પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
સર્વ પ્રકારનું સુખ હતું પણ શ્રીકૃષ્ણ વ્રજવાસીના પ્રેમને ભૂલ્યા નથી. અલૌકિક ઐશ્ર્વર્યમાં અતિશય સંપત્તિમાં પણ ભગવાન ગોપીઓના પ્રેમને ભૂલ્યા નથી. રોજ સાંજે મથુરાના રાજમહેલની અગાસીમાં બેસી ગોકુળની ઝાંખી કરે છે. મારી મા આંગણામાં બેસી મારી પ્રતીક્ષા કરતી હશે. મથુરાના માર્ગ પર મીટ માંડી નિહાળે છે. મા રડતી હશે. મા વિચારતી હશે કે મને લાલાએ કહ્યું હતું કે આવીશ. મા ભોળી છે. મારી વહાલી ગાયોનું શું થયું હશે? ગાયો મથુરા તરફ મુખ રાખી હંભાં હંભાં કરતી હશે. મારા નંદબાબા મને યાદ કરતા હશે. આ પ્રમાણે સર્વનું સ્મરણ કરે ત્યાં હ્રદય ભરાય. એક એકનું સ્મરણ કરતાં આંખોમાંથી આંસુ વહે છે. મથુરામાં ઐશ્ર્વર્ય તો છે પણ પ્રેમ નથી. ઇશ્વરને અપેક્ષા છે જીવ મારી સાથે પ્રેમ કરે, પૈસા સાથે નહીં. શ્રીકૃષ્ણ વ્રજવાસીઓને હંમેશા યાદ કરે છે. અનેક વાર વ્રજવાસીઓનું સ્મરણ કરતાં આંખમાંથી આંસુ નીકળે છે. પ્રેમીના વિરહમાં રડવાથી પણ સુખ થાય છે. વહાલી ગાયો, ગોપીઓ અને નંદયશોદાનું સ્મરણ કરે, ત્યારે આંખમાંથી આંસુઓ પડે છે. સાયંકાળ થાય ત્યારે અગાસીમાં બિરાજે, રોજનો આ નિયમ હતો. એક દિવસ શ્રીકૃષ્ણ મથુરામાં મહેલની અગાસીમાં બિરાજેલા હતા. શ્રીકૃષ્ણ ગોપીઓનું સ્મરણ કરે છે. જીવ ઈશ્વરનું સ્મરણ કરે તો તે સામાન્ય ભક્તિ. પણ જે જીવનું સ્મરણ પરમાત્મા કરે તે ભક્ત સાચો, તેની ભક્તિ સાચી, તે ભક્ત શ્રેષ્ઠ. ભગવાન સાથે આવો પ્રેમ કરો કે ભગવાન તમને યાદ કરે. ગોપીઓના પ્રેમમાં જ ભગવાન વિહવળ હતા, રોજ સાયંકાળે અગાસીમાં બેસીને વ્રજને નિહાળે. મારી ગાયો ઘેર આવતી હશે. મારી મા આંગણામાં બેસી મારી રાહ જોતી હશે. મારી મા રડતી હશે, ત્યારે એને કોણ સાંત્વન આપશે? મારી મા મને ખવડાવ્યા વગર ખાતી ન હતી. નંદબાબા, ગોપીઓ સર્વના પ્રેમનું સ્મરણ કરતાં શ્રીકૃષ્ણનું હ્રદય ભરાય, પરમાત્મા પણ તેમને મળવા આતુર થાય, પ્રેમીના વિરહમાં સ્મરણમાં તન્મયતા થતાં રડવામાં પણ આનંદ આવે છે. ઉદ્ધવને થયું, એકાંતમાં બેસે છે ત્યારે રડે છે. ઉદ્ધવે વિચાર કર્યો. સુવર્ણના રાજમહેલમાં અનેક સેવકો શ્રીકૃષ્ણની સેવામાં હાજર છે. શ્રીકૃષ્ણ માટે રોજ છપ્પન ભોગની સામગ્રી થાય છે. કેટકેટલું ઐશ્વર્ય છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૩
અમે બુદ્ધિ પ્રમાણે ખૂબ સેવા કરીએ છીએ, છતાં શ્રીકૃષ્ણ ઉદાસ કેમ લાગે છે? અમે સેવા બરાબર કરીએ છીએ, પણ અમારી સેવાથી ઠાકોરજીને સુખ થતું નથી. અમે સેવા કરીએ છીએ, તેમ માનીએ છીએ. પણ તેઓ આનંદમાં બિરાજતા નથી. સેવક સુખ ભોગવવાની ઈચ્છા કરે તો તે બરાબર સેવા કરી શકતો નથી. સેવા તે કરી શકે કે જે આત્મસુખનો ભોગ આપે છે. મારા સુખને માટે હું મારા ઠાકોરજીને જરાપણ પરિશ્રમ નહિ આપું. મારા ઉપર દુઃખ આવે તો માનીશ કે એ મારા પાપનું ફળ છે. તે મારે ભોગવવાનું છે. હું ભગવાનને પ્રાર્થના નહિ કરું કે મારું દુઃખ દૂર કર. મારા દુઃખ માટે મારા ઠાકોરજીને પરિશ્રમ નહીં આપું. ઉદ્ધવજીને થયું, હવે મારે સંકોચ છોડીને પૂછવું પડશે. ઠાકોરજી કંઇક ચિંતામાં છે. મારી સેવાથી પ્રસન્ન નથી. સાયંકાળે શ્રીકૃષ્ણ વ્રજવાસીઓના પ્રેમમાં તરબોળ હતા. તેવામાં ત્યાં અગાસીમાં ઉદ્ધવ આવ્યા છે. ઉદ્ધવ આવ્યા એટલે તે પ્રેમના આવેગને દબાવ્યો. ભગવાને પ્રેમનો ઊભરો દબાવ્યો. કારણ પ્રેમ ગુપ્ત રહેવા ઇચ્છે છે. તેમ છતાં અનેકવાર તે બહાર નીકળી આવે છે. ઉદ્ધવ આવ્યા ત્યારે, ગોપીઓના પ્રેમમાં તરબોળ થયા હતા. ઉદ્ધવ આવતાં પ્રેમાવેશને દબાવી ઉદ્ધવનું સ્વાગત કર્યું. ઉદ્ધવ વંદન કરીને બેઠા છે. ઉદ્ધવે શ્રીકૃષ્ણને કહ્યું:-નાથ!, તમને એક વાત પૂછવાની મારી ખાસ ઈચ્છા છે. ભગવાને કહ્યું:-ઉદ્ધવ! તમે મારા અંતરંગના સખા છો, જે પૂછવું હોય તે પૂછો, સંકોચ ન રાખો, જે પૂછશો તે કહીશ. ઉદ્ધવ પૂછે:-હું બુદ્ધિ પ્રમાણે યથામતી આપની સેવા કરુ છું. પરંતુ મારી સેવાથી આપને આનંદ નથી. આપ ઉદાસ લાગો છો. આપ ભોજન કરો છો તે સમયે આપને અકળામણ થતી, હું જોઉ છુ. ગઈ કાલે આપ ભોજન કરવા બેઠા હતાં, ત્યારે ભોજન કરતાં કરતાં આપનું હ્રદય ભરાયું હતું. તે વખતે આપ કોઇને યાદ કરતાં હતાં. ગઈ કાલે રાત્રે આપ સૂતેલા હતા. હું આપના ચરણની સેવા કરતો હતો. ચરણની સેવા કરતાં મને એવું લાગ્યું કે આપ સ્વપ્નમાં કોઈને રોજ યાદ કરો છો. સ્વપ્નમાં આપ રાધે રાધે બોલતા હતા. આ રાધા કોણ છે? તમે કોને રોજ યાદ કરો છો? તમારા હ્રદયસિંહાસન ઉપર આસન જમાવનાર આ રાધા કોણ છે? સાયંકાળે રોજ તમે અગાસીમાં બેસો છો ત્યારે દુ:ખી લાગો છો તમારી ઉદાસીનતા મારાથી જોવાતી નથી.