પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
શુકદેવજીનાં કેવળ દર્શન માત્રથી અપ્સરાઓના કામનો નાશ થયો હતો. અપ્સરામાં શુકદેવજીને સ્ત્રીત્વ દેખાયું નહિ. તેમાં બ્રહ્મનાં દર્શન થયાં, બ્રહ્મજ્ઞાની સુલભ છે. પણ બ્રહ્મદ્દષ્ટિ રાખનાર મહાત્મા સુલભ નથી. જેની દ્દષ્ટિથી કામનો નાશ થતો હતો, તે મહાપુરુષ આ કથા કરવા બેઠા છે. જેની લંગોટી પણ છૂટી ગઈ છે, તેવા મહાયોગી આ કથા કરે છે. ગોપીઓ ભગવતરૂપ બની છે. રાધાકૃષ્ણ એક જ છે. રાધા કૃષ્ણથી અભિન્ન છે. જેમ સૂર્ય અને સૂર્યની પ્રભા એક જ છે, તેમ રાધા કૃષ્ણથી ભિન્ન થાય નહિ. આ તો આપણા માટે લીલા કરી છે. અંતર્ધાન થતી વખતે શ્રીકૃષ્ણે રાધાજીને સાથમાં લીધાં, આગળ ચાલતાં રાધાજીએ કૃષ્ણને કહ્યું કે, હું થાકી ગઈ છું. મારાથી આગળ ચલાય તેમ નથી. તમને મારી ગરજ હોય તો મને તમારા ખભા ઉપર બેસાડી લઈ જાવ. કૃષ્ણે જવાબ આપ્યો તમે મારા ખભા ઉપર ચઢો. રાધાજી ખભા ઉપર ચઢયાં ત્યાં, શ્રીકૃષ્ણ અંતર્ધ્યાન થયા. રાધાજી ઝાડની ડાળી ઉપર લટકી ગયાં, ભાગવતમાં તો લખ્યું છે કે રાધાજીને અભિમાન થયું છે. પણ રાધાજીને અભિમાન કયાંથી થાય? આ તો લીલા છે. જીવને અભિમાન થાય છે. અભિમાન આવે એટલે જીવ તેવી રીતે લટકે છે. મનુષ્યનો શત્રુ અભિમાન છે. અભિમાનમાંથી બીજા દુર્ગુણો આવે છે. અભિમાનને લીધે જીવ દુ:ખી થાય છે. દૈન્ય આવવું કઠણ છે. મનુષ્ય જયારે અભિમાનમાં રહે છે ત્યારે, જો કર્કશ શબ્દ બોલે તો તેની અસર મન ઉપર થાય છે. ઈશ્વરનાં ચરણમાં સતત રહો કે જેથી આવા વિકાર થાય નહિ. રાધાજીને શ્રીકૃષ્ણે બહુ માન આપેલું, પોતાની સાથે લઈ ગયેલા, પરંતુ જેને બહુ માન મળે, તેને અભિમાન થાય છે. જીવને બહુ માન કે બહુ ધન મળ્યા પછી, ઘણીવાર તેને અભિમાન થાય છે. માન, ધન, મળે ત્યારે નમ્ર બનજો. શ્રીકૃષ્ણના અંતર્ધાન થવાથી રાધાજી રડયાં. પસ્તાવા લાગ્યાં.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૮૪
હે નાથ! પ્યારે, મને દર્શન આપો. પ્યારે દર્શન દિજયો આય, તુમ બીન રહ્યો ન જાય, જળ બિન કમળ, ચંદ્ર બિન રજની, ઐસે તુમ દેખ્યા બિન સજની. આકુળ વ્યાકુળ ફિરું રૈન દિન, બિરહ કલેજો ખાય, દિવસ ન ભૂખ, નીંદ નહીં રૈના, મુખસું કહત ન આવે બૈના, કયા કહું કુછ કહત ન આવે, મિલકર તપન બુઝાય, કયું તરસાવો અંતરયામી, આઇ મિલો કિરપાકર સ્વામી, મીરાં દાસી જનમ જનમકી, પડી તુમ્હારે પાય. રાધાજી ગાતાં અને રોતાં બેભાન બન્યાં શ્રીકૃષ્ણને શોધતી શોધતી ગોપીઓ રાધાજી પાસે આવી. રાધાજીને જગાડયાં. બધી સખીઓ ભગવાન જ્યાંથી અદ્દશ્ય થયા હતા, ત્યાં આવી. જ્ઞાનમાર્ગમાં ધ્યાન પ્રધાન છે, ભક્તિમાર્ગમાં ભગવાનના ગુણગાન પ્રધાન છે. ભગવાનનું ભજન પ્રધાન છે. ભગવત ગુણગાન કરો. સ્વદોષનું વર્ણન કરો અને ભગવદ્ગુણના વખાણ કરો એટલે ભગવાનને તમારી દયા આવશે. માધવ ગાનપ્રિય છે. એક વખત વૈષ્ણોવોએ જોયું કે જગન્નાથજીને રોજ નવાં નવાં વસ્ત્રો પહેરાવીએ છીએ ને ફાટી જાય છે. ભક્તોએ તેનું કારણ ઠાકોરજીને પૂછયું. જગન્નાથજી કહે, એક કન્યા ગીતગોવિંદનો પાઠ કરતી નિત્ય ફરે છે. તે સાંભળવા વનમાં તેની પાછળ પાછળ ભમવાથી કાંટાના ઝાંખરામાં મારાં વસ્ત્રો ભરાતાં, તે ફાટી જાય છે. ભગવાને ભાગવતમાં કહ્યું છે, હું મારા નિષ્કામ ભક્તોની પાછળ પાછળ ફરું છું, કે જેથી મારા ભક્તોની રજ ઊડતી ઊડતી મારા ઉપર પડે. વિરહમાં વ્યાકુળ થયેલી ગોપીઓ, શ્રીકૃષ્ણની ભાવના કરતી શ્રીકૃષ્ણનાં જ ગુણગાન ગાવા લાગી. આ ગાન, તે ગોપીગીત. ગોપીઓએ વિચાર્યું, જમુનાને કિનારે જઇ શ્રીકૃષ્ણની સ્તુતિ કરીશું, તો ભગવાન પ્રગટ થશે. ગોપીગીતનો ઘણા વૈષ્ણવો પાઠ કરે છે, પણ ગોપી થઈને ગોપીગીતનો પાઠ કરવો જોઈએ. જે જીવ ઈશ્વરમિલન માટે અતિ વ્યાકુળ બને છે.તેને જગતમાં કયાંય ચેન પડતું નથી. અતિ આર્ત સ્વરે ભગવાનને પોકારો. ભગવાનની સ્તુતિ કરો, તો ભગવાન મળે છે. અતિ આર્દ્ર બનીને ગોપીગીતનો પાઠ કરવો જોઇએ. ત્રણ વાર હંમેશા સ્તુતિ કરવી, ગોવિંદ દામોદર સ્તોત્રમાં કહ્યું છે તેમ, સુખાવસાને, દુ:ખાવસાને અને દેહાવસાને સ્તુતિ કરો. સુખમાં ભગવાનની સ્તુતિ કરો અને દુ:ખમાં ભગવાનની સ્તુતિ કરો. દુઃખના પ્રસંગમાં વિચારો કે મારાં પાપ તો પહાડ જેવાં છે. મારાં પાપના પ્રમાણમાં ભગવાને ઓછી સજા કરી છે. ગોપીગીતમાં ઈન્દિરા છંદ છે. ઇન્દિરા એટલે લક્ષ્મી. ગોપીઓ લક્ષ્મી છે, એટલે ઇન્દિરા છંદ ગોપીગીતમાં છે.