ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 સપ્ટેમ્બર, 2021
બુધવાર
છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં વરસાદ ખેંચાઈ જવાને કારણે પાણીની અછત પણ સર્જાઈ હતી. ખાસ કરીને આ મુદ્દે ખેડૂતોને ભારે હાંલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. પરંતુ હવે સારો વરસાદ પડતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 3 દિવસમાં રાજ્યમાં પડી રહેલા વરસાદને કારણે નર્મદા ડેમની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે.
ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે હાલ નર્મદા ડેમની જળસપાટીમાં 12 કલાકમાં 21 સેમીનો વધારો થયો છે. નર્મદા ડેમની જળસપાટી 116.6 મીટર જોવા મળી રહી છે. ડેમમાં પાણીની આવક 8993 ક્યૂસેક થઈ ગઈ છે. સાથેજ સંગ્રહિત પાણીનો જથ્થો પણ 4408.09 MCM જેટલો થઇ ગયો છે.
સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથમાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે. સોમનાથના ગીરગઢડામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે વેરાવળ, કોડિનાર અને ઉના તાલુકામાં સારા વરસાદથી પાકને જીવતદાન મળ્યું છે. તાલાળા ગીરમાં ધોધમાર વરસાદ વરસતા ગામમાં નદી વહેતી થઈ છે. છેલ્લાં ત્રણ કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. તો ધોધમાર વરસાદને કારણે નદીઓમાં પાણીની આવક થઈ છે.