિષ્ટ ટાસ્ક ફોર્સ સમિતિઓની રચના કરી છે. આ સમિતિઓ વર્તમાન નીતિઓની સમીક્ષા કરશે, વૈશ્વિક ધોરણો સાથે સરખાવીને તેમાં સુધારો કરવાનો પ્રયત્ન કરશે અને ઊભરતા આર્થિક અને તકનીકી વલણોને સંબોધવા માટે વ્યૂહરચનાઓ તૈયાર કરશે.
Viksit Gujarat 2047 : વિકસિત ગુજરાત @2047ના ધ્યેય માટે નીતિ નિર્માણમાં સહયોગ આપશે આ 12 સમિતિઓ
1. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્ર વિકાસ માટેની સમિતિ
2. ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જમીન સંબંધિત બાબતોના વિકાસની સમિતિ
3. પર્યાવરણીય સંરક્ષણ અને ઔદ્યોગિક પ્રદૂષણ નિયંત્રણ સમિતિ
4. વેપાર, વાણિજ્ય અને સેવા ક્ષેત્રના વિકાસની સમિતિ
5. ઉદ્યોગની જરૂરિયાતોને અનુરૂપ કૌશલ્ય વિકાસ અને રોજગાર સર્જન માટેની સમિતિ
6. રાજ્યમાં પ્રાથમિક ક્ષેત્રો અને મુખ્ય ઉદ્યોગોના વિકાસ માટેની સમિતિ
7. જોખમમાં મુકાયેલા એકમોના પુનરુત્થાન અને પુનઃસ્થાપન માટેની સમિતિ
8. એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્ર માટેની સમિતિ
9. સ્ટાર્ટઅપ સમિતિ
10. સંશોધન અને વિકાસ પર કેન્દ્રિત સમિતિ
11. ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ સમિતિ
12. રાજ્ય સ્તરની ટાસ્ક ફોર્સ સમિતિ
આ સમાચાર પણ વાંચો : Vadodara : ઉતાવળ ભારે પડશે… ટુ વ્હીલર ચાલકે તોડ્યું સિગ્નલ, કારે સાથે થઇ જોરદાર ટક્કર, જુઓ ભયાનક દ્રશ્ય..
ઉલ્લેખનીય છે કે, એક વ્યાપક અને સહભાગી નીતિની રચના કરવા માટે દરેક સમિતિમાં ઉદ્યોગ સંગઠનો, શૈક્ષણિક સંસ્થાઓ, ચેમ્બર ઑફ કૉમર્સ અને સંશોધન સંસ્થાઓના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતે હંમેશા પ્રગતિશીલ ઔદ્યોગિક નીતિઓ પર ભાર મૂક્યો છે. આ નીતિઓ રોકાણ આકર્ષવામાં, રોજગારીનું સર્જન કરવામાં અને માળખાગત સુવિધાઓને મજબૂત બનાવવામાં મદદરૂપ બની છે. રાજ્ય સરકારની તાજેતરની પહેલ આ જ અભિગમ સાથે સંરેખિત છે અને તેનો ઉદ્દેશ ગુજરાતને સ્થાનિક અને વૈશ્વિક રોકાણકારો માટે એક પસંદગીનું સ્થળ બનાવવાનો છે. વિશિષ્ટ ટાસ્ક ફોર્સ સમિતિઓની ભલામણો અદ્યતન ઔદ્યોગિક નીતિઓના નિર્માણમાં માર્ગદર્શનરૂપ બનશે, જે 2047 સુધીમાં ગુજરાતને “વિકસિત ગુજરાતથી વિકસિત ભારત”ના વિઝનને સાકાર કરવાની દિશામાં આગળ ધપાવશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.