News Continuous Bureau | Mumbai
Indore ઈન્દોરના ભાગીરથપુરા વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી દૂષિત પાણી પીવાને કારણે લોકો બીમાર પડી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવાને કારણે આ ગંભીર સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધીમાં ૬ મહિલાઓ સહિત ૮ લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું કહેવાય છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં ૧૨,૦૦૦ લોકોની તપાસ કરવામાં આવી છે, જેમાંથી ૧૧૧ લોકોની હાલત ગંભીર જણાતા તેમને વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી મોહન યાદવે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને તમામ દર્દીઓની મફત સારવારની જાહેરાત કરી છે.
ડ્રેનેજનું પાણી પીવાના પાણીમાં ભળ્યું
ઈન્દોરના મેયર પુષ્યમિત્ર ભાર્ગવે સ્વીકાર્યું છે કે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે પીવાના પાણીની પાઈપલાઈનમાં ડ્રેનેજ (ગટર)નું પાણી ભળી ગયું હતું. લોકોની ફરિયાદ છે કે નળમાં આવતા પાણીમાંથી વિચિત્ર ગંધ આવતી હતી અને સ્વાદમાં તે કડવું લાગતું હતું. પાણીના નમૂના લઈને લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને જે પણ અધિકારીની બેદરકારી જણાશે તેમની સામે કડક પગલાં લેવાનું આશ્વાસન અપાયું છે.
૨,૭૦૦થી વધુ ઘરોનું સર્વેક્ષણ
સ્વાસ્થ્ય વિભાગના અધિકારી ડો. માધવ પ્રસાદ હાસાનીના જણાવ્યા મુજબ, અસરગ્રસ્ત વિસ્તારમાં ૪ એમ્બ્યુલન્સ અને તબીબોની અનેક ટીમો તૈનાત કરવામાં આવી છે. ૧૨,૦૦૦ લોકોની તપાસ દરમિયાન ૧,૧૪૬ દર્દીઓમાં હળવા લક્ષણો જોવા મળ્યા હતા, જેમને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. ગંભીર રીતે બીમાર ૧૧૧ દર્દીઓમાંથી ૧૮ લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : India Rejects China Mediation Claim: ‘કોઈ ત્રીજા પક્ષની દખલ મંજૂર નથી’: ભારતનો ચીનને જડબાતોડ જવાબ; પાકિસ્તાન સાથે સીઝફાયરના દાવાને ગણાવ્યો પાયાવિહોણો.
નગર નિગમની બેદરકારીના આક્ષેપો
સ્થાનિક લોકોનો આરોપ છે કે નળમાં દૂષિત પાણી આવતું હોવાની અનેક ફરિયાદો કરવા છતાં નગર નિગમે કોઈ ધ્યાન આપ્યું નહોતું. લોકોના જણાવ્યા મુજબ, ૨૫ ડિસેમ્બરે સપ્લાય કરવામાં આવેલું પાણી અત્યંત ખરાબ હતું. ઉલ્લેખનીય છે કે ઈન્દોર શહેર પોતાની પાણીની જરૂરિયાત માટે ૮૦ કિમી દૂર આવેલી નર્મદા નદી પર નિર્ભર છે, જે પાઈપલાઈન દ્વારા ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવે છે.