ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ઑક્ટોબર, 2021
ગુરુવાર
મુંબઈ શહેરમાં ઠેરઠેર થતાં બાંધકામ અને ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે 1,300થી વધુ વૃક્ષોનો બલિ ચડશે. એની ઉપર ભાજપના MLA અતુલ ભાતખળકરે રાજ્ય સરકારની ટીકા કરી છે. મુંબઈમાં મેટ્રો અને અન્ય ખાનગી પ્રોજેક્ટ માટે 1,346 વૃક્ષો કાપવાનો પ્રસ્તાવ પ્રાધીકરણ પાસે આવ્યો છે. જેના ઉપર ભાતખળકરે પર્યાવરણપ્રધાન આદિત્ય ઠાકરેને મહેણું મારતાં કહ્યું હતું કે પર્યાવરણપ્રધાનને ફ્ક્ત આરેનાં જ વૃક્ષો બચાવવાં છે. આ વૃક્ષો માટે કંઈ નહિ કરે? શું મુંબઈમાં ફ્ક્ત આરેનાં વૃક્ષો જ ઑક્સિજન આપે છે?
મંગળવારે 12મી ઑક્ટોબરે વૃક્ષ પ્રાધીકરણ પાસે શહેરનાં વિકાસ કાર્યો માટે અને બાંધકામ માટે 1,346 વૃક્ષ કાપવાનો પ્રસ્તાવ આવ્યો હતો. એમાંથી 269 તોડવાની પરવાનગી આપવામાં આવી છે. વિધાનસભા ભવન મેટ્રો સ્ટેશન માટે 24 વૃક્ષ કપાશે. લોઅર પરેલમાં ખાનગી પ્રોજેક્ટ માટે 245 વૃક્ષ કપાશે અને 576 વૃક્ષોનું પ્રત્યારોપણ કરવામાં આવશે.