પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
નારદજી તે પછી જુદા જુદા મહેલમાં ગયા. કોઇ મહેલમાં શ્રીકૃષ્ણ બાળકોને રમાડે છે. કોઈ મહેલમાં ભોજન કરે છે. કોઇ મહેલમાં જપ કરે છે. તો કોઇ મહેલમાં આરામ કરવા સૂતા છે. એક મહેલમાં ગયા તે શ્રીકૃષ્ણ કથા સાંભળે છે. ઘરમાં જેમ બુહારી કરવાની જરૂર છે તેમ રોજ સત્સંગ કવાની જરૂર છે.બુહારી કરવાથી ઘર શુદ્ધ થાય છે, તેમ સત્સંગ કરવાથી મન શુદ્ધ થાય છે. નારદજી જ્યાં જાય ત્યાં ભગવાન છે. ભગવાને ગૃહસ્થાશ્રમનો આદર્શ બતાવ્યો. ચાલતાં ચાલતાં નારદજી થાકી ગયા. નારદજીએ વિચાર કર્યો, હવે કોઈ મહેલમાં જાઉં અને જળપાનનો યોગ થાય તો સારું. નારદજીએ એક બીજા મહેલમાં પ્રવેશ કર્યો, ભગવાન પૂછે છે કે કેમ નારદજી કયારે આવ્યા? નારદજી ચાર કલાકથી અથડાતા હતા. છતાં કહ્યું અત્યારે જ આવ્યો. આ તો મહાયોગેશ્વરની માયા હતી. અલ્યા, નારદ તું આવે એટલે હું તારી પૂજા કરુ છું. એ તો જગતને ગૃહસ્થધર્મનો આદર્શ બતાવું છું. તારી પૂજા કરું છું, એટલે તું કાંઇ મારાં કરતાં વધારે નથી. તારો અને મારો ખાનગી સંબંધ છે. તું બ્રહ્માનો છોકરો છે. બ્રહ્મા મારો પુત્ર છે. એટલે હું તારો દાદો થયો. નારદજી માફી માંગે છે. ભગવાનને કહ્યું, મારો વૈભવ જોઈને તારે રાજી થવું જેઈતું હતું, તેને બદલે તું કલહ જગાડવા અવ્યો. નારદજી વિદાય થયા છે. ભગવાને ગૃહસ્થનો આદર્શ બતાવ્યો કે તમારે ઘરે બ્રાહ્મણ આવે તો તેનું સન્માન કરજો. આ અધ્યાયમાંથી બીજો બોધ એ નીકળે છે કે બ્રહ્મચારીઓએ ગૃહસ્થીના સંસારમાં માથું ન મારવું. બ્રહ્મચારી ગૃહસ્થના ઘરનો વિચાર કરે તો બ્રહ્મચર્યનો ભંગ થવા સંભવ છે. તનથી બ્રહ્મચર્યનું પાલન કરવું કઠણ નથી પણ આંખથી અને મનથી પાલન કરવું કઠણ છે. તે પછી અધ્યાય ૭૦ માં ભગવાનની દિનચર્યાની કથા કહી છે. ભગવાન રોજ ચાર વાગ્યે ઊઠતા. સવારે બ્રહ્મમૂહુર્તમાં વહેલા ઊઠો. પથારીની મજા એ મોટી સજા છે. તે ભૂલતા નહિ. સ્વયં ભગવાન હતા તે છતાં શ્રીકૃષ્ણ મળસ્કે ચાર વાગ્યે ઊઠે છે. ભગવાન ધ્યાન કરે છે અને તે પછી સ્નાન કરે છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૩૭
તે પછી ભગવાન સંધ્યા કરે છે. ભગવાન ત્રિકાળ સંધ્યા કરતા, ગાયત્રી જપ કરતા, બ્રહ્મણોને દાન કરતા અને તે પછી વ્યાવહારિક કાર્યો પણ કાળજીથી કરતા. દ્વારકામાં આજે પણ ઠાકોરજી દિવસમાં બે વાર સંઘ્યા કરે છે. શ્રીકૃષ્ણ રોજ સંધ્યોપાસન કરે છે. માતાપિતાને વંદન કરે છે. રોજ નિયમથી ગરીબોને અન્નનું દાન કરે છે. બ્રાહ્મણોને ગાયોનું દાન કરે છે. રોજ દાન કરવું એ ગૃહસ્થનો ધર્મ છે. રોજ ગાયોની સેવા કરે છે. આ પ્રમાણેની ભગવાનની દિનચર્યા જીવનમાં ઉતારો. એક વખત નારદજી આવ્યા અને ભગવાનને કહ્યું કે જરાસંધે અનેક રાજાઓને કેદમાં રાખ્યા છે, તેને મુકત કરો. બીજી તરફ઼ યુધિષ્ઠિર તરફથી રાજસૂય યજ્ઞમાં આવવાનું આમંત્રણ આપ્યું છે. ભગવાન વિચારે છે, આમાંથી કયું કામ પહેલું કરવું? નારદજીએ કહ્યું, પહેલા રાજસૂય યજ્ઞમાં પધારો. રાજસૂય યજ્ઞમાં ભીમે દુર્યોધનનું અપમાન કરેલું, કે અંધસ્ય પુત્ર અંધ. તે કર્કશવાણીમાંથી કલહની-મહાભારતની શરૂઆત થઇ. માટે કર્કશવાણી કદાપિ ન બોલો. પાંડોવોનો વનવાસ ગુજરાતમાં ગયો હતો. સંખેડા પાસે જયાં પાંચેશ્વર મહાદેવ છે ત્યાં વિરાટ નગરી છે ત્યાં હાલનું ધોળકા. જુદી જુદી દિશાઓમાંથી જુદા જુદા યોદ્ધાઓને દિગ્વિજય કરવા માટે મોકલવામાં આવે છે. તે બહાને અનેક રાજાઓનો વિનાશ કર્યો. એક જરાસંધ બાકી છે. જરાસંધને કેવી રીતે જીતવો? જરાસંધ મહાન શિવભક્ત છે. ભગવાને જણાવ્યું કે કપટ કર્યા વગર જરાસંધને જીતાય તેમ નથી. ભગવાને કહ્યું, હું, અર્જુન અને ભીમસેન બ્રાહ્મણનો વેશ ધારણ કરી ત્યાં જઇએ અને દાનમાં ભીમસેને તેની સાથે દ્વંદ્વ યુદ્ધની માંગણી કરવી એ રીતે નકકી થયું. શ્રીકૃષ્ણ, ભીમ તથા અર્જુન જરાસંધ પાસે આવે છે. જરાસંધના બારણે આજે શ્રીકૃષ્ણ, ભીમ, અર્જુન, બ્રાહ્મણ બનીને આવે છે. એકલો ખાય તે મરે છે. કોઇને જમાડયા વગર જરાસંધ જમતો નહિ. જરાસંધે દાન માગવા કહ્યું, દ્વંદ્વ યુધ્ધની માગણી કરવામાં આવી. જરાસંધ અને ભીમ વચ્ચે દ્વદ્વયુદ્ધ થાય છે. જરાસંધ મરતો નથી, ભીમે ફરીયાદ કરી:- સત્તાવીશ દિવસથી તમે મોજ કરો છો અને મારો, રોજ માર ખાઇ ખાઈને દમ નીકળે છે. શ્રીકૃષ્ણ કહે-તું મારી સામે જોયા વગર લડે છે એટલે જરાસંધ મરતો નથી. મારી સામે જોતો જોતો તું જરાસંધ સામે લડ અને હું યુક્તિ બતાવું તે પ્રમાણે કર એટલે જરાસંધ મરશે. અર્જુન- જીવાત્મા છે. શ્રીકૃષ્ણ-પરમાત્મા છે. ભીમ-પ્રાણ છે. વૃદ્ધાવસ્થામાં પ્રાણ બહુ અકળાય છે, પ્રાણ શ્રીકૃષ્ણ સન્મુખ બને, તો ભીમ જે પ્રમાણે જરાસંઘને મારી શકયો તેમ-જીવ વૃદ્ધાવસ્થાને મારી શકે. પ્રાણ પરમાત્માની સન્મુખ જાય, પ્રતિશ્વાસે પ્રભુનું સ્મરણ થાય તો જરાસંધ મરે. જરાસંધ જન્મમરણનો ત્રાસ છે. જરાસંધને મારી રાજાઓને કેદમાંથી છોડાવ્યા છે.