ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021
સોમવાર
ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં ફરી સૈન્ય અને નાગરિકો વચ્ચે હિંસા પ્રસરી છે. જેના કારણે મ્યાનમારના અસંખ્ય નાગરિકો ભારતના મિઝોરમ રાજ્યના બે જિલ્લામાં આવી ગયા છે.
મિઝોરમ સરકારે આ માહિતી આપી છે. મિઝોરમના ગૃહમંત્રી લાલચમલિયાનાએ જણાવ્યું હતું કે, 'રાજ્યમાં કેટલા મ્યાનમારના લોકોએ પ્રવેશ કર્યો છે. તે અંગે ચોક્કસ આંકડા હજુ સુધી જાણી શકાયા નથી.'
છેલ્લા કેટલાક દિવસોમાં સેંકડો મ્યાનમારના નાગરિકો મિઝોરમમાં પ્રવેશ્યા છે. પરંતુ મને ચોક્કસ સંખ્યા ખબર નથી કારણ કે હાલ હું કોરન્ટાઇન છું.
ઉલ્લેખનીય છે કે મિઝોરમને અડીને આવેલા મ્યાનમારમાં સૈન્ય અને નાગરિકો વચ્ચે ભીષણ સંઘર્ષ ચાલું છે. હવે હિંસાથી ભાગવાની કોશિશમાં મ્યાનમારથી નાગરિકો મિઝોરમમાં આવી રહ્યા છે.
આ વર્ષે માર્ચથી જ મ્યાનમારના હજારો નાગરિકો, ખાસ કરીને ભારતના મિઝોરમ સહિતના રાજ્યોમાં ઘુસી રહ્યા છે. સત્તાવાર આંકડા અનુસાર લગભગ 10 હજાર મ્યાનમારી નાગરિકો પૂર્વોત્તર રાજ્યોમાં વસવાટ કરી રહ્યા છે.