News Continuous Bureau | Mumbai
– ડી.કે
દેશની કુલ માગનાં ૬૦ ટકા આયાત ઉપર નભતા ભારતે હવે ખાદ્યતેલ તથા તેલિબીયાનાં ઉત્પાદનમાં વધારો કરીને આ ક્ષેત્રે આત્મનિર્ભર થવા માટેનું અભિયાન શરૂ કર્યુ છે. ૨૦૨૩-૨૪ માં ૩૦૧.૯૨ લાખ હેક્ટરમાં તેલિબીયાનું વાવેતર થયું હતું જે ૨૦૨૪-૨૫ માં વધીને ૩૦૪.૪૦ લાખ હેક્ટરે પહોંચ્યુ છે. કેન્દ્રિય કૄષિ વિભાગનાં આંકડા જણાવે છે કે ૨૦૨૩-૨૪ માં ભારતનું તેલિબીયાનું ઉ્પાદન ૩૯૬.૬૯ લાખ ટન હતું જે ૨૦૨૪-૨૫ માં ૪૨૯.૮૯ લાખ ટને પહોંચ્યુ છે. અર્થશાસ્ત્રનો નિયમ છે કે જેમ પુરવઠો વધે તેમ ભાવ ઘટે. આ રીતે જોઇએ તો હાલમાં તેલિબીયાનાં ઉત્પાદનમાં વધારો કરવા ઉત્સાહિત થયેલા ખેડૂતો તેમને તેમની નિપજનાં ભાવ વધારે મળે તેવી આશા રાખશે. પરંતુ સરકારે પાસે એ માટે કોઇ નક્કર વિકલ્પ નથી. વળી આજની વૈશ્વિક પરિસ્થિતીમાં ભાવની મોટી વધઘટ રહે છે. પરંતુ પોતાની નિપજનાં પોષણક્ષમ ભાવ નક્કી કરવા માટે ખેડૂતો પાસે કોઇ સિસ્ટમ નથી, કે સરકાર પાસે સમર્થન મુલ્ય ઉપર ખરીદી કરવા સિવાયનો કોઇ વિકલ્પ નથી. જો આ તમામ સમસ્યાઓનો વિકલ્પ ફ્યુચર્સ ટ્રેડિંગના રૂપમાં મળી શકતો હોય તો તેને શરૂ કરવામાં ખોટું શું છે?
રવિ સિઝનનાં ખાદ્ય તેલિબીયા સરસવની જ વાત કરીએ તો સરકારે ડિસેમ્બર- ૨૦૨૧ માં સરસવનાં ફ્યુચર્સ અને ઓપશન્સ ઉપર નિયંત્રણો લગાવ્યા હતા ત્યારથી દર વર્ષે તેની મુદત લંબાવાઇ રહી છે. ૨૦૨૨-૨૩ માં સરસવના ટેકાનાં ભાવ ૫૦૫૦ રૂપિયા હતા જે ૨૦૨૬-૨૭ ની સિઝન માટે વધારીને ૬૨૦૦ રૂપિયા કરવામાં આવ્યા છે. જો કે સિઝન આવે ત્યારે સરકાર કેટલી ખરીદી કરશે તેનો કોઇ ભરોસો નથી. આ ઉપરાંત સરસવની ખરીદી કર્યા બાદ ભાવની વધઘટનું જોખમ તો સરકારે જ ઉઠાવવાનું છે. એના બદલે સરકારે ફ્યુચર્સ અને ઓપ્શન્સ ફરી શરૂ કરીને ખેડૂતો અને મિલરો સૌને તેમનો નફો નક્કી કરવા અને જોખમ પ્રબંધનનો નિર્ણય કરવાની સુવિધા આપી દેવી જોઇએ.
એકતરફ સરકારને ભાવ વધવાનો ડર છે, બીજીતરફ સરકાર ખેડૂતોને પણ ખુશ રાખવા માગે છે, ત્રીજીતરફ સરકાર ઉત્પાદન વધારીને આત્મનિર્ભર થવા માગે છે. હાલમાં સરસવના હાજર બજાર ભાવ ૭૩૦૦ રૂપિયા ચાલે છે, આગામી સિઝનમાં સરસવનું ઉત્પાદન ૧૧૫ લાખ ટન થી ૧૨૦ લાખ ટન રહેવાનો વ્યવસાયિક સર્વેનો અંદાજ છે. હાલમાં સરસવના વાયદા બંધ હોવા છતાં ભાવ ટેકાના ભાવથી ૧૦૦૦ રૂપિયા ઉપર ચાલે છે. જે અગાઉ પણ ૮૦૦૦ રૂપિયાની સપાટી દેખાડી ચુક્યા છે. મતલબ કે વાયદા હોય તો જ ભાવ વધે છે એવું ક્યાંય સાબિત થતું નથી. આ બાબતે છેલ્લા બે દાયકામાં કરાયેલા સર્વેક્ષણોમાં એવું જ સાબિત થયું છે કે વાયદાથી ભાવ વધતા હોવાનું સાબિત થતું નથી.
આ સમાચાર પણ વાંચો : Jaya Bachchan in Parliament: જયા બચ્ચને ફિલ્મ ઇન્ડસ્ટ્રી પરના ટેક્સ અને OTT ફંડિંગ મુદ્દે સરકાર પાસે માંગ્યો જવાબ, જાણો સંસદમાં શું થયું
હવે તો ખાદ્યતેલ ઇન્ડસ્ટ્રીનાં ઐસ.ઇ.એ અને મોપા જેવા સંગઠનો પણ વેપારીઓ અને મિલરોના હિતમાં વાયદા ફરી શરૂ કરવાની ભલામણ કરી રહ્યા છે. આ ઉપરાંત નાબાર્ડ જેવી સંસ્થાઓ પણ ખેડુતોને જોખમ પ્રબંધન અને પોષણક્ષમ ભાવ અપાવવામાં ફ્યુચર્સ અને ઓપ્શન્સ ઉપયોગી નિવડ્યા હોવાનું માને છે. આગઉ સરસવના જ ઓપ્શન્સમાં આશરે ૨૦૦૦ જેટલા એફ.પી.ઓ. ભાગ લઇને તેનો લાભ લઇ ચુક્યા છે. તેથી જ આ ખેડુત સંગઠનો પણ વાયદા શરૂ કરવાની સરકાર સમક્ષ માગણી કરી રહ્યા છે. એ સમયે ખેડૂતોએ પુટ ઓપ્શન મારફતે તેમની નિપજનો ન્યુનતમ નફો બુક કરવાની રણનીતિના ભાગરૂપે ૫૦૦૦ થી ૫૨૦૦ રૂપિયાના ભાવે પુટ ઓપ્શન ખરીદ્યા હતા. જેના કારણે સરકાર ઉપર પણ ટેકાના ભાવે સરસવ ખરીદવાનો બોજ ઓછો આવ્યો હતો.
૨૦૨૫-૨૬ માં ભારતમાં ખાદ્યતેલોનૂં ઉત્પાદન ૧૧૦ થી ૧૧૫ લાખ ટન રહેવાનો જ્યારે સ્થાનિક માંગ ૨૬૦ લાખ ટન થી ૨૬૫ લાખ ટન થવાનું અનુમાન છે. સ્થાનિક માગ અને પુરવઠા વચ્ચે આટલો મોટો તફાવત રહેવાથી બજારમાં ભાવની અનિયમિતતા રહેશે તે પણ નક્કી છે. હાલમાં વેપારીઓ અને મિલરોને ભાવની આ મોટી વધઘટમાં પોતાના સોદાનાં ભાવનું જોખમ હેજ કરવા માટે કોઇ ટૂલ જ નથી તેથી મોટા ભાગના મિલરો જોખમ માથે રાખીને વેપાર કરે છે જે મુઠ્ઠીભર મોટા કોર્પોરેટસ છે તેઓને હેજ માટે વિદેશી પ્લેટફોર્મનો સહારો લેવો પડે છે. આમા સરકારનો હેતુ તો સિધ્ધ થયો નથી.સરકારને ફ્યુચર્સનાં માળખાથી તકલીફ હોય તો તેમાં ફેરફાર કરીને પણ વહેલી તકે ફ્યુચર્સ ચાલુ કરવાની પરવાનગી આપવી જોઇએ.
Join Our WhatsApp Community