ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑગસ્ટ, 2021
ગુરુવાર
પોતાના સપનાને સાકાર કરવા માટે મહારાષ્ટ્રના યવતમાળના એક યુવકે પોતાનું હેલિકૉપ્ટર બનાવ્યું. જોકે હેલિકૉપ્ટરના પરીક્ષણ દરમિયાન મંગળવારે રાત્રે એક દુ:ખદ ઘટના બની હતી, જેમાં યુવાનનું આકસ્મિક મૃત્યુ થયું હતું. પ્રાપ્ત જાણકારી મુજબ પરીક્ષણ દરમિયાન પંખો તૂટી ગયો અને યુવાનના માથામાં વાગ્યો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું. અકસ્માતને પગલે આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પરિવારના સભ્યોમાં શોકનું વાતાવરણ છે.
હકીકતમાં મહારાષ્ટ્ર યવતમાળના ફૂલસાવંગીમાં રહેતા શેખ ઇસ્માઈલ ઉર્ફે મુન્નાએ બે વર્ષની સખત મહેનત બાદ એક હેલિકૉપ્ટર તૈયાર કર્યું હતું. તેણે આ હેલિકૉપ્ટરનું નામ પણ મુન્ના હેલિકૉપ્ટર જ આપ્યું હતું. આ હેલિકૉપ્ટર આખું બની ગયા પછી શેખ ઇસ્માઈલને સંપૂર્ણ વિશ્વાસ હતો કે એ ચોક્કસથી ઊડશે. બુધવારે મુન્નો આખા ગામ સામે એને ઉડાડવાનો હતો, પરંતુ મંગળવારે રાતે ટેસ્ટિંગ દરમિયાન એનો એક પંખો તૂટીને મુન્નાના માથામાં વાગ્યો હતો. એને કારણે મુન્નાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આઠમું પાસ મુન્નાની ઉંમર માત્ર 24 વર્ષ જ હતી અને તે વ્યવસાયે મિકેનિક હતો. તે દિવસે ગૅરેજમાં વેલ્ડિંગનું કામ કરતો અને રાતે પોતાનું સપનું પૂરું કરવા હેલિકૉપ્ટર બનાવવાના કામમાં જોડાઈ જતો હતો. મુન્નો ઇચ્છતો હતો કે દરેક ઘરના પાર્કિંગમાં કારની જગ્યાએ હેલિકૉપ્ટર ઊભું રહે. તેની આવડત અને તેના પરિવાર વિશે દુનિયા જાણી શકે એ પહેલાં જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
આ રીતે થયો અકસ્માત :
સતત બે વર્ષના અથાગ પ્રયત્નો પછી આજ રોજ તેનું સ્વપ્ન પૂરું થવાનું હતું. ગઈ રાતે તેણે બનાવેલા હેલિકૉપ્ટરનું ટ્રાયલ શરૂ કર્યું. જમીન પર એન્જિન શરૂ થયું અને એન્જિન 750 એમ્પિયર પર ચાલી રહ્યું હતું. બધું સારી રીતે શરૂ થયું, પરંતુ અચાનક હેલિકૉપ્ટરનો પાછળનો પંખો તૂટી ગયો અને તે મુખ્ય પંખા સાથે અથડાઈને ઇસ્માઈલના માથામાં વાગતાં તેનું મોત નીપજ્યું હતું.