63
fiber for weight loss આજની ઝડપી જીવનશૈલીમાં આપણે ક્યારેક જાણીજોઈને તો ક્યારેક અજાણી રીતે સ્વાસ્થ્યને અવગણીએ છીએ. ખાસ કરીને, પ્રોસેસ્ડ અને રિફાઈન્ડ ખોરાકનું સેવન વધવાથી મેદસ્વિતા અને અનેક બીમારીઓનો ભય તોળાઈ રહ્યો છે. પરંતુ, નાની-નાની બાબતોનું ધ્યાન રાખીને અથવા તો આપણા આહારમાં અમુક ખાવાની વસ્તુ ઉમેરીને અને અમુક દૂર કરીને પણ મેદસ્વિતાને હરાવી શકાય છે. અને આવો જ એક અજાણ્યો અને અનમોલ ઘટક છે ફાઈબર, જે મેદસ્વિતાને દૂર કરવામાં અને પાચનતંત્રને સુધારવામાં ખૂબ મદદરૂપ થાય છે.
ફાઈબર શું છે અને એક દિવસમાં કેટલું ફાઈબર જોઈએ?
ફાઈબર એ કાર્બોહાઈડ્રેટ્સનો એક ભાગ છે. કાર્બોહાઈડ્રેટ્સ મુખ્યત્વે સ્ટાર્ચ, સુગર અને ફાઈબરમાં વહેંચાયેલા હોય છે. સ્ટાર્ચ અને સુગરમાં કેલરીનું પ્રમાણ વધારે હોય છે અને પોષક તત્વો ઓછા હોય છે, જ્યારે ફાઈબર એક એવી અનોખી વસ્તુ છે જે શરીરમાં પાચન કે વિઘટિત થતી નથી. તે આપણા પાચનતંત્રમાં ધીમે ધીમે આગળ વધે છે અને સમગ્ર ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ ટ્રેકને સાફ કરવામાં મદદ કરે છે. ભલે તે પોતે પાચન ન થાય, પરંતુ તે પાચનતંત્રને સુધારીને ઘણી સમસ્યાઓનું નિવારણ લાવી શકે છે.
પુખ્ત વ્યક્તિ માટે દૈનિક ફાઈબરની જરૂરિયાત આ પ્રમાણે છે. મહિલાઓ માટે દરરોજ આશરે 25 ગ્રામ અને પુરુષો માટે દરરોજ આશરે 38 ગ્રામ ફાઈબર જરૂરી છે.
કેમ જરૂરી છે ફાઈબર?
ફાઈબરના અદભુત ગુણધર્મો તેને આપણા આહારનો અનિવાર્ય ભાગ બનાવે છે:
* શૂન્ય કેલરી અને ભરપૂર પોષણ: ફાઈબરમાં શૂન્ય કેલરી હોય છે અને તે પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ ગુણધર્મ તેને શરીરમાંથી વધારાનું વજન, મેદસ્વિતા અને વધારાની ચરબીને દૂર કરવામાં મદદરૂપ બનાવે છે.
•પેટ ભરેલું રાખે છે: ફાઈબર પેટમાં વધુ જગ્યા રોકે છે, જેના કારણે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાનો અહેસાસ થાય છે. આનાથી બિનજરૂરી ક્રેવિંગ્સ (ખોરાકની તીવ્ર ઈચ્છા) ટાળી શકાય છે, જેમ કે સફરજન ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.
આ સમાચાર પણ વાંચો :Bandra Terminus: બાંદ્રા ટર્મિનસ પર રેકેટનો પર્દાફાશ: મહિલા પોલીસ અધિકારી સહિત ત્રણ ઝડપાયા
•ભૂખ પર નિયંત્રણ: ફાઈબરવાળી વસ્તુઓ પેટથી લઈને કોષ સુધી ધીમે ધીમે પહોંચે છે. આનાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી, જે વજન ઘટાડવા માટે અત્યંત ઉપયોગી છે.
•બ્લડ સુગરનું નિયંત્રણ: ફાઈબર બ્લડ સુગરના સ્તરને ઘટાડવામાં અને તેને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
•પાચનતંત્રની સફાઈ: ફાઈબરને પેટ અને નાના આંતરડાના “દાંત” કહી શકાય. જ્યારે તમે ઝડપથી અને ચાવ્યા વગર ખાઓ છો, ત્યારે પેટને પાચન માટે વધુ કામ કરવું પડે છે. ફાઈબર શરીરમાં ઝાડુનું કામ કરે છે અને પાચનતંત્રમાંથી કચરો સાફ કરીને તેને સ્વચ્છ રાખે છે.
ક્યાંથી મળશે ફાઈબર?
કુદરતી રીતે ઉપલબ્ધ દરેક ખાદ્ય પદાર્થમાં ફાઈબર હોય છે. પરંતુ, આપણે આધુનિક જીવનશૈલીમાં સુવિધા માટે કુદરતી ખોરાકને પ્રોસેસ કરીને તેમાંથી ફાઈબર કાઢી નાખ્યું છે. આ રિફાઈન્ડ ખોરાક જ આજે અનેક બીમારીઓ અને મેદસ્વિતાનું મુખ્ય કારણ છે.
ફાઈબર મુખ્યત્વે બે પ્રકારના હોય છે:
૧. સોલ્યુબલ ફાઈબર (પાણીમાં દ્રાવ્ય): આ ફાઈબર પાણીમાં ઓગળી જાય છે અને કોલેસ્ટ્રોલ તેમજ બ્લડ સુગરને સંતુલિત રાખીને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. વટાણા, રાજમા, દેશી ચણા, કાબુલી ચણા, જવ, મોટાભાગના ફળો અને શાકભાજી, ચિયા સીડ્સ વગેરે સોલ્યુબલ ફાઈબરના પ્રાપ્તિ સ્થાનો છે.
૨. ઈનસોલ્યુબલ ફાઈબર (પાણીમાં અદ્રાવ્ય): આ ફાઈબર પાણીમાં ઓગળતા નથી, પરંતુ તે પાણી સાથે ભળીને જેલી જેવો પદાર્થ બનાવે છે, જે પાચનતંત્રમાં ખોરાકને સરળતાથી આગળ વધારવામાં મદદ કરે છે. મકાઈ, ડ્રાયફ્રુટ્સ, કઠોળ, સીડ્સ (બીજ) અને અળસીના બીજ વગેરે આ પ્રકારના ફાઈબરના પ્રાપ્તિ સ્થાનો છે.
આમ, તમારા દૈનિક આહારમાં પૂરતા પ્રમાણમાં ફાઈબરયુક્ત ખોરાકનો સમાવેશ કરીને તમે માત્ર મેદસ્વિતાને જ નહીં, પરંતુ અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચી શકો છો. કુદરતી અને અપ્રક્રિયાકૃત ખોરાકને અપનાવીને સ્વસ્થ અને સુખી જીવન જીવીએ.
Join Our WhatsApp Community