News Continuous Bureau | Mumbai
Divyang metro fare concession મુંબઈ: એક તરફ મહારાષ્ટ્રમાં પ્રથમ દિવ્યાંગ કલ્યાણ મંત્રાલયની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે બીજી તરફ બેસ્ટ (BEST), રેલવે અને અન્ય જાહેર પરિવહનના સાધનોમાં દિવ્યાંગોને મળતી રાહતમાંથી મુંબઈ મેટ્રોને બાકાત રાખવામાં આવતાં દિવ્યાંગોમાં રાજ્ય સરકાર પ્રત્યે તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે.
સમગ્ર દિવ્યાંગ સમાજની આ નારાજગીની તાત્કાલિક નોંધ લઈને, વરિષ્ઠ રાજકીય પત્રકાર અને ‘આરોગ્યદૂત’ તરીકે જાણીતા દીપક કૈતકેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને લેખિતમાં આવેદનપત્ર આપીને મુંબઈ મેટ્રોમાં કામકાજ માટે પ્રવાસ કરતા દિવ્યાંગોને ટિકિટમાં ખાસ રાહત આપવાની વિનંતી કરી છે.
દીપક કૈતકેએ મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસ નું ધ્યાન દોર્યું કે દિવ્યાંગોને દરરોજના પ્રવાસમાં પહેલેથી જ આર્થિક અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
હાલમાં મુંબઈમાં દિવ્યાંગ પ્રવાસીઓ માટે બેસ્ટ (BEST) અને અન્ય મનપાના સાર્વજનિક વાહનો તેમજ રાજ્ય પરિવહન નિગમની (ST) બસોમાં મફત પ્રવાસની સુવિધા લાગુ છે. રેલવે દ્વારા પણ રાહત આપવામાં આવે છે, જેમાં લોકલ અને લાંબા અંતરની ટ્રેનોમાં 80% અપંગતા ધરાવતા વ્યક્તિઓને 75% અને તેમના મદદનીશને 50% ટિકિટમાં રાહત મળે છે. જોકે, મેટ્રો સેવાઓમાં વિસંગતતા જોવા મળે છે. અગાઉ શરૂ થયેલી મેટ્રો લાઇન 7 અને 2A પર તત્કાલીન મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા 25% રાહત જાહેર કરવામાં આવી હતી, પરંતુ નવી શરૂ થયેલી મુંબઈ મેટ્રો 3 પર હજી સુધી આવી કોઈ રાહત યોજના લાગુ કરવામાં આવી નથી.
આ વિસંગતતાના કારણે એક જ શહેરમાં દિવ્યાંગ પ્રવાસીઓ પર અન્યાયી રીતે પરિવહનનો વધારાનો બોજ અને માનસિક ત્રાસ પડી રહ્યો હોવાનું દીપક કૈતકે એ ભારપૂર્વક જણાવ્યું હતું.
દીપક કૈતકેએ તેમના આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો કે પૂર્વ કેન્દ્ર સરકારે ઘણા વર્ષો પહેલા RPWD કાયદો 2016 તેમજ સંયુક્ત રાષ્ટ્રના UNCRPD કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર મુજબ, દિવ્યાંગ નાગરિકોને જાહેર પરિવહનમાં રાહત આપવી એ સરકારની જવાબદારી છે.
જોકે, મુંબઈ મેટ્રો પ્રશાસન અને રાજ્ય સરકાર તરફથી હજી સુધી કોઈ સ્પષ્ટ નીતિ બનાવવામાં આવી નથી. પરિણામે, પ્રવાસ દિવ્યાંગ પ્રવાસીઓ માટે આર્થિક દૃષ્ટિકોણથી એક મોટો બોજ બની રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Kumbh Mela 2027 Nashik: કુંભમેળો 2027-28: કામોમાં બેદરકારી બદલ પગલાં લેવાશે, મુખ્ય સચિવની કડક સૂચના
દીપક કૈતકેએ મુખ્યમંત્રી ફડણવીસને તાત્કાલિક આ રાહતો માટે સ્પષ્ટ નીતિ અને કાર્યપદ્ધતિ જાહેર કરવા અને મુંબઈની તમામ મેટ્રો લાઇનો પર રાહત લાગુ કરવા માટે મેટ્રો પ્રશાસનને નિર્દેશો આપવાની માંગણી કરી છે.
દરમિયાન, મુખ્યમંત્રી કાર્યાલયે આ ફરિયાદની તાત્કાલિક નોંધ લીધી છે અને સંબંધિત વિભાગોને જરૂરી પગલાં લેવા માટે સૂચના આપવાની પ્રક્રિયા શરૂ થઈ હોવાનું જાણવા મળે છે. દીપક કૈતકેએ ભારપૂર્વક જણાવ્યું છે કે દિવ્યાંગ પ્રવાસીઓ માટે પરિવહન સુલભ બનાવવું એ માત્ર સુવિધા જ નહીં, પરંતુ તેમનો મૂળભૂત અધિકાર છે.