ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઓક્ટોબર, 2021
મંગળવાર
લગ્નમાં જવું એ ઘણાં લોકોનો શોખ હોય છે અને ખાસ તો છોકરીઓને શોખ હોય છે, કે જે લગ્નમાં પોતાની આગવી શૈલીથી તૈયાર થઈને, પોતાની ઓળખ ઉભી કરવા કે લોકોને આકર્ષિત કરવા જાય છે. પરંતુ શું તમે ક્યારેય કોઈ એવી વ્યક્તિ વિશે સાંભળ્યું છે, જેની આજીવિકા લગ્નમાં હાજરી આપીને થતી હોય? હા, આશ્ચર્ય પામવાની વાત છે કે, એક છોકરી છે જે લગ્નમાં કન્યાની સખી બની હાજરી આપે છે અને પૈસા કમાય છે.
જેન ગ્લાન્ટ્સ નામની એક છોકરી વ્યવસાયિક રીતે લગ્નોમાં હાજરી આપે છે અને તેણીને હાજરી બદલ મોંઘા કપડાં અને પૈસા મળે છે.
એ વાત સ્વાભાવિક છે કે જો લગ્નમાં કન્યાપક્ષમાંથી તેણીની નટખટ સખીઓ ન હોય અને વરરાજાના પક્ષમાંથી તેના મિત્રો ન હોય તો લગ્નનો રંગ ઝાંખો પડી જાય છે. આવી સ્થિતિમાં સ્માર્ટ બ્રાઇડમેઇડ અને હેન્ડસમ ગ્રુમમેનનું હોવું ખૂબ જરૂરી છે. આ માટે લગ્નમાં બ્રાઇડમેઇડ અથવા ગ્રુમમેનને ભાડા પર લાવવાની પ્રથા શરૂ થઈ છે.
જેન ગ્લાન્ટ્સ નામની એક છોકરીએ તેના ટિકટોક એકાઉન્ટ પરથી કહ્યું છે કે તે વ્યવસાયિક રીતે બ્રાઇડમેઇડ તરીકે કામ કરે છે અને તેનાથી સારી કમાણી કરે છે.
@bridesmaidforhire નામના એકાઉન્ટથી પોતાની અનોખી કારકિર્દી વિશે જણાવ્યું કે તેણે અત્યાર સુધી ઘણા લગ્નોમાં બ્રાઇડમેઇડની ભૂમિકા ભજવી છે. અને તેના બદલામાં તેણીને પૈસા અને મોંઘા કપડાં મળેલ છે.
પોતાની જાતને વિશ્વની પ્રથમ વ્યાવસાયિક બ્રાઇડમેઇડ તરીકે વર્ણવતા, જેન કહે છે કે તે બ્રાઇડમેઇડ બની પૈસા લઈને એક શાનદાર કાર્ય કરે છે. આ દરમિયાન, વરરાજાને એ પણ ખબર નથી રહેતી કે કન્યાની સાથે જે એની સખી છે, જેના પર તે ફિદા થવા જઈ રહ્યો છે, તેને ભાડેથી અહીં લાવવામાં આવી છે.
અમેરિકામાં રહેતી જેન કહે છે કે તેણીએ અજાણ્યા વ્યક્તિના આ ખાસ દિવસનો એક ભાગ બનવાનું કામ એમજ શરૂ કરેલું પણ પછી તેણીને તેમાં આનંદ મળવા લાગ્યો. જ્યારે તે માત્ર 20 વર્ષની હતી, ત્યારે તેણીએ પોતાની સખી માટે બ્રાઇડમેઇડ તરીકે કામ કર્યું. પછી બધા લોકો તેને સંભળાવવા લાગ્યા, ત્યારે તેના રૂમમેટે કહ્યું કે તે એક વ્યાવસાયિક બ્રાઇડમેઇડ બની છે. ત્યારથી તેણે આ બાબતને સિરિયસલી લીધી અને ઓનલાઇન બ્રાઇડમેઇડ ભાડે આપવા માટેની સેવા આપવાનું શરૂ કર્યું. 7 વર્ષ સુધી આ કારકિર્દી દ્વારા તેણી ઘણા પૈસા અને શાનદાર કપડાનો સંગ્રહ એકત્ર કરી ચૂકી છે. તે લોકોને કહે છે કે ‛બધું એટલું ગ્લેમરસ નથી, પણ તે લોહી, પરસેવો અને આંસુ પણ લે છે.’