ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઓક્ટોબર, 2021
મંગળવાર
આ વર્ષની શરૂઆતમાં વકીલ ધૃતિ કપાડિયા અને કુણાલ તિવારીએ બોમ્બે હાઈકોર્ટમાં જનહિત યાચિકા કરી હતી. જેમાં વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો અને પથારીવશ દર્દીઓને તેમના ઘરે જ વેક્સિન મળે તેની માગણી કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ કરી હતી. આ યાચિકાની સુનાવણી સોમવારે બોમ્બે હાઈકોર્ટમાં થઈ હતી. જેમાં પાલિકાએ શહેરમાં કોરોનાની ત્રીજી લહેર નહિ આવવાની વાત કરી હતી.
પાલિકાના કાઉન્સેલ અનિલ સાખરેએ કહ્યું હતું કે, 'શહેરમાં રસીકરણ ઝુંબેશ બરાબર રીતે ચાલી રહી છે. 42 લાખથી વધુ લોકોએ બંને ડોઝ લઈ લીધા છે અને 82 લાખ જેટલા લોકોએ પ્રથમ ડોઝ લીધો છે. તેથી ત્રીજી લહેરનો ખતરો ટળી ગયો છે. તે સિવાય પથારીવશ એવા 2,586 લોકોના પૂર્ણ રસીકરણ થયા છે અને 3,942 લોકોએ પ્રથમ ડોઝ લીધો છે.'
અનિલ સાખરેએ કોર્ટને વધુમાં જણાવ્યું હતું કે, 'રસીકરણનું કામ સતત ચાલુ છે. હવે રસીની પણ અછત નથી. મુંબઈ સુરક્ષિત છે. ત્રીજી લહેરનો સામનો નહિ કરવો પડે.'