News Continuous Bureau | Mumbai
Ganeshotsav BMC Rule : મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી મંગલપ્રભાત લોઢાએ સી વોર્ડના જનતા દરબાર વખતે આપેલી ખાતરી પ્રમાણે ગણેશ મંડળોને ખાડા ખોદવા માટે લાગનારી ફીમાં ઘટાડો કરવા માટે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પાસે રજૂઆત કરી હતી જેના પગલે હવે મહાપાલિકાને સુચના આપવામા આવી છે અને ખાડા ખોદવાની ફી અગાઉની જેમ માત્ર ૨૦૦૦ રૂપિયા જ રાખવામા આવશે.
મુંબઈમાં જાહેર ગણેશોત્સવ મંડળો પર મંડપ બનાવવા માટે ખાડો ખોદવા બદલ અગાઉ રૂ. ૧૫૦૦૦ નો ચાર્જ નક્કી કરાયો હતો જેના ઉપર ફેરવિચારણા કરવાની મંડળોની માગણી હતી. આ માંગણી અંગે કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢા દ્વારા કરવામાં આવેલી સફળ રજૂઆત બાદ આજે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મ્યુનિસિપલ કમિશનર ભૂષણ ગગરાણીને આ સંદર્ભમાં સ્પષ્ટ સૂચનાઓ આપી છે. જેના પગલે હવે પહેલાની જેમ માત્ર રૂ.૨૦૦૦ ફી વસૂલવામાં આવશે, જેનો હજારો ગણેશ મંડળોને તેનો સીધો લાભ મળશે.
આ સમાચાર પણ વાંચો : Ganesh idols:5 ફૂટથી નાની ગણેશ મૂર્તિઓનું કૃત્રિમ તળાવમાં વિસર્જન ફરજિયાત
૩૦ જુલાઈના રોજ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના સી ડિવિઝન કાર્યાલયમાં આયોજિત ‘રાજા છત્રપતિ સમસ્યા નિવારણ શિબિર’માં વિવિધ જાહેર ગણેશ મંડળોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. મંડળોની ફરિયાદો સાંભળ્યા પછી, મંત્રી લોઢાએ દંડના મુદ્દાના તાત્કાલિક ઉકેલની ખાતરી આપી હતી. “ગણેશોત્સવ મહારાષ્ટ્રની સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે અને દરેક વ્યક્તિ તેને આનંદથી ઉજવવા માટે તૈયાર છે. અમે ટૂંક સમયમાં કમિશનરને મળીશું અને આનો ઉકેલ શોધીશું,” કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ શિબિરમાં ખાતરી આપી હતી. મહાયુતિ સરકારે આજે આ ખાતરી પૂરી કરી, જેનો લાભ મુંબઈના હજારો જાહેર ગણેશ મંડળોને મળશે.