ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,28 જાન્યુઆરી 2022
શુક્રવાર.
બહુ જલદી હવે કરિયાણાની દુકાનમાં વાઈન વેચાતુ મળે તો આશ્ચર્ય નહીં પામતા. મહારાષ્ટ્ર સરકારે ગુરુવારની કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લીધો હતો, જે મુજબ હવેથી સુપરમાર્કેટ અથવા તો વોક-ઈન સ્ટોરમાં શેલ્ફ-ઈન-શોપ ધોરણે વાઈન નું વેચાણ કરી શકાશે.
રાજ્યની વાઈન પોલિસીમાં દ્રાક્ષની બાગાયતી ખેતી કરનાર ખેડૂતોને ફાયદો થાય તે હેતુથી અને વાઈનના વેચાણને વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનો સરકારનો દાવો છે.
રાજ્યમાં હાલ ફળો, ફૂલો, કેળા અને મધમાંથી વાઈનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. જે વાઇનરી વાઈન નું ઉત્પાદન કરે છે, પરંતુ તેનું માર્કેટિંગ કરવા સક્ષમ નથી એવી વાઈનરીમાં તૈયાર કરવામા આવેલી વાઈન સીધી સુપર માર્કેટ અથવા વોક-ઈન-શોપ ધોરણે વેચવામાં આવશે. આમ કરવાથી નાની વાઈનરી ફાયદો થશે એવું સરકારનું કહેવું છે.
હવે વાઈનના વેચાણ માટે પૂરક માટે આ યોજના અમલમાં મૂકવામાં આવશે. જોકે સરકારે અનેક શરતો રાખી છે, જેમાં આ દુકાનો શૈક્ષણિક અને ધાર્મિક સ્થળની દૂર હોવી જોઈએ. તેમ જ કરિયાણાની દુકાન એક હજાર ચોરસ ફૂટથી મોટી હોવી જોઈએ.
આ અગાઉ ગોવા, હિમાચલ પ્રદેશની સરકારે પણ આ નિતી અમલમાં મૂકી હતી. હવે મહારાષ્ટ્રમાં પણ સરકાર આ પોલીસી લઈ આવી છે. જોકે કરિયાણાની દુકાનમાંથી દારૂ ખરીદતી વખતે પ્રતિ લીટરે 10 રૂપિયાનો ટેક્સ લગાશે. આ વધારાના વેરાને કારણે સરકારની તિજોરીમાં પણ પાંચ કરોડ રૂપિયાથી વધારાની આવક જમા થશે એવું માનવામાં આવે છે.