ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઑગસ્ટ, 2021
શુક્રવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતસ્થિત બાર જ્યોતિર્લિંગમાંથી પ્રથમ એવા સોમનાથમાં અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો છે. આ સિવાય તેમણે સોમનાથ પ્રદર્શન ગૅલેરી, જૂનું સોમનાથ મંદિર અને વૉક વેનું લોકાર્પણ અને પાર્વતી મંદિરનો શિલાન્યાસ કર્યો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા.
વડા પ્રધાન મોદીએ જય સોમનાથ સાથે લોકાર્પણ કાર્યક્રમની શરૂઆત કરી હતી. કાર્યક્રમને સંબોધિત કરતાં તેમણે કહ્યું હતું કે ‘હું ભલે વીડિયો કોન્ફરન્સથી જોડાયો હોઉં, પરંતુ મનથી તો સ્વયં ભગવાન સોમનાથનાં ચરણોમાં હોવાનો હું અનુભવ કરું છું. મારું સૌભાગ્ય છે કે મને આ પુણ્યસ્થાનની સેવા કરવાનો અવસર મળ્યો છે. સમુદ્રદર્શન વૉક વે, અહલ્યાબાઈ જૂનું સોમનાથ મંદિર, સોમનાથ પ્રદર્શન ગૅલેરીના કારણે જૂના સોમનાથના આકર્ષક સ્વરૂપનાં દર્શન કરી શકાશે. નવા અવસર અને નવી રોજગારી વધશે તથા સ્થાનની દિવ્યતા વધશે.’
વડા પ્રધાને વધુમાં કહ્યું કે, ‘આજે મને નવીનીકરણ બાદ નવા સ્વરૂપમાં સમુદ્રદર્શન પાથ, સોમનાથ પ્રદર્શન ગૅલેરી અને જૂના સોમનાથ મંદિરનું ઉદ્ઘાટન કરવાનો લહાવો મળ્યો. હું ભગવાન સોમનાથના કરોડો ભક્તોને શુભકામનાઓ આપું છું અને સાથે જ લોખંડી પુરુષ સરદાર પટેલનાં ચરણોમાં નમન કરું છું. આપણી વિચારસરણી ઇતિહાસમાંથી શીખીને વર્તમાનને સુધારવાની અને નવું ભવિષ્ય બનાવવાની હોવી જોઈએ. એથી, જ્યારે હું 'ભારત જોડો આંદોલન'ની વાત કરું છું ત્યારે એનો અર્થ માત્ર ભૌગોલિક અથવા વૈચારિક જોડાણો પૂરતો મર્યાદિત નથી.’
PM મોદીએ વધુમાં જણાવ્યું કે ‘નાશ કરનાર દળો, આતંકના આધારે સામ્રાજ્ય ઊભું કરતી વિચારસરણી અમુક સમયગાળા માટે પ્રભુત્વ ધરાવી શકે છે, પરંતુ તેનું અસ્તિત્વ ક્યારેય કાયમી હોતું નથી, તે માનવતાને લાંબા સમય સુધી દબાવી શકતું નથી. આતંક આસ્થાને કચડી શકતો નથી. સેંકડો વર્ષોના ઇતિહાસમાં આ મંદિર કેટલીય વાર તૂટી ગયું, અહીંની મૂર્તિઓ ખંડિત થઈ ગઈ, તેના અસ્તિત્વને ભસ્મીભૂત કરી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ જેટલી પણ વખત એને તોડવામાં આવ્યું એટલી વખત એ ફરી ઊભું થયું છે. કારણ કે તે શિવ છે, જે વિનાશમાં પણ વિકાસના બીજને અંકુરિત કરે છે, વિનાશમાં પણ સૃષ્ટિને જન્મ આપે છે, એથી શિવ અવિનાશી, અવ્યક્ત અને શાશ્વત છે.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા રૂ. 3.5 કરોડના ખર્ચે જૂના સોમનાથના જીર્ણોદ્ધાર મંદિર સંકુલને પૂર્ણ કરવામાં આવ્યું છે. આ મંદિરને અહલ્યાબાઈ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તે ઈન્દૌરની રાણી અહલ્યાબાઈ દ્વારા બાંધવામાં આવ્યું હતું, જ્યારે તેમને જૂનું મંદિર ખંડેર મળ્યું હતું. યાત્રાળુઓની સુરક્ષા અને સંવર્ધિત ક્ષમતા માટે સમગ્ર જૂના મંદિરના પરિસરનો સમગ્ર રીતે પુન:વિકાસ કરવામાં આવ્યો છે. એમાં મંદિરમાં યાત્રિકો સરળતાથી પ્રવેશ કરી બહાર નીકળી શકે એ માટે વિશાળ ખુલ્લું પરિસર અને પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યાં છે. પરિસરમાં જ 16 દુકાન બનાવવામાં આવી છે.