પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
દર્શન કરતાં સ્ત્રીત્વ અને પુરુષત્વનું ભાન ભૂલે એ ગોપી. સ્ત્રીત્વ અને પુરુષત્વનું ભાન જ્યાં સુધી છે, ત્યાં સુધી કામ મનમાંથી જતો નથી. આ ગોપીઓ કોણ હતી? ઋષિમુનિઓ બ્રહ્મચિંતન કરતા થાકી ગયા, પણ મનમાંથી કામ ન ગયો તેથી તે કામ ઇશ્વરને અર્પણ કરવા બધા ઋષિઓ વ્રજમાં ગોપીઓ થઈને આવેલા. ગોપીઓમાં કેટલીક સાધનસિદ્ધા ગોપીઓ હતી, કેટલીક ઋષિરૂપા ગોપીઓ હતી, કેટલીક શ્રુતિરૂપા ગોપીઓ હતી, કેટલીક સ્વયંસિદ્ધા ગોપીઓ હતી, ત્યારે કેટલીક અન્યપૂર્વા ગોપીઓ અને કેટલીક અનન્ય પૂર્વા ગોપીઓ હતી. અનન્યપૂર્વા ગોપીઓ-સંસારનો ભોગ ભોગવ્યા વિના, જેને વૈરાગ્ય થયો હોય તે. કેવળ વૃક્ષનાં પાંદડાં ખાનાર ઋષિઓને કામ ત્રાસ આપે તો લૂલીના લાડ લડાવનારાઓનું શું થતું હશે? ઋષિઓ તપશ્ચર્યા કરી, યોગ સાધના કરી કંટાળી ગયેલા, તેથી પોતાનો કામ, શ્રીકૃષ્ણને અર્પણ કરવા ગોપીઓ થઇને આવેલા. ઇશ્વરને અર્પણ કરેલો કામ નિષ્કામ બને છે. પરાશર મુનિ સૂર્ય ને ઢાંકી શકયા પણ કામને ન દબાવી શકયા. મનુષ્યનો મોટામાં મોટો શત્રુ કામ છે. તેમાંથી બીજા દુર્ગુણો ઉત્પન્ન થાય છે:- કામાત્ ક્રોધોડભીજાયતે । ક્રોધાત્ ભવતિ સંમોહ: । ગી.અ.૨.શ્લો.૬૨,૬૩. અને છેવટે તેનું પરિણામ બુદ્ધિનાશમાં આવે છે. ઇશ્વરને જો કામ અર્પણ થાય તો તે તેમાં મળી જાય. ઇશ્વરમાં મળી ગયેલા કામનું બીજ રહેતું નથી, એટલે ફરીથી તે અંકુરિત થઈ શકતો નથી. સંસારનાં સર્વ સંસારિક સુખોનો મનથી ત્યાગ કરી, ઇશ્વરને માટે વ્યાકુળતાથી ગોપીઓની જેમ જે નીકળી પડે છે તે ધન્ય છે. તેથી તો ભગવાન ગોપીઓનું સ્વાગત કરે છે અને કહે છે, મહાભાગ્યશાળી સ્ત્રીઓ આવો. સ્વાગતં વો મહાભાગા: । ભાગવતકાર ગોપીઓને મહાભાગ્યશાળી એમ સંબોધન કરે છે. નારદજી, ભક્તિસૂત્રમાં ગોપીઓનું દ્રષ્ટાંત આપે છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૭૪
યથા વ્રજગોપિકાનામ આ બતાવે છે કે ગોપીઓ કોઈ સામાન્ય સ્ત્રીઓ નથી. તેઓ મહાન ભગવતભકતો છે. ભગવાને એકે એક ગોપીને કહ્યું:- ગોપીઓ તમે મહાભાગ્યશાળી છો. ભગવાને ગોપીઓને બહુ મોટું સંબોધન કર્યું છે. ગોપીઓને મહાભાગા: સંબોધન કર્યું છે. મોટરમાં ફરે કે વિમાનમાં ફરે, તે ભાગ્યશાળી નથી. બંગલામાં રહેનારો પણ ભાગ્યશાળી શાનો? જેને માથે કાળ છે, મૃત્યુ છે, એ ભાગ્યશાળી શાના? જેને કાળની બીક લાગતી નથી એ ભાગ્યશાળી છે. સંસારના સર્વ વિષયો છોડી, પ્રભુ પ્રેમ માટે દોડે એ જ ભાગ્યશાળી. પરમાત્માના પ્રેમમાં પાગલ થઈ પરમાત્માને મળવા દોડે છે, એ ભાગ્યશાળી છે. મહાભાગ્યશાળી કોણ? જે મનુષ્ય ઈશ્વરને મળવા માટે અતિ વ્યાકુળ થયો હોય તે અને તેથી જ આ બંસીનાદ, અધિકારી જીવોને (અધિકારી ગોપીઓને) જ સંભળાયો. બીજાને નહિ. બંસીનો વેણુનાદ સર્વને સંભળાયો હતો. આ સંસારના વિષયો ભોગવ્યા છતાં કોઈ દિવસ તૃપ્તિ થતી નથી. હવે નિશ્ચય કરો, મારે એક ઇશ્વરને જ મળવું છે. સંસારસુખ એ મહાદુ:ખ છે એની જેને ખાત્રી થઇ છે, એ સુખને જેણે છોડયું છે, તેને ભગવાન અપનાવે છે. પ્રભુ પ્રેમમાં જે પાગલ બને તે ભાગ્યશાળી છે. પરમાત્મા આવા જીવનું સ્વાગત કરે છે. શ્રીકૃષ્ણ ગોપીઓને પૂછે છે, કેમ દોડતાં આવ્યાં છો? વ્રજ ઉપર કાંઇ આફત તો આવી નથી ને? બતાવો, તમને પ્રસન્ન કરવા માટે હું કયું કામ કરું? વ્રજમાં સર્વ કુશળ છે ને? રાતનો સમય છે. રાતના સમયે ઘોર જંગલમાં સ્ત્રીઓએ ન રહેવું જોઇએ. તમે વૃંદાવનની શોભા જોવા આવ્યાં છો? આ રળિયામણી રાત્રી છે, તમે શું રાત્રીની શોભા જોવા આવ્યા છો? તમે વૃન્દાવનની શોભા નિહાળો. આ શોભા જોઈને તમે ઘરે જાવ. તમારા પતિ-પુત્રો તમારી રાહ જોતા હશે. તમે વ્રજમાં પાછી જાઓ. તમારા પતિઓની સેવા કરો. તમારા સંતાનોનું પાલન પોષણ કરો. અંતર્મુખ દ્દષ્ટિ કરી જીવ ભગવાનનું ધ્યાન કરે છે, ત્યારે ભગવાન કહે છે તું મારી પાસે શું કામ આવે છે? તું સંસારમાં જ રત રહે. તે તને સુખ આપશે. મારી પાસે સુખ નથી, હું સુખ આપતો નથી. હું તો આનંદ આપું છું. તમારા પતિ-બાંધવો તમારી રાહ જોતા હશે. તમારા પતિ સુખ આપશે. તમે પાછાં જાવ. એક અર્થ નીકળે છે કે તમે ઘરે જાવ. બીજો અર્થ નીકળે છે કે જે જીવ મારા સ્વરૂપમાં મળી જાય તે પછી ઘરે જઈ શકતો નથી. પરમાત્માને મળવા માટે જીવ જાય છે ત્યારે તેને એક્દમ પરમાત્મા મળતા નથી. તેને એવો ભાસ થાય છે કે પરમાત્મા તેને કહે છે તું સંસારસુખ છોડીને આવ્યો શા માટે? જા, સંસારમાં જ સુખ છે.