News Continuous Bureau | Mumbai
Kedareswar Mahadev Temple બારડોલી શહેરથી લગભગ ૪ કિલોમીટર દૂર ખલી ગામે આવેલું કેદારેશ્વર મહાદેવ મંદિર દક્ષિણ ગુજરાતના કેદારનાથ તરીકે ઓળખાય છે, જ્યાં સ્વયંભૂ શિવલિંગ (Shivling) અને ઐતિહાસિક મહત્ત્વને કારણે હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે.
Kedareswar Mahadev Temple – સ્વયંભૂ શિવલિંગ અને પાંચ ભાઈઓની લોકવાયકા
બારડોલી શહેરથી લગભગ ૪ કિલોમીટરના અંતરે ખલી ગામે મીંઢોળા નદીના કિનારે આવેલું કેદારેશ્વર મહાદેવ મંદિર દક્ષિણ ગુજરાતના શિવભક્તો માટે આસ્થાનું એક મુખ્ય કેન્દ્ર (Center) છે. આશરે ૭૦૦ વર્ષ જૂનું આ પૌરાણિક મંદિર તેની ધાર્મિક મહત્તા ઉપરાંત ઐતિહાસિક મહત્વ માટે જાણીતું છે, જેના કારણે તેને “દક્ષિણ ગુજરાતના કેદારનાથ” તરીકે પણ ઓળખવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે અને આસ્થાના મહેરામણમાં તરબોળ બની જાય છે. મંદિરનું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું હોવાથી તેનું વિશેષ ધાર્મિક મહત્વ છે. આ શિવલિંગ જમીનમાંથી આપમેળે પ્રગટ થયું હોવાથી સદીઓથી પૂજાય છે. બારડોલી અને આસપાસના લોકો મહાદેવજીને પ્રેમથી ‘કેદારદાદા’ તરીકે સંબોધે છે. લોકવાયકા મુજબ, કેદારેશ્વર મહાદેવ સહિત અન્ય ચાર શિવલિંગ– કણકેશ્વર, કપિલેશ્વર, કદમેશ્વર અને કાંતારેશ્વર – સુરત જિલ્લામાં બિરાજમાન છે, અને આ પાંચેય ભાઈઓ હોવાની શ્રદ્ધા છે. ભક્તોમાં એવી માન્યતા છે કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં આ પાંચેય મંદિરોના દર્શન કરવાથી સર્વ મનોકામના પૂરી થાય છે.
Kedareswar Mahadev Temple – ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને મહાત્મા ગાંધીજીના અસ્થિ વિસર્જન સાથેનો સંબંધ
ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર, ચીની પ્રવાસી હ્યુ-એન-સાંગે ઈ.સ. ૬૨૯-૬૪૪ દરમિયાન ભારતયાત્રા વખતે આ મંદિરની મુલાકાત લીધી હતી અને તેની ભવ્યતાનું વર્ણન પોતાના પુસ્તકમાં કર્યું હતું. શ્રી ચિન્મયાનંદ મહારાજે આ મંદિરની મુલાકાત લીધી ત્યારે તેની પૌરાણિક પવિત્રતાથી પ્રભાવિત થઈને જણાવ્યું હતું કે, આખા દેશમાં ત્રણ જ મંદિરો આ મંદિરની જયોતિ સાથે સમાવિષ્ટ કરી શકાય તેમ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના અવસાન બાદ તેમના અસ્થિકુંભને દેશના પવિત્ર સ્થળોએ મોકલવામાં આવ્યા હતા, જેમાંથી એક અસ્થિકુંભ બારડોલીના સ્વરાજ આશ્રમમાં રાખવામાં આવ્યો હતો. બારડોલીના નિસ્પૃહી લોકસેવક ડો. કપિલરામ વ્યાસની આગેવાનીમાં તેને ભજન-કીર્તન સાથે કેદારેશ્વર મંદિરે લાવીને મીંઢોળા નદીમાં વિસર્જિત કરવામાં આવ્યો હતો. એવું પણ કહેવાય છે કે છત્રપતિ શિવાજી મહારાજ મુગલો સામે સુરત પર ચઢાઈ કરવા નીકળ્યા ત્યારે તેઓએ આ મંદિરે આવીને શિવજીના દર્શન કર્યા હતા અને શિખર પર ભગવી ધજા ચડાવી આશીર્વાદ લીધા હતા.
Kedareswar Mahadev Temple – શ્રાવણ માસ અને અખંડ શિવનામ સ્મરણ સપ્તાહનું આયોજન
પવિત્ર શ્રાવણ માસમાં વહેલી સવારથી જ શિવભક્તો ‘બમ બમ ભોલે’ અને ‘હર હર મહાદેવ’ના જયઘોષ સાથે ભગવાન ભોળાનાથના દર્શનાર્થે લાંબી કતારોમાં ઉભા રહી દર્શન કરીને ધન્યતા અનુભવે છે. ભગવાન શિવને જળ, દૂધ, બિલિપત્ર, ધતૂરો અને પુષ્પો અર્પણ કરવા સાથે રૂદ્રાભિષેક કરવામાં આવે છે. છેલ્લા ૧૬૫ વર્ષથી બારડોલી પાલવાડા ઔદીચ્ય બ્રાહ્મણ શિવ સપ્તાહ મંડળ દ્વારા અહીં દર વર્ષે શ્રાવણ માસમાં ગોકુલ અષ્ટમીથી અમાસ સુધી અખંડ શિવનામ સ્મરણ સપ્તાહનું ભવ્ય આયોજન થાય છે. મંદિરનો જીણોદ્ધાર (Renovation) એકથી વધુ વખત થયો છે. હાલમાં ધુલે માર્ગ (રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૬) પર આવેલ આ મંદિરનું સંચાલન શ્રી કેદારેશ્વર મહાદેવ અને જ્ઞાનેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.
👉 આ સમાચાર વાચો:
Mumbai Train Roof Incident મુંબઈ લોકલ ટ્રેન અકસ્માત ટ્રેનની છત પર ચઢવું યુવકને પડ્યું ભારે, OHE વાયરના સ્પર્શથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત