ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનમાં દૈનિક સ્તરે પ્રવાસ કરનારાઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. હાલ લગભગ 40 લાખ મુંબઈગરા લોકલ ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા હોવાનું જણાયું છે. જેમાં સેન્ટ્રલ રેલવેના અધિકારીના કહેવા મુજબ સેન્ટ્રલમાં 25 લાખ પ્રવાસી અને વેસ્ટર્નની લોકલ ટ્રેનમાં 15 લાખથી વધુ લોકો પ્રવાસ કરી રહ્યા છે. દિવસે ને દિવસે લોકલ ટ્રેનમાં ભીડ વધી રહી હોવાને કારણે ફરી એક વખત કોરોના ફેલાવાનું સંકટ પણ વધી ગયું હોવાની ચિંતા સરકારને સતાવી રહી છે.
બ્રેક ધ ચેઇન હેઠળ મોટા ભાગનાં નિયંત્રણો હળવાં કરવામાં આવ્યાં છે. તેથી ખાનગી ઑફિસો પણ મોટા ભાગની ચાલુ થઈ ગઈ છે. મહારાષ્ટ્ર સરકારે વેક્સિનના બંને ડોઝ લઈને 14 દિવસ થયા હોય તેવા લોકોને 15 ઑગસ્ટથી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની છૂટ આપી છે. તેથી દિવસે ને દિવસે લોકલ ટ્રેનમાં પ્રવાસીઓની ભીડ વધી રહી છે.
છેલ્લા એક મહિનામાં 7 લાખ 50 હજારથી વધુ લોકલ ટ્રેનના પાસ વેચાઈ ગયા છે. એમાં સૌથી વધુ લોકલ પાસ સેન્ટ્રલ રેલવેમાં વેચાયા છે. અહીં અત્યાર સુધી 5.60 લાખ અને વેસ્ટર્ન રેલવેમાં 2 લાખ પાસ આપવામાં આવ્યા છે.
લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે વેક્સિનના સર્ટિફિકેટ મુંબઈ મહાનગરપાલિકા પાસે વેરિફાય કરાવવાનાં છે. એ માટે સેન્ટ્રલ રેલવેમાં 75 તો વેસ્ટર્ન રેલવેમાં 38 ઉપનગરીય સ્ટેશન પર હેલ્પ ડેસ્ક ઊભી કરવામાં આવી છે.
શરમ જનક : જુલાઈ મહિના સુધીમાં જ મુંબઈ શહેરમાં ૫૦૦થી વધુ રેપ કેસ નોંધાયા છે.
લોકલ ટ્રેનમાં પ્રવાસીઓની સંખ્યા વધવાની સાથે જ રેલવે દ્વારા વધારાની ટ્રેનો પણ દોડાવવામાં આવી રહી છે. રવિવારને છોડીને બંને લાઇનમાં 95 ટકા સર્વિસ પૂર્વવત્ કરવામાં આવી છે. સેન્ટ્રલમાં 1,686 ફેરા તો વેસ્ટર્નમાં 1,300 ફેરા સાથે લોકલ દોડી રહી છે. આગામી દિવસમાં એમાં હજી વધારો કરવાની ગવાહી રેલવે અધિકારીઓ આપી રહ્યા છે.