ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 ઑગસ્ટ, 2021
મંગળવાર
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે માટે વાંધાજનક ટિપ્પણી કરનારા નારાયણ રાણે સામે નાશિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ગમે ત્યારે નારાયણ રાણેની ધરપકડ થઈ શકે છે. એથી રાજકીય વાતાવરણ એકદમ ગરમ થઈ ગયું છે, ત્યારે મુંબઈમાં જુહુસ્થિત નારાયણ રાણેની ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ધરપકડના ભણકારા વચ્ચે તેમના બંગલાની બહાર મોટા પ્રમાણમાં તેમના સમર્થકો પહોંચી ગયા છે. તેની સામે શિવસેનાના પણ કાર્યકર્તાઓ ભગવા ઝંડા સાથે બાઇક પર તેમના ઘરની બહાર પહોંચી રહ્યા છે. રાણેના સમર્થક અને શિવસેનાના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા છે. મામલો એટલી હદે પેચીદો બની ગયો છે કે બંને પક્ષના સમર્થકો એકબીજાને ઢીબી ના નાખે તો નવાઈ છે. જોકે આ દરમિયાન શિવસેનાના કાર્યકર્તાઓએ નારાયણ રાણે વિરુદ્ધ નારેબાજી પણ કરી હતી. બંને પક્ષના કાર્યકર્તા સામ-સામે થઈ જતા મુંબઈ પોલીસને લાઠીચાર્જ કરવો પડયો હતો. આ દરમિયાન મુંબઈના અન્ય વિસ્તારમાં પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ભાજપના નેતા નારાયણ રાણેની ગમે ત્યારે ધરપકડની શક્યતા, નાશિક પોલીસે ચક્રો ગતિમાન કર્યાં; જાણો વિગત