ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 ઓક્ટોબર 2021
શુક્રવાર
કોરોના આવ્યો ત્યારથી ઓનલાઇન બિઝનેસ એ સારું એવું જોર પકડ્યું છે. અને લોકો બહાર વસ્તુ લેવા જવા કરતાં, ઘરે બેઠા જ વસ્તુ મળી જાય એ વધુ પસંદ કરે છે. ઓનલાઇન બિઝનેસની એવી જ એક વાત સામે આવી છે કે જેની શરૂઆત બહુ જ રોમાંચક છે.
વાત જાણે એમ છે કે એક મહિલાને તેની બીમાર દીકરીની સંભાળ રાખવા માટે નોકરી છોડી દેવી પડી હતી. જ્યારે તેણીએ નોકરી છોડી દીધી, ત્યારે તેણીએ ઘણી મૂંઝવણોનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ તેણે સાથીઓની સલાહ પર ઓનલાઈન બિઝનેસ શરૂ કર્યો. ત્યારથી તે આ વ્યવસાયમાંથી વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે. દરેક જગ્યાએ તેમની સફળતાની ચર્ચા થઈ રહી છે.
આ મહિલાના સંઘર્ષ અને તેની સફળતાની વાર્તા 'મિરર યુકે' માં પ્રકાશિત થઈ છે. નોર્થેમ્પ્ટનની 33 વર્ષીય મહિલાએ તેની એક વર્ષની બીમાર પુત્રીની સંભાળ રાખવા માટે પોતે જ્યાં નોકરી કરતી હતી ત્યાં રજા માંગી હતી. નીલજાને રજા ન મળતા નોકરી છોડી દેવી પડી હતી. પછી નિર્વાહનો મોટો પ્રશ્ન ઉભો થયો. તેમના એક સાથીએ તેમને ઓનલાઈન બિઝનેસ શરૂ કરવાની સલાહ આપી હતી. તેથી તેનું જીવન બદલાઈ ગયું.
આ મહિલાએ ટિલ્ઝમાર્ટ નામનું ઓનલાઇન શોપિંગ પોર્ટલ શરૂ કર્યું. આમાં રમકડાં, ભેટો, ફૂડ હેમ્પર્સ અને ફિટનેસ વસ્તુઓ સામેલ કરી હતી. તેણે આ બિઝનેસ ચાર લાખ રૂપિયામાં શરૂ કર્યો હતો. શરૂઆતમાં, તેને આ વ્યવસાયમાં નુકસાન થયું. અનુભવમાંથી શીખતા તેણે થોડા સમય માટે વિરામ લીધો. તે પછી તેણે ફરી નવા જોમ સાથે ધંધો શરૂ કર્યો.
આ મહિલાએ 2019માં એમેઝોન પેજ સાથે પોતાની વેબસાઇટ Tilzmart.com શરૂ કરી. તેમાં તેને સારી સફળતા મળી હતી. ટૂંકા સમયમાં વેબસાઇટ લોકપ્રિય બની. તેની પાસે 70થી વધુ બ્રાન્ડ છે. વળી, તેની વાર્ષિક આવક 14 કરોડ રૂપિયાથી વધુ છે. તેમની પાસે 25 કર્મચારીઓ પણ છે. તેમણે પ્રતિકૂળતામાંથી અલગ માર્ગ અપનાવીને આ હાંસલ કર્યું છે. મિત્રો, સાચું જ કહ્યું છે કે મુસીબત જોઈને માથે હાથ દઈ બેસી રહેવાથી કંઈ નથી મળતું, તેથી મુસીબતોનો સામનો કરીને આગળ વધવાથી જીવનમાં સફળતા અવશ્ય મળે છે.