પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
ધન્યાસ્તુ મૂઢમતયોડપિ હરિણ્ય એતા યા નન્દનન્દનમુપાત્તવિચિત્રવેષમ્ । આકર્ણ્ય વેણુરણિતં સહકૃષ્ણસારા: પૂજાં દધુર્વિરચિતાં પ્રણયાવલોકૈ: ।। એક ગોપી બોલી, અલી સખી, તું જો તો ખરી, મારો કનૈયો વાંસળી વગાડે છે ત્યારે હરણીઓ પાગલ થઈ દોડતી આવે છે, એવી રીતે તેઓ કનૈયાની ઝાંખી કરે છે કે આંખની પાંપણો હાલતી નથી. ગોપીઓની દ્દષ્ટિ કેટલી સૂક્ષ્મ છે. પાંપણો હાલતી નથી તે ઘરમાંથી જુએ છે. હરિણીઓ એકલી જતી નથી, પણ પોતાના પતિઓને પણ પરમાત્મા સન્મુખ લઈ જાય છે, હરિણીઓ ચતુર છે. તેમના પતિઓ તેને સાથ આપે છે. અલી સખી! મારા મનની એક ખાસ વાત કહું છું. આ હરિણીઓ ના પતિ તેમને અનુકૂળ છે, ત્યારે મારા પતિ મને પ્રભુસેવામાં પ્રતિકૂળ છે, અલી સખી! તને શું કહું? મારા કરતાં વૃન્દાવનની આ હરિણીઓને ધન્ય છે, તેઓ ભાગ્યશાળી છે. હરિણીઓ લાલાની પૂજા કરવા માગે છે. પાસે કાંઈ નથી પણ પોતાની આંખરૂપી કમળથી પૂજા કરે છે. હરિણીઓ ભેટ કેવી રીતે આપી શકે? તો પણ પોતાના આંખરૂપી કમળની ભેટ શ્રીકૃષ્ણને આપે છે. પતિ-પત્ની એક થઈ ઈશ્ર્વર ભજન કરે તો પરમાત્મા જલ્દી પ્રસન્ન થાય છે. સહ કૃષણ સારા:-પતિને પરમાત્મા પાસે લઇ જાય, સત્સંગમાં લઇ જાય તે હરિણી સાચી એટલે કે તે પત્ની સાચી. પતિને પરમાત્માના માર્ગે વાળો, પતિના હાથે સત્કર્મ કરાવે તે જ પત્ની છે. પતિને કેવળ ભોગવિલાસમાં ફસાવે તે પત્ની પતિની શત્રુ છે. એક ધ્વનિ એવો પણ નીકળે છે કે શ્રીકૃષ્ણસેવામાં હરિણીઓના પતિ હરિણીઓને સાથ આપે છે, ત્યારે ઉલટુ અમારા પતિ અમારી શ્રીકૃષ્ણસેવામાં, શ્રીકૃષ્ણકીર્તનમાં કોઇ કોઈ વાર વિઘ્ન કરે છે. હરિણીઓને એના પતિઓ સાથ આપે છે તેથી તે હરિણીઓ ધન્ય છે. વૃન્દાવનની હરિણીઓ મારા કરતાં શ્રેષ્ઠ છે કારણ તેને તેના પતિ ભજનમાં સાથ આપે છે. ત્યારે મારા પતિ મને કોઇ વખત ભજનમાં સાથ આપતા નથી. એક બોલી:-અરે સખી, શું કહું? બંસીનાદ સાંભળી ગાયો ઘાસ ખાવાનું છોડી દે છે. ગૌમાતાઓ એ નાદ સાંભળી પોતાના કાનરૂપી પડિયાદ્વારા તે બંસીના મધુર નાદનું પાન કરે છે. કાન ઊભા કરી અમૃત પીતી હોય તેવી એ ગૌમાતાઓ દેખાય છે. ભગવાનની પ્રેમમયી બંસીનો નાદ સાંભળી ગાયો, આનંદમાં તરબોળ થઇ આંખમાંથી પ્રેમાશ્રુ પાડી મોઢામાં ઘાસનો કોળિયો લીધો હોય તે ચાવવાનું ભૂલી જાય છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૬૧
વાછરડાં ધાવવાનું છોડી દે છે. કનૈયો વાંસળી વગાડે છે, ત્યારે પશુઓ, પક્ષીઓ એક ધ્યાનથી શાંતિથી વાંસળી સાંભળે છે. આ વૃંદાવનમાં વૃક્ષો, પક્ષીઓ દિવ્ય છે. પ્રાયો બતામ્બ વિહગા મુનયો વનેડસ્મિન્ કૃષ્ણેક્ષિતં તદુદિતં કલવેણુગીતમ્ । આરુહ્ય યે દ્રુમભુજાન્ રુચિરપ્રવાલાન્ શ્રૃણ્વન્ત્યમીલિતદૃશો વિગતાન્યવાચ: ।। અલી સખી! મારો કનૈયો જ્યારે વાંસળી વગાડે, ત્યારે વૃંન્દાવનના પક્ષીઓ કાંઈ અવાજ કરતા નથી. મોટા મોટા ઋષિઓ, પક્ષીઓ થઇ વૃંદાવનમાં આવ્યા છે, લીલાનીકુંજમાં તેઓ રાધેકૃષ્ણ, રાધેકૃષ્ણ બોલતા ફરે છે. ઘણા પક્ષીઓ તરસ લાગે તો પણ જ્યારે કોઇ રાધેકૃષ્ણ બોલે ત્યારે જ પાણી પીવા જાય છે. તેમને થાય છે પાણી પીવા જાઉં, રાધેકૃષ્ણ ઉચ્ચાર થાય. ગંગાને કિનારે મૌન રાખવાની તેમને ટેવ પડી તેથી મૌન રાખીને તેઓ લાલાની વાંસળી સાંભળે છે. અરે સખી કેટલાંક પક્ષીઓ, તો એવા છે કે ઝાડ ઉપરથી નીચે ઉતરતાં નથી. જમુનાજીનું જળપાન કરવા પણ જતાં નથી જળપાન કરવા જઇએ, તેટલો સમય શ્રીકૃષ્ણનો વિરહ થશે. હે સખી! આ વૃંદાવનમાં ઝાડ ઉપર બેઠેલાં પક્ષીઓ તે પક્ષીઓ નથી પણ પૂર્વના કોઇ મુનિઓ છે. માટે ભગવાનની બંસીના નાદ શ્રવણ કરી ચૂપચાપ મૌન સેવી આત્માને આનંદ આપે છે. ધન્ય છે એ પક્ષીઓને. તે વખતે યશોદા મા ત્યાં આવે છે, તે કહે છે, રોજ કહું છું કનૈયા, જોડા પહેરીને વનમાં જા. છતાં તે જોડા પહેરતો નથી, ત્યારે એક ગોપી બોલી, મા, તમે ચિંતા કરશો નહિ. કનૈયાને એક મિત્ર એવો છે જે કનૈયાને માથે છત્રી રાખી ચાલે છે. દૃષ્ટ્ વાડડતપે વ્રજપશૂન્ સહ રામગોપૈ: સગ્ચારયન્તમનુ વેણુમુદીરયન્તમ્ । પ્રેમપ્રવૃદ્ધ ઉદિત: કુસુમાવલીભિ: સખ્યુર્વ્યધાત્ સ્વવપુષામ્બુદ આતપત્રમ્ ।। ભા.સ્કં.૧0.અ.૨૧.શ્ર્લો.૧૬. અરે સખી એવો એનો કોણ મિત્ર છે? ગોપીઓ કહે આ મેઘરાજા શ્રીકૃષ્ણનો ખાસ મિત્ર છે. તેની સેવા કરે છે. કનૈયો જયાં જાય ત્યાં તે છાયા કરે છે. કનૈયાની લીલા જુદી છે. કનૈયાને તાપ લાગે તો ઝરમર ઝરમર વરસાદ આવે છે. પણ ધરતી ઉપર ચાલવાનું એટલે તેને કષ્ટ થતું હશે ને? ના, ના, ગિરિરાજ મહારાજ માખણ જેવા કોમળ થાય છે. કનૈયાના ચરણસ્પર્શથી ગિરિરાજ કોમળ બને છે. હરિદાસોમાં ગરિરાજ શ્રેષ્ઠ છે. ગાયોને ખડ આપે છે. ગિરિરાજ કનૈયાની તો સેવા કરે પણ ગાયોની, વૈષ્ણવોની પણ સેવા કરે છે તેથી શ્રીકૃષ્ણ બહુ પ્રિય લાગે છે. ઠાકોરજીની સેવા કરે એ વૈષ્ણવ છે. પણ જે ગાયોની સેવા કરે, ગરીબોની સેવા કરે, વૈષ્ણવોની સેવા કરે, એ મહાવૈષ્ણવ છે.