ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑક્ટોબર, 2021
સોમવાર
લગભગ દોઢ વર્ષ સુધી રહેલા લૉકડાઉનમાં મુંબઈના અનેક વિસ્તારોમાં ખાલી પડેલા પ્લૉટ પર ગેરકાયદે બાંધકમ ઊભાં થઈ ગયાં છે. ખાસ કરીને પાલિકાના P-નૉર્થ વૉર્ડમાં ભ્રષ્ટ અને બેદરકાર અધિકારીઓને પગલે મલાડમાં મોટા પાયા પર નૉન ડેવલપમેન્ટ ઝોનમાં ગેરકાયદે બાંધકામ ઊભાં થઈ ગયાં છે. હાલમાં જ ભ્રષ્ટાચાર અને અપરાધ નિવારક પરિષદે એને લઈને પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલને નિવેદન પણ આપ્યું હતું.
મલાડના રાઠોડી ગામમાં માર્વે રોડ પર નૉન ડેવલપમેન્ટ ઝોનમાં ઊભાં થઈ ગયેલાં ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ પગલાં લેવા માટે આ પરિષદના અધ્યક્ષ લાંબા સમયથી પાલિકાને ફરિયાદ કરી રહ્યા હતા. લૉકડાઉનના સમયમાં સરકારી યંત્રણા સુસ્ત રહી એનો ગેરફાયદો લઈને સ્થાનિક માફિયાઓએ રાઠોડી ગામમાં દોઢસોથી વધુ ગેરકાયદે બાંધકામ ઊભાં કરી દીધાં હોવાની ફરિયાદ સ્થાનિક રહેવાસીઓએ કરી છે. આ બાબતે અનેક વખત પાલિકાના P-નૉર્થ ઑફિસમાં ફરિયાદ કરવામાં આવી હતી. છતાં વૉર્ડ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. ભૂતપૂર્વ વિધાનસભ્યની મધ્યસ્થીથી પાલિકા કમિશનર સુધી ફરિયાદ પહોંચાડવામાં આવી હતી. એને નવ મહિના થઈ ગયા છે, છતાં હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. નૉન ડેવલપમેન્ટ ઝોનમાં બાંધકામ ઊભાં થઈ ગયાં છે, એ માટે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની પણ માગણી કરવામાં આવી છે.
કાંદિવલીના ચારકોપના એક ઘરમાં આજે સવારે સિલિન્ડર બ્લાસ્ટની ઘટના ઘટી; જુઓ વીડિયો
અહીં ઉલ્લેખનીય છે કે મલાડના માલવણીમાં ત્રણ માળાનું ગેરકાયદે બાંધકામ તૂટી જતાં 12 લોકોનાં મોત થયાં હતાં. છતાં ગેરકાયદે બાંધકામ સામે સતત સરકારી અધિકારીઓ દ્વારા દુર્લક્ષ કરવામાં આવી રહ્યું હોવા સામે સ્થાનિક રહેવાસીઓએ નારાજગી વ્યક્ત કરી છે.