ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 ઑક્ટોબર, 2021
શુક્રવાર
દેશમાં બહુ જલદી 2થી 18 વર્ષથી નીચેની ઉંમરનાં બાળકોનું વેક્સિનેશન ચાલુ કરવામાં આવવાનું છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકા પણ તૈયારીઓ સાથે સજ્જ થઈ ગઈ છે. 2થી 18 વર્ષથી નીચેનાં લગભગ 30 લાખ બાળકોના વેક્સિનેશન માટે પ્લાન તૈયાર કર્યો છે, એમાં મોટી હૉસ્પિટલ, ઉપનગરીય હૉસ્પિટલ, નર્સિંગ હોમ અને કોવિડ સેન્ટરમાં જ બાળકોનું પણ વેક્સિનેશન કરવામાં આવશે. કેન્દ્ર સરકારના આદેશ બાદ આગામી 2થી 3 દિવસમાં 1500 આરોગ્ય કર્મચારીઓને ટ્રેનિંગ આપીને વેક્સિનેશન ચાલુ કરવામાં આવશે.
કેન્દ્ર સરકારના ડ્રગ્સ કંટ્રોલ ઑફ ઇન્ડિયાએ મંગળવારે નાનાં બાળકોના વેક્સિનેશન માટે કોવેક્સિન રસીને ઇમર્જન્સીમાં ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. જોકે કેન્દ્રીય મંત્રાલયે હજી સુધી એને મંજૂરી આપી નથી. જોકે કેન્દ્ર તરફથી ગમે ત્યારે લીલી ઝંડી મળી જવાની શક્યતાને પગલે પાલિકાએ બાળકોના વેક્સિનેશન માટે તૈયારીઓ ચાલુ કરી દીધી છે.