ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 નવેમ્બર, 2021
ગુરુવાર
મુંબઈ મહાનગરપાલિકાના ચૂંટણીના વોર્ડના અનામતને લઈને કોર્પોરેટરો સહિત મહત્વાકાંક્ષી ઉમેદવારો ચિંતામાં છે. રાજ્ય સરકારે મુંબઈમાં કોર્પોરેટરોની સંખ્યામાં 9નો વધારો કરવાનો નિર્ણય લીધો છે. તેથી આગામી દસ દિવસમાં જાહેર થનાર વોર્ડ અનામત મોકૂફ રાખવામાં આવશે. નગરસેવકોની સંખ્યા વધી રહી હોવાથી વોર્ડ નક્કી કરવામાં ઓછામાં ઓછા 25થી 35 દિવસનો સમય લાગે તેવી શક્યતા છે. તેથી 236 વોર્ડ નક્કી થયા બાદ ડિસેમ્બરના ત્રીજા કે છેલ્લા સપ્તાહમાં રિઝર્વેશન જાહેર થવાની ધારણા છે.
હાલ BMCમાં નગરસેવકોના વોર્ડની સંખ્યા 227 છે અને પક્ષના જોડાણના આધારે પાંચ નામાંકિત સભ્યોની પસંદગી કરવામાં આવે છે. મુંબઈમાં નગરસેવકોની સંખ્યા 221થી વધારીને 227 કરવામાં આવી હતી, પરંતુ હવે રાજ્યની કેબિનેટ બેઠકમાં આ સંખ્યા 9 સુધી વધારીને 236 કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે મહાનગરપાલિકાના ચૂંટણી વિભાગે વોર્ડની સમીક્ષા કરીને તે મુજબ સુધારેલા વોર્ડ નક્કી કરવાના રહેશે. વોર્ડ નિર્ધારણ પ્રક્રિયાની જટિલતાને કારણે આ કામમાં ઓછામાં ઓછા 25 દિવસનો સમય લાગે તેવી શક્યતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર તમામ મોરચે લોકો પાસેથી ફરિયાદો અને સૂચનો મગાવીને અંતિમ વોર્ડ નક્કી કરવામાં લઘુત્તમ એક મહિનાનો સમય લાગશે. જેથી વોર્ડ નક્કી ન થાય ત્યાં સુધી વોર્ડ અનામત જાહેર કરી શકાય નહીં.
BMCના 227 કોર્પોરેટરોના વોર્ડની સંખ્યા વર્ષ 2001ની વસ્તી અનુસાર વધારવામાં આવી હતી. ત્યારપછી વર્ષ 2011ની વસ્તી ગણતરી બાદ વસ્તી વધારા મુજબ વોર્ડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો નથી. જો કે, વર્ષ 2022ની ચૂંટણી વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે યોજાશે, તેથી વર્ષ 2011ની વસ્તીના આધારે વોર્ડની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે એમ રાજ્યના ચૂંટણી અધિકારીઓએ એક મીડિયા સંસ્થાને જણાવ્યું હતું.