News Continuous Bureau | Mumbai
Maharashtra FDA Raids Adulterated Milk Bananas Seized મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) તંત્ર દ્વારા રાજ્યભરમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારાઓ અને સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા અસામાજિક તત્વો સામે મોટા પાયે સપાટો બોલાવવામાં આવ્યો છે; નવી મુંબઈની વાશી APMC માર્કેટ, પુણે ડિવિઝન, મુંબઈ અને સમગ્ર કોંકણ પટ્ટામાં પાડવામાં આવેલા ઉપરાછાપરી દરોડા દરમિયાન કેમિકલયુક્ત કેળાં તેમજ ડિટર્જન્ટ પાવડર ભેળવેલું દૂધ પકડી પાડવામાં આવ્યું છે; તંત્રએ કુલ ₹૧.૨૯ કરોડથી વધુનો પ્રતિબંધિત મુદ્દામાલ જપ્ત કરી પાંચ લોકોની ધરપકડ કરી છે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા ખાદ્ય એકમો સામે કડક પગલાં ભર્યા છે.
Maharashtra FDA Raids – વાશી APMC માં ‘એથેફોન’થી કેળાં પકવવાનું કૌભાંડ અને પુણેમાં ડિટર્જન્ટવાળું દૂધ નષ્ટ
નવી મુંબઈના તુર્ભે સ્થિત વાશી APMC ફ્રુટ માર્કેટમાં માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી એવા ‘એથેફોન’ (Ethephon) કેમિકલનો છંટકાવ કરીને કુત્રિમ રીતે કેળાં પકવવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ મળતાં જ FDA ની ટીમે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં ₹૬૭,૮૧૪ ની કિંમતના ૧,૩૯૪ કિલો કેમિકલયુક્ત કેળાં જપ્ત કરવામાં આવ્યા હતા. બીજી તરફ, પુણે ડિવિઝનના માળશિરસ ખાતે ડેરીઓમાં તપાસ કરતાં દૂધમાં ડિટર્જન્ટ પાવડરની ઘાતક ભેળસેળ પકડાઈ હતી. તંત્રએ તાત્કાલિક ₹૬.૬૯ લાખની કિંમતનું ૧૬,૭૩૦ લિટર દૂધ જમીનમાં મોટો ખાડો ખોદીને વૈજ્ઞાનિક પદ્ધતિથી નષ્ટ કર્યું હતું અને બે અલગ ગુના નોંધ્યા હતા.
Maharashtra FDA Raids – મુંબઈ-કોંકણમાંથી ₹1.29 કરોડનો માલ જપ્ત: 5 આરોપીઓની ધરપકડ
મુંબઈ અને કોંકણ ડિવિઝનમાં પ્રતિબંધિત ખાદ્યપદાર્થોના ગેરકાયદે સંગ્રહ અને પરિવહન સામે વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટીમે ₹૯૪.૪૫ લાખનો પ્રતિબંધિત ખાદ્ય જથ્થો અને હેરાફેરીમાં વપરાતા ₹૩૫ લાખની કિંમતના વાહનો મળીને કુલ ₹૧.૨૯ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગેરકાયદે વેપાર અને ભેળસેળની ગંભીર પ્રવૃત્તિ બદલ પોલીસે ત્રણ અલગ-અલગ એફઆઈઆર (FIR) નોંધીને પાંચ શખ્સોની ધરપકડ કરી છે. આ નેટવર્કમાં સામેલ અન્ય વેપારીઓ અને સપ્લાયર્સની પણ સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
Maharashtra FDA Raids – નિયમભંગ કરનાર 11 હોટેલ-બેકરીઓ સામે ગાજ: લાઇસન્સ સસ્પેન્ડ
મુંબઈ ડિવિઝનમાં સામાન્ય જનતાના સ્વાસ્થ્ય સુરક્ષાના ભાગરૂપે હોટેલો, રેસ્ટોરન્ટ્સ, કેટરર્સ અને બેકરી એકમોનું ઓચિંતું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ફૂડ સેફ્ટી, સ્વચ્છતા અને કાયદેસરના સંગ્રહના નિયમોનો સરેઆમ ભંગ કરવા બદલ ૧૧ એકમો સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. આ પૈકી ૮ એકમોના ફૂડ લાઇસન્સ અને ૩ એકમોના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે. FDA ના ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે લોકોના જીવ સાથે રમત રમનારા કોઈપણ ભેળસેળિયા કે વેપારીને બક્ષવામાં નહીં આવે અને આ કડક ઝુંબેશ આગામી દિવસોમાં પણ અવિરત ચાલુ રહેશે.
👉 આ સમાચાર વાચો:
Rahul Gandhi Gyanesh Kumar Resignation FIR જ્ઞાનેશ કુમારના રાજીનામા પર અડગ રાહુલ ગાંધી બોલ્યા ‘100 FIR પણ મંજૂર, મારા માટે દરેક કેસ એક મેડલ સમાન’