ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21, સપ્ટેમ્બર 2021
મંગળવાર.
મુંબઈ સહિત પૂરા મહારાષ્ટ્રના ઉત્તરભારતીયોના વોટબેંકને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રની ખાલી પડેલી રાજયસભાની ઉપચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ સંજય ઉપાધ્યાયને ઉમેદવારી આપી છે. મુંબઈ બીજેપીના મહામંત્રી સંજય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા છે. લાંબા સમયથી તેઓ મુંબઈ અને પ્રદેશ બીજેપીના સંગઠનમાં કામ કરી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા તત્કાલીન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સંઘર્ષયાત્રામાં તેઓ સતત સાથે રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બેઠક વારાણસીમાં પણ તેમને મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. વારાણસીમાં રહેતા મહારાષ્ટ્ર મૂળના મતદારોને અને ઉત્તરભારતીયોને રિઝવવાની જવાબદારી તેમના માથા પર નાખવામાં આવી હતી. તેમના કામથી પ્રભાવિત થઈને મોદીએ તેમની પીઠ પણ થાબડી હતી.
આગામી સમયમાં મુંબઈની સાથે નવી મુંબઈમાં પાલિકાની ચૂંટણી થવાની છે. ત્યારે મુંબઈ બીજેપીના મહામંત્રી હોવા છતા સંજય ઉપાધ્યાય પાસે કોઈ મહત્વની જવાબદારી નહોતી. તેથી નિષ્ઠાવાન કાર્યકર્તાઓમાં ખોટો મેસેજ જતો હતો. તેથી ભાજપે ભારે સમજી વિચારીને તેમને રાજયસભાની ઉમેદવારી આપી છે. ભાજપના માનવા મુજબ ઉત્તર ભારતીયોના સપોર્ટ વગર મહારાષ્ટ્રમાં શિવસેનાને ટક્કર આપવી થોડી મુશ્કેલ છે. તેથી આગામી પાલિકાની ચૂંટણીઓમાં સંજય ઉપાધ્યાયની ઉમેદવારી બહુ મહત્વનો ફાળો ભજવે એવું ભાજપનું માનવું છે.