News Continuous Bureau | Mumbai
BMC Election 2026 મુંબઈ મહાનગરપાલિકા (BMC) ની ચૂંટણી માટે મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી મોટો ધડાકો થવા જઈ રહ્યો છે. શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મનસે પ્રમુખ રાજ ઠાકરે વચ્ચે ગઠબંધનનું ફોર્મ્યુલા લગભગ નક્કી થઈ ગયું છે. ૨૪ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ બંને નેતાઓ સંયુક્ત પત્રકાર પરિષદ કરીને આ ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરે તેવી શક્યતા છે. મુંબઈની સત્તા પર ફરીથી કાબિજ થવા માટે બંને ભાઈઓએ જૂના મતભેદો બાજુ પર મૂકીને હાથ મિલાવ્યા છે.સૂત્રોના જણાવ્યા મુજબ, બેઠકોની વહેંચણી માટે એક સંભવિત ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી છે. જે હેઠળ શિવસેના (UBT) મુંબઈની વધુ બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે મનસેને પણ સન્માનજનક હિસ્સો આપવામાં આવશે. આ ગઠબંધન મુખ્યત્વે મરાઠી અને અમરાઠી મતદારોના સમીકરણોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું છે.
બેઠકોની વહેંચણીનું સંભવિત ફોર્મ્યુલા
આગામી BMC ચૂંટણી માટે ‘નવી MVA’ ના ગઠબંધનમાં બેઠકોની વહેંચણીનું જે ફોર્મ્યુલા સામે આવ્યું છે, તેમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) સૌથી મોટા ભાઈની ભૂમિકામાં જોવા મળી રહી છે, જેને ફાળે 145 થી 150 જેટલી બેઠકો આવી શકે તેમ છે. તો બીજી તરફ, આ ગઠબંધનમાં રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ને પણ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે, જેમને 65 થી 70 બેઠકો આપવાનો પ્રસ્તાવ મુકાયો છે. જ્યારે, NCP (શરદ પવાર) જૂથને મુંબઈના મર્યાદિત પ્રભુત્વને જોતા 10 થી 12 બેઠકો સાથે સંતોષ માનવો પડી શકે છે. જો આ બેઠકોની વહેંચણી પર આખરી મહોર વાગે, તો મુંબઈના રાજકારણમાં એક નવું અને શક્તિશાળી સમીકરણ જોવા મળી શકે છે.ઉદ્ધવ ઠાકરેએ મનસે માટે ખાસ કરીને એવી ૧૨ થી ૧૫ બેઠકો છોડી છે જ્યાં શિવસેનાના જૂના કોર્પોરેટરો હવે એકનાથ શિંદે જૂથમાં જોડાઈ ગયા છે.
ક્યાં ફસાયો છે પેચ?
ગઠબંધન નક્કી હોવા છતાં ઘાટકોપર, કાંદિવલી, બોરીવલી અને મુલુંડ જેવા વિસ્તારોમાં હજુ પણ કેટલીક બેઠકોને લઈને ખેંચતાણ ચાલુ છે. રાજ ઠાકરેનું માનવું છે કે જ્યાં સુધી તમામ ૨૨૭ બેઠકો પર સંપૂર્ણ સંમતિ ન સધાય ત્યાં સુધી જાહેરાત કરવી ઉતાવળ ગણાશે. બીજી તરફ, કોંગ્રેસે એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરતા હવે આ જંગ ‘ઠાકરે વિરુદ્ધ મહાયુતિ’ જેવો બની ગયો છે.
આ સમાચાર પણ વાંચો : Danish Pandor: લાખો યુવતીઓનું દિલ તૂટ્યું! ‘ધુરંધર’ ફેમ એક્ટર આ સુંદર અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ? તસવીરો આવી સામે
મહાયુતિની વળતી રણનીતિ
ઠાકરે ભાઈઓની આ નિકટતાથી ભાજપ અને શિંદે જૂથ પણ એલર્ટ થઈ ગયું છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાન ‘વર્ષા’ બંગલે દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે વચ્ચે પણ બેઠકોનો દોર શરૂ થયો છે. ભાજપ મુંબઈમાં ૧૫૦ બેઠકોની માંગ કરી રહ્યું છે. ૧૫ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ મતદાન થવાનું છે અને ૧૬ જાન્યુઆરીએ પરિણામ આવશે, જેનાથી સ્પષ્ટ થશે કે મુંબઈનો અસલી ‘નાથ’ કોણ છે.