News Continuous Bureau | Mumbai
Navi Mumbai Connectivity: મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેનો પ્રવાસ વધુ ઝડપી બનાવવા માટે સિડકો (CIDCO) દ્વારા એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક એટલે કે અટલ સેતુને હવે નવી મુંબઈના કોસ્ટલ રોડ સાથે સીધો જોડવામાં આવશે. આ પ્રોજેક્ટને તટીય નિયમન ક્ષેત્ર (CRZ) સત્તામંડળ દ્વારા મંજૂરી મળી ગઈ છે, જેનાથી છેલ્લા ઘણા સમયથી અટકેલા કામને વેગ મળશે.અગાઉ અટલ સેતુનું કામ ચાલુ હતું ત્યારે સિડકોનો કોસ્ટલ રોડ પ્રોજેક્ટ અમલમાં નહોતો, જેના કારણે આ જોડાણ શક્ય બન્યું નહોતું. હવે સિડકો ઉરણ તાલુકાના ગવ્હાણ ગામ પાસે શિવાજીનગર ઇન્ટરચેન્જ વિસ્તારમાં 6 રેમ્પ બનાવશે, જે અટલ સેતુ અને કોસ્ટલ રોડને એકબીજા સાથે જોડશે.
કઈ જગ્યાએ અને કેવી રીતે બનશે આ માર્ગ?
આ કનેક્ટર પ્રોજેક્ટ અંદાજે 3.5 હેક્ટર વિસ્તારમાં બનાવવામાં આવશે. જેમાં 32 સ્ટ્રક્ચરલ મોડ્યુલ્સનો સમાવેશ થાય છે. દરેક 75 મીટરની લંબાઈના સ્પાન 1.0 મીટર વ્યાસના પાઈલ્સ પર ઉભા કરવામાં આવશે. લાંબા ગાળાની મજબૂતી માટે ખડકોમાં પૂરતું સોકેટિંગ કરવામાં આવશે. CRZ ની શરતી મંજૂરી બાદ હવે અંતિમ પરવાનગી માટે આ પ્રસ્તાવ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય પાસે મોકલવામાં આવ્યો છે.
એરપોર્ટ અને જેએનપીએ (JNPA) માટે મોટો ફાયદો
આ જોડાણ પૂર્ણ થયા પછી ઉરણ, પનવેલ, જેએનપીએ બંદર અને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (NMIA) વચ્ચે સીધો અને ઝડપી વાહનવ્યવહાર શક્ય બનશે. શિવાજીનગર વિસ્તાર ન્હાવા રોડ અને ઉરણ રોડની નજીક હોવાથી ખારકોપર રેલ્વે સ્ટેશન સુધીની કનેક્ટિવિટી પણ સુધરશે. આ પ્રોજેક્ટથી માત્ર રોડ ટ્રાફિક જ નહીં પરંતુ રેલ્વે કનેક્ટિવિટીને પણ મોટો ફાયદો થશે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
પર્યાવરણ અને મેન્ગ્રોવ્સનું સંરક્ષણ
આ પ્રોજેક્ટને કારણે લગભગ 936 મેન્ગ્રોવ્સના (ખારફુટી) ઝાડ પર અસર થવાની શક્યતા છે, જેના કારણે CRZ મંજૂરીમાં વિલંબ થયો હતો. જોકે, સિડકોએ પર્યાવરણીય મૂલ્યાંકન અહેવાલમાં સ્પષ્ટ કર્યું છે કે મેન્ગ્રોવ્સનું નુકસાન ઘટાડવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે અને જ્યાં નુકસાન થશે ત્યાં પુનઃવનીકરણની કામગીરી કરવામાં આવશે.
Join Our WhatsApp Community