પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
ગોપીઓ અક્રૂરજીને પૂછે છે:- હે અક્રૂર! તું અમારા કનૈયાને લેવા આવ્યો છે? પણ શ્યામસુંદરના દર્શન વિના અમે જીવી શકીશું નહિ. અક્રૂર તું કનૈયાને ન લઈ જા, એક સખી વ્યાકુળ બનીને બોલી, આનું નામ કોણે અક્રૂર પાડયું છે? હે અક્રૂર! કઈ ફોઈએ તારું નામ અક્રૂર પાડ્યું? તારી ફોઇએ તારું નામ અક્રૂર શા માટે પાડ્યું? અક્રૂર, તું તો ક્રૂર છે. તું અમારાં કનૈયાને લેવા આવ્યો છે. તું અમને રડાવવા આવ્યો છે. અક્રૂર, તારા ઘરનું હલકામાં હલકું કામ કરવા તૈયાર છીએ, પણ શ્રીકૃષ્ણ વિરહમાં અમને મારીશ નહિ. કૃષ્ણવિયોગ સમાન બીજું કોઈ દુ:ખ નથી. કૃષ્ણવિરહ અમારાથી સહન થશે નહિ. અક્રૂર, કનૈયા વિના ગોકુળ સ્મશાન જેવું થશે. તારે લઈ જવા હોય તો બળરામને લઈ જા, પણ કનૈયાને ન લઈ જતો. મથુરાની સ્ત્રીઓ લાલાની એવી સેવા કરશે કે કનૈયો ત્યાંથી પાછો આવશે નહિ. મથુરાની સ્ત્રીઓ બહુ ભણેલી છે, બોલવામાં બહુ ચતુર છે. અમે તો અભણ છીએ, અમે કાંઇ જાણતાં નથી. હાય! આજે અમારું ભાગ્ય પ્રતિકૂળ થયું છે. ગોપીઓ વિલાપ કરે છે. આજે વહાલાને વસમી વિદાય આપવાની છે. હે વિધાતા! તારામાં દયાનો છાંટો નથી. તું પ્રાણીઓને પરસ્પર સ્નેહ કરાવે છે. તરત વિયોગ કરાવે છે. અમારા કનૈયા વગર અમે જીવીશું શી રીતે? અક્રૂરને સૂઝતું નથી, આ ગોપીઓને હું કેવી રીતે સમજાવું. શ્રીકૃષ્ણ ગોપીઓને કહે છે:-તમારી સાથે રમતો હતો, તમને રાજી કરવા વાંસળી વગાડતો હતો, હવે હું જાઉં છું, ત્યાં પ્રભુએ જોયું કે શ્રીરાધા મૂર્છામાં છે. રાધાજીના કાનમાં કહ્યું કે પૃથ્વી ઉપર દૈત્યોનો ભાર બહુ વધી ગયો છે. પૃથ્વીનો ભાર ઉતારવા હું જાઉં છું, પ્રેમથી તમારી સાથે લીલા કરતો હતો. આજ સુધી હું તમારી સાથે નાચતો હતો. હવે જગતને નચાવવા જાઉં છું. કનૈયો તો ગોપીઓની પાસે જ નાચે છે, બીજા પાસે નહિ.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૦૨
કનૈયો સખીને સમજાવે છે કે હું જાઉં છું. પણ મારા પ્રાણ તમારી પાસે રાખીને જાઉં છું. મારા પ્રાણ તમારા હ્રદયમાં મૂકીને જાઉં છું, મારા પ્રાણનું રક્ષણ કરવા માટે તમે તમારા પ્રાણને સાચવજો, રાધાજીને માથે હાથ પધરાવી, પ્રભુ કહે છે, રાધે, આજ સુધી હું તમારી પાસે હતો, હવે જરા દૂર જાઉં છું. પણ શ્રી રાધે, હું તારાથી ભીન્ન નથી. આપણે એક જ છીએ. લીલા માટે બે શરીર ધારણ કર્યા છે. મારા પ્રાણ કરતાં આ વાંસળી મને વધારે વહાલી છે. તે વાંસળી હું તમને આપું છું. રાધે, જ્યારે જ્યારે વાંસળી વગાડશો, ત્યારે ત્યારે હું દોડતો આવીશ. એક ગોપી બોલી:-કનૈયા! તારા વિરહમાં અમને મારીશ નહિ. કનૈયા, અમને ભૂલતો નહિ. મનને ધોવાને બહારનું પાણી કામ આવતું નથી. આંખમાંથી નીકળેલાં પ્રેમના આંસુઓથી જ મન ધોવાય છે, સાફ થાય છે. ગોપીઓ રુદન કરે છે. કનૈયો ગોપીઓને સાંત્વન આપે છે, મારા મંગલમય પ્રયાણમાં તમે રડીને અપશુકન ન કરશો. હું પાછો આવીશ, હું આવીશ. ગોપીઓ ધીરજ ધરે છે. રામકૃષ્ણ નંદજી સાથે રથમાં બિરાજે છે. રથ ચાલવા લાગે છે. ગોપીઓ રથની પાછળ પાછળ ચાલવા લાગી. કનૈયાએ કહેલું એટલે આંસુઓને દબાવ્યાં છે. જયારે ખાત્રી થઈ કે હવે જાય છે, ત્યારે રડી પડયાં છે. હવે ક્યારે આવશે? હવે કયારે દર્શન આપશે? અંતે ધીરજના બંધન તૂટી ગયાં. તેઓ વિરહની સંભાવનાથી પોકારી પોકારીને રુદન કરવા લાગી. વિસૃજય લજ્જાં રુરુદુ: સ્મ સુસ્વરં ગોવિન્દ દામોદર માધવેતિ ।। ભા.સ્કં.૧0.અ.૩૯.શ્ર્લો.૩૧. ગોપીઓ કેવી-શ્રીકૃષ્ણમાં જ લાગેલા મનવાળી કૃષ્ણ વિષકત માનસા: । હે ગોવિન્દ! હે માધવ! આ ગોકુળને ઉજજડ ન કરો, સખીઓ મનાવે છે, નાથ! ગોકુળને અનાથ ન કરો, નાથ! અમને ભૂલશો નહિ. એક ગોપી ભગવાનને મનાવે છે, નાથ, મારો નિયમ એવો છે કે જયાં સુધી હું તમારાં દર્શન કરતી નથી, ત્યાં સુધી હું પાણી પણ પીતી નથી. નાથ, મારે ત્યાં બે મિનિટ પણ આવજો. દ્દશ્ય એવું કરુણ હતું કે અક્રૂર રડવા લાગ્યા. અક્રુરને આશ્ર્ચર્ય થયું કે આ લોકોનો પ્રેમ કેવો છે, ગાયો પણ રડવા લાગી છે. રથ તરફ જોઈને ગાયો હંભાં હંભાં કરે છે. કોઈ ગોપી મૂર્છામાં પડે છે. કોઇ ગોપી રથ પકડવા દોડે છે. શ્રીકૃષ્ણે અક્રૂરને કહ્યું. આ ગોપીઓનો પ્રેમ એવો છે કે તેઓ મને નહિ જવા દે, અક્રૂરજી તમે રથ જલદી ચલાવો.