ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 4 ડિસેમ્બર 2021
શનિવાર.
મલાડ (પૂર્વ) પોદ્દાર રોડ પર 15 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવનારા સ્કાયવોક સામે સ્થાનિક નાગરિકો સહિત ભાજપે વિરોધ કર્યા હતો. નાગરિકોને વિરોધને પગલે રાજ્ય સરકારે સ્કાયવોકના કામ પર સ્ટે આપી દીધો હતો. છતાં ચાર મહિના બાદ પાલિકાએ આ પૂલનું કામ ફરી ચાલુ કરી દીધુ હોવાનો કથિત આરોપ સ્થાનિક નાગરિક સહિત ભાજપે કર્યો છે.
પાલિકાના દાવા મુજબ રાજય સરકાર પાસેથી કામ રોકી દેવા માટેનો તેમને લેખિતમાં કોઈ આદેશ મળ્યો નથી.
જોકે પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેએ કહ્યુ હતુ કે પાલિકા કોઈ બાંધકામ નથી કરી રહી. તેઓ હાલ ફક્ત બેરિકેટસ હટાવવાનું કામ કરી રહી છે.
ભાજપના કાંદિવલી(ઈસ્ટ)ના વિધાનસભ્ય અતુલ ભાતખલકરને સ્થાનિક નાગરિકો સાથે અઠવાડિયાના પ્રારંભમાં જ સ્કાયવોકના ચાલી રહેલા બાંધકામને રોકી દેવાની માગણી સાથે વિરોધ પ્રર્દશન કર્યા હતા. ભાતખલકરના કહેવા મુજબ રાજય સરકારે લેખિતમાં કોઈ આદેશ આપ્યો નથી. તેથી પાલિકાએ ઓર્ડર આવ્યો ન હોવાનુ કારણ આપીને ત્યાં કામ કરી રહી છે.
અહીં ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનામાં સ્થાનિક નાગરિકો અને દુકાનદારોએ મોટી સંખ્યામાં આ સ્કાયવોક સામે વિરોધ પ્રર્દશન કર્યા હતા. તેને પગલે રાજ્ય સરકારે કામ પર તાત્પૂરતો સ્ટે મૂકી દીધો હતો.