News Continuous Bureau | Mumbai
વર્સોવા-દહિસર કોસ્ટલ રોડના નિર્માણના કામમાં ગોરેગાંવમાં આવેલો વીર સાવરકર ફ્લાયઓવર અવરોધરૂપ બની રહ્યો છે, જેના કારણે મુંબઈ મહાનગરપાલિકા (BMC) આ પુલને તોડી પાડવાનું આયોજન કરી રહી છે. જોકે, આ પુલ તોડી પાડવાના નિર્ણયનો સ્થાનિકો અને લોકપ્રતિનિધિઓ દ્વારા જોરદાર વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધને ધ્યાનમાં રાખીને, BMC અન્ય વિકલ્પો પર વિચાર કરી રહી છે.
ફ્લાયઓવર તોડ્યા વગર કામ અશક્ય
ગોરેગાંવના આ ફ્લાયઓવરને MTNL ફ્લાયઓવર તરીકે પણ ઓળખવામાં આવે છે. રેડિસન હોટેલથી લઈને રુસ્તમજી ઓઝોન વિસ્તાર સુધી ફેલાયેલા આ પુલનું ઉદ્ઘાટન 2018માં કરવામાં આવ્યું હતું. BMC દ્વારા આ પુલને તોડ્યા વગર કોસ્ટલ રોડનું કામ થઈ શકે કે નહીં, તે માટે કેટલાક વિકલ્પોની ચકાસણી કરવામાં આવી હતી. પરંતુ BMCના ધ્યાનમાં આવ્યું કે પુલને તોડ્યા વગર કોસ્ટલ રોડનું કામ આગળ વધવું અશક્ય છે.
વાહનવ્યવહારની સમસ્યા વધવાની ભીતિ
આ પુલને તોડીને કોસ્ટલ રોડ પ્રોજેક્ટ હેઠળ અહીં બે માળનો પુલ બનાવવાનું આયોજન છે. જેમાં ઉપરનો ભાગ માઇન્ડસ્પેસથી દિન્ડોશી કોર્ટ સુધી પહોંચશે અને નીચેનો ભાગ વીર સાવરકર ફ્લાયઓવરની જગ્યા લેશે. હાલમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર અંધેરી, જોગેશ્વરી અને ગોરેગાંવના પટ્ટામાં ભારે ટ્રાફિક જામ થાય છે. આમ છતાં, વીર સાવરકર પુલને કારણે થોડી રાહત મળે છે. આ પુલ તોડી પાડવામાં આવશે તો ટ્રાફિક જામની સમસ્યામાં વધારો થશે તેવી ભીતિ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Nana Patekar: શું નાના પાટેકર લઇ રહ્યા છે સિનેજગત માંથી નિવૃત્તિ? દિગ્ગ્જ અભિનેતા એ ‘નામ ફાઉન્ડેશન’ ના કાર્યક્રમમાં આપ્યો આવો સંકેત
સ્થાનિકોનો જોરદાર વિરોધ
ગોરેગાંવ વિધાનસભાના ધારાસભ્ય વિદ્યા ઠાકુર (Vidya Thakur) એ મુંબઈ મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ ફ્લાયઓવરને તોડી પાડવામાં આવતા સ્થાનિકોમાં ભારે ગુસ્સો છે. તેમણે માગણી કરી કે “કોસ્ટલ રોડનો પેકેજ બી તબક્કો વીર સાવરકર ફ્લાયઓવર સાથે જોડવામાં આવે, જેથી ટ્રાફિકની સમસ્યા ન થાય અને પુલને તોડવાનો પ્રસ્તાવ રદ કરવામાં આવે.” આ ઉપરાંત, તેમણે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનરને રૂબરૂ મળીને પણ આ પુલ તોડવાનો વિરોધ દર્શાવ્યો હતો.