News Continuous Bureau | Mumbai
China Fireworks Factory Explosion Hunan| ચીનના હુનાન પ્રાંતના લિયુયાંગ શહેરમાં એક ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ થતા મોટો અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 21 લોકોએ જીવ ગુમાવ્યા હોવાના સમાચાર છે, જ્યારે 61 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ કિલોમીટરો સુધી સંભળાયો હતો અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
ફેક્ટરીના વર્કશોપમાં સર્જાયો પ્રચંડ ધડાકો
મળતી માહિતી મુજબ, આ અકસ્માત લિયુયાંગમાં આવેલી ‘હુઆશેંગ ફટાકડા મેન્યુફેક્ચરિંગ એન્ડ ડિસ્પ્લે કંપની’ના એક વર્કશોપમાં થયો હતો. આ વિસ્તાર ફટાકડાના મોટા પાયે ઉત્પાદન માટે જાણીતો છે. વિસ્ફોટ સમયે ફેક્ટરીમાં અનેક મજૂરો કામ કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં વિસ્ફોટ બાદ સફેદ ધુમાડાનો ગીચ ગુબાર અને તબાહીના દ્રશ્યો જોઈ શકાય છે.
રાષ્ટ્રપતિ શી જિનપિંગે વ્યક્ત કરી સંવેદના
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી તેજ કરવા નિર્દેશ આપ્યા છે. તેમણે લાપતા લોકોની શોધખોળ કરવા અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર મળે તે સુનિશ્ચિત કરવા સત્તાવાળાઓને આહવાન કર્યું છે. ચીનમાં ફટાકડા ફેક્ટરીઓમાં સુરક્ષાના ધારાધોરણોના અભાવે અવારનવાર આવા અકસ્માતો સર્જાતા હોય છે, જેને લઈને હવે વહીવટીતંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે.
તપાસના આદેશ અને બચાવ કાર્ય
સ્થાનિક વહીવટીતંત્ર અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. અધિકારીઓએ વિસ્ફોટના ચોક્કસ કારણની તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે.
👉 આ સમાચાર વાચો:
West Bengal Election Result 2026 | 5 રાજ્યોનું પરિણામ બંગાળમાં 200ને પાર ભાજપ, તમિલનાડુમાં સુપરસ્ટાર વિજયનો જાદુ ચાલ્યો