પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
અંતઃપુરમાં એક સુદેવ નામના બ્રાહ્મણ આવતા હતા. રુક્મિણીએ તેમને કહ્યું:- મહારાજ! મારું એક કામ કરશો, બ્રાહ્મણે કહ્યું, તારી ઈચ્છા હોય તે કરીશ. રુક્મિણીએ કહ્યું, મારી ઇચ્છા શ્રીકૃષ્ણ સાથે લગ્ન કરવાની છે. સાત શ્લોકનો મેં પત્ર લખ્યો છે. તે પત્ર દ્વારકા લઈ જાવ. શ્રીકૃષ્ણને તે પત્ર આપી, પરમાત્માને મારી ભલામણ કરજો. એકનાથ મહારાજનું રુક્મિણી સ્વયંવર ઉપર ભાષ્ય છે. તેઓ કહે છે, આ શુદ્ધ જીવ અને ઇશ્વરનું લગ્ન છે. ભાગવતના છેલ્લા દિવસે આ લગ્નની કથા આવે છે. જેને તક્ષક નાગનો દંશ થવાનો છે, તેને લૌકિક લગ્નની વાતો સંભળાવવાની હોય નહીં. મરણ સમીપ હોય તેને લગ્નની વાર્તા ગમે? યોગીઓમાં શ્રેષ્ઠ એવા પરમહંસ શિરોમણી શુકદેવજી આ લગ્નની કથા કરવા બેઠા છે. ભાષા લગ્નની છે, પણ તાત્પર્ય એ છે કે જીવને ઇશ્વર સાથે લગ્ન કરવાનું છે. શ્રીકૃષ્ણ કહેશે કે મને સંસારનું સુખ ભોગવવા ઈચ્છા નથી. મને કોઈ પણ વસ્તુની અપેક્ષા નથી. હું નિષ્કામ છું. મારે ભોગ ભોગવવા ઈચ્છા નથી. રુક્મિણી પણ કહે છે, મારે કોઇ પણ સુખ, કોઈ પણ ભોગ ભોગવવાની ઈચ્છા નથી. રુક્મિણીનો પત્ર જોઈએ તો તેમાં લખ્યું છે. "હું નિષ્કામ છું, મારા મનમાં બિલકુલ વિકાર વાસના નથી". સામાન્ય કન્યા આવું બોલી શકે નહિ. રુક્મિણી નિષ્કામ છે. શ્રીકૃષ્ણ નિર્વિકાર છે. નિષ્કામ અને નિર્વિકારનું આ મિલન છે. એટલે આ શ્રીકૃષ્ણના લગ્ન પ્રસંગની ભાષા લૌકિક છે, પરંતુ તેની પાછળ સિદ્ધાંત અલૌકિક છે. અલૌકિક સિદ્ધાંત સમજાવવા અલૌકિક ભાષા મળતી નથી. એટલે લૌકિક ભાષાનો આશરો લેવો પડે છે. ભાષા લગ્નની છે. પણ આમાં દિવ્ય તત્ત્વ ભર્યું છે. રુક્મિણીના લગ્નમાંથી અનેક અલૌકિક અર્થ નીકળે છે. સાધારણ લગ્નની વાત નથી. આ જીવના લગ્ન ઈશ્ર્વર સાથે થાય તે બતાવવાનો આ લગ્નનો હેતુ છે. તમે તમારો ઘરનો અર્થ કરો છો, કે ભાગવતમાં આનું વર્ણન કર્યું છે. ભાગવતના શ્લોકોનો વિચાર કરતાં, આ અર્થ નીકળે છે. લગ્ન પહેલાં રુક્મિણી શું કહે છે તે જોયું. લગ્ન પછી ભગવાન રુક્મિણીને કહે છે:-મને કોઈ સ્ત્રીની જરુર નથી. મને વંશવૃદ્ધિની પણ ઈચ્છા નથી. લગ્ન કર્યા પછી કોઈ પુરુષ આવું કહે? પ્રભુને પરણવાની ઈચ્છા કરે, તેને સગાંવહાલાં ત્રાસ આપે છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૨૯
રુક્મી પણ રુક્મિણીના લગ્નમાં વિઘ્ન કરે છે. પરંતુ આ વિઘ્નો સદગુરુનો આશ્રય લે તો દૂર થાય છે. રુક્મિણી પણ સુદેવ બ્રાહ્મણનો આશરો લે છે. જેને પ્રભુને મળવું હોય તેણે જીવન સાદું રાખવું જોઇએ. રુકમણી પાર્વતીનું પૂજન કરવા ગયાં, ત્યારે કોઈ વાહનમાં બેઠાં નથી. ચાલતાં જ મંદિરે ગયાં છે. રાજાની દીકરી છે, પણ જીવન સાદું રાખ્યું છે. માટે આ જીવ અને ઈશ્વરનું લગ્ન છે. શુકદેવજીને થયું, પરીક્ષિત આ લગ્નની કથા સાંભળે અને તેનું લગ્ન શ્રીકૃષ્ણ સાથે થાય પછી ભલે તેને તક્ષક નાગ કરડે. પરીક્ષિતની તન્મયતા, આ લૌકિક વાત દ્વારા સિદ્ધ કરવી છે. જો લૌકિક સુખને માટે રુક્મિણીની ઈચ્છા હોત તો ઘણા મોટા રાજાઓ ત્યાં આવેલા હતા, તે પૈકી કોઈ રાજા સાથે તે લગ્ન કરત. પણ રુક્મિણીએ બહુ વિવેકથી બુદ્ધિપૂર્વક લગ્ન પ્રભુ સાથે કર્યું. જીવ ઈશ્વર સાથે પરણે, ત્યારે કૃતાર્થ થાય. રૂક્મિણી વિવાહ, એ જીવ-ઇશ્વરનું મિલન છે, લગ્ન છે. તે લગ્ન ત્યારે થાય કે જયારે સુદેવ બ્રાહ્મણ મળી જાય. કોઈ બ્રાહ્મણની-સંતની કૃપા વિના આ મિલન શક્ય નથી. રુક્મિણી ભગવાનની આદ્યશક્તિ છે. પણ કોઈ સંત દ્વારા પ્રભુને મળવું છે. સંત ઇશ્વર સાથે બ્રહ્મસંબંધ કરી આપે. કોઈ બ્રાહ્મણ વકીલાત ન કરે, કોઈ સંત મધ્યસ્થી ન બને, ત્યાં સુધી જીવ અને શિવનું મિલન થતું નથી. રુક્મિણીએ સુદેવ બ્રાહ્મણને એક પત્ર આપ્યો. કહ્યું કે આ પત્ર શ્રીકૃષ્ણને આપજો. રુક્મિણીએ સુદેવ મારફત શ્રીકૃષ્ણ ઉપર પત્ર મોકલ્યો છે. સુદેવ બ્રાહ્મણ પત્ર લઈ દ્વારકા આવ્યા છે. સુદેવને આવતો જોઈ, દ્વારકાનાથ ઊભા થયા. ભોજન પછી કુશળ સમાચાર પૂછ્યા છે. પછી ભગવાને કહ્યું:-આપે દર્શન આપી અનુગ્રહ કર્યો છે. તમારી શું સેવા કરું? સુદેવે કહ્યું, રુક્મિણીએ મને એક પત્ર આપ્યો છે. કન્યા તમારે લાયક છે. સૌન્દર્ય કરતાં તેનામાં સદ્ગુણો વિશેષ છે. કન્યા સુશીલ છે. ચતુર છે. આ કન્યા સાથે લગ્ન કરશો, તો સુખી થશો. હું ખાસ આ પત્રને લઇને આવ્યો છું. રુક્મિણીનો પત્ર શ્રીકૃષ્ણ વાંચે છે. અક્ષર ઉપરથી, મનુષ્યની બુદ્ધિની પરીક્ષા થાય છે. પત્રમાં બહુ વિસ્તાર કરવો નહિ. બહુ સંક્ષેપ પણ ન કરવો, પત્રમાં શબ્દ થોડાં પણ ભાવાર્થ પુષ્કળ ભર્યો હોય તે પત્ર. રુક્મિણીએ સુંદર પત્ર લખ્યો છે. પત્રમાં સાત શ્લોકો લખ્યા છે. રુક્મિણીએ પત્રમાં સાત જ શ્લોકો કેમ લખ્યા? તમારો અને એનો સપ્તપદીનો સંબંધ જલદી સિદ્ધ થાય, એ સૂચવવા માટે રુક્મિણીએ ફક્ત સાત શ્લોકો જ લખ્યા હતા. પત્ર કેમ લખવો તે પણ ભાગવતમાં બતાવ્યું છે. વરકન્યા ફેરા ફરે છે, તેને સપ્તપદી કહે છે. છ શ્લોકોમાં શ્રીકૃષ્ણના છ સદ્ગુણોનું વર્ણન કર્યું છે. ઐશ્વર્ય, વીર્ય , યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય અને સાતમાં શ્લોકમાં છે શરણાગતિ. જીવ અતિ દીન બની ભગવાનને શરણે જાય, તો પ્રભુ ઉપેક્ષા કરે નહીં. જીવનો ધર્મ છે શરણાગતિ. તે બતાવ્યું.