ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ઑગસ્ટ, 2021
મંગળવાર
કોરોનાની ત્રીજી લહેરનું જોખમ ટાળવા માટે 18 વર્ષથી ઉપરના 90 લાખ મુંબઈગરાને ઝડપથી વેક્સિનેશન પૂરું કરવાનો લક્ષ્યાંક મુંબઈ મહાનગરપાલિકાએ રાખ્યો છે. દરરોજ સરેરાશ 80,000થી 1,00,000 લોકોને વેક્સિન આપવામાં આવે છે. એ હિસાબે અત્યાર સુધીમાં લગભગ 78 લાખ લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે. એમાંથી 19 લાખ લોકોને વેક્સિનના બંને ડોઝ મળી ગયા છે. મુંબઈમાં નવેમ્બર સુધી વેક્સિનેશનની ઝુંબેશ પૂરી થઈ જશે, એવો દાવો મુંબઈ મહાનગરપાલિકા કમિશરન ઈકબાલસિંહ ચહલે કર્યો છે.
મુંબઈમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે, પરંતુ ઑગસ્ટ અંત સુધીમાં કોરોનાની ત્રીજી લહેર આવવાનું જોખમ છે. એથી એ પહેલાં તમામ મુંબઈગરાનું વેક્સિનેશન પૂરું કરવાનો લક્ષ્યાંક પાલિકાએ રાખ્યો હતો. એ માટે વૈશ્વિક સ્તરે એક કરોડ વેક્સિન લેવા માટે ટેન્ડર પણ બહાર પાડ્યાં હતાં. જોકે ટેન્ડર ભરનારા તમામ લોકો બાદ થઈ જતાં આ પ્રસ્તાવનું સુરસુરિયું થઈ ગયું હતું. બીજી બાજુ કેન્દ્ર સરકાર તરફથી વેક્સિન મળવામાં વિલંબ થઈ રહ્યો છે. એથી વેક્સિનેશનની ઝુંબેશને ફટકો પડ્યો છે.
માત્ર ઓફલાઈન રીતે પાસ નથી મળવાનો પરંતુ આવનાર દિવસોમાં આ રીતે પણ પાસ મળી શકશે
હાલ પાલિકા, સરકારી અને ખાનગી એવા 432 વેક્સિનેશન સેન્ટર પર વેક્સિનેશન ચાલે છે. 18 વર્ષથી ઉપરના 90 લાખ નાગરિકોને એક કરોડ 80 લાખ વેક્સિનના ડોઝની આવશ્યકતા છે. હાલ જે ઝડપથી વેક્સિનેશન ચાલી રહ્યું છે એને જોતાં નવેમ્બર સુધીમાં તમામ લોકોનું વેક્સિનેશન પૂરું થશે એવો દાવો કમિશનરે કર્યો હતો.