ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 નવેમ્બર, 2021
શુક્રવાર
હવે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરનો ટ્રાફિક ઓછો થશે. આ પ્રોજેક્ટ હેઠળ ડી.પી રોડને ચાર લેનનો કરવામાં આવશે. જેના માટે અંદાજે 220 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. પ્રોજેક્ટ માટે ટેન્ડર મગાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
ગોરેગાંવ મુલુંડ લિંક રોડને જોડતો આ નવો રસ્તો મલાડથી વેસ્ટર્ન એક્સપ્રેસવેને સમાંતર હશે અને તેના દ્વારા પશ્ચિમ પરાથી મુલુંડ તરફ મુંબઈની બહાર પુણે, નાશિકની દિશામાં જવા માટે નાગરિકોને નવો વિકલ્પ મળશે. આ રસ્તો મલાડ ક્રાંતિ નગર, અપ્પાપાડા માર્ગે જીએમએલઆરને જોડવામાં આવશે. જેને લીધે વેસ્ટર્ન એક્સપ્રેસવે પર 50% ટ્રાફિક ઓછી થશે તેવો દાવો પાલિકાએ કર્યો છે.
સંજય ગાંધી નેશનલ પાર્કનો કેટલોક ભાગ પણ આ પ્રકલ્પમાં આવશે જેના માટે પર્યાવરણ અને વન ખાતાની આવશ્યક પરવાનગી પ્રાપ્ત કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે. પ્રથમ તબક્કામાં 18.30 મીટર પહોળાઈનો ડી.પી રોડ મલાડ હિલ તળાવથી, અપ્પાપાડા, લોખંડવાલા કોમ્પલેક્સ અને કાંદીવલી સુધીના ભાગનો સમાવેશ થાય છે. કોન્ટ્રાક્ટરે ચોમાસાના ચાર મહિના સિવાયના 48 મહિનામાં કામ પૂર્ણ કરવાનું રહેશે.